Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

આટકોટમાં પત્નિનાં શંકાસ્પદ મોત બાદ પતિને કોરોના પોઝીટીવઃ અંતિમવિધીમાં ગયેલા લોકો કોરોન્ટાઇન

૧૨ દિવસ પહેલા દંપતિ સુરતથી આટકોટ આવ્યા'તા

આટકોટ,તા.૧૪:  જસદણ તાલુકાના આટકોટ ગામના શારદાબેન મનસુખભાઇ રામાણી ઉવ. ૫૦નું કોરોનાથી કે ન્યુમોનિયાથી શંકાસ્પદ મોત થયા બાદ ગઇ કાલે તેમના પતિને કોરોના પોઝીટીવ આવતા શારદાબેનની અંતિમ વિધિમાં જોડાયેલા લોકોને હોમ કોરોન્ટાઇન થવાની નોબત આવી પડતા આટકોકટમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મનસુખભાઇ રવજીભાઇ રામાણી બાર દિવસ પહેલા સુરતથી તેમના પત્નિ શારદાબેન સાથે આટકોટ આવ્યા હતા.

આટકોટ આવ્યા બાદ શારદાબેનને શરદી, ઉધરસ અને તાવ આવતા આટકોટના ખાનગી દવાખાને સારવાર લેતા ગફા હતા. ત્યાં ડોકટર ને શારદાબેનના લક્ષણો કોરોનાના દેખાતા તેમણે પતિ-પત્નિને સમજનવી કોરોના ટેસ્ટ કરવા સમજાવ્યા હતા.

બાદમાં બંને બીજા ખાનગી દવાખાને પહોંચી ત્યા પણ બતાવ્યું પ્રથમ દવાખાને ગયા હતા તે ડોકટરને શારદાબેનને કોરોના લક્ષણો જણાતા તેમણે આરોગ્ય ખાતાના અધિકારીઓને જાણ કરી તેમનો ટેસ્ટ કરાવવા ભલામણ કરતા શારદાબેનને જસદણ લઇ જઇ તેમનો કોરોના ટેસ્ટ કરાવતા બીજા દિવસે તેમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ શારદાબેનની તબીયત સારી ન થતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યાં ત્રણ દિવસ સામાન્ય વોર્ડમાં દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી હતી. જ્યાં ડોકટરોના જણાવ્યા મુજબ શારદાબેનને ન્યુમોનિયા હોય ફેંફસા નબળા પડી ગયા હોય તેમનું તા. ૧૨ના રોજ રાત્રે મૃત્યુ થયું હતું.

 આ દરમિયાન તેમના પતિ મનસુખભાઇની પણ તબીયત બગડતા તેમનો ૧૨ તારીખે કોરોના રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો.તેમનો રીપોર્ટ ગઇ કાલે પોઝીટીવ આવતા મનસુખભાઇને સાંજે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

રામાણી પરિવાર હજુ ગઇ કાલે શારદાબેનની અંતિમવિધિમાંથી પરવાયો હતો. ત્યાંજ મનસુખભાઇને રાજકોટ ખસેડવાની નોબત આવતાં પરિવારજનોમાં અને ગામ લોકોમાં ભય ફેલાય ગયો છે.

જો કે ગઇ કાલે શારદાબેનની અંતિમ વિધિમાં મનસુખભાઇ જોડાયા ન હોતા તેઓએ સાવચેતીના ભાગરૂપે પરિવારના યુવાન દિલિપ રામાણી સહિતના લોકોએ ઘરે જ રાખી સરકારની ગાઇડ લાઇન મુજબ અંતિમ વિધિ કરી હતી.

આમ છતાં શારદાબેનની અંતિમવિધિમાં જોડાયેલા લોકો સલામતી ભાગરૂપે હોમ કોરોન્ટાઇન થઇ ગયા છે.

શારદાબેનનું મૃત્યુ કોરોનાથી કે ન્યુમોનિયાથી?

આટકોટ, તા.૧૪: પ્રથમ શારદાબેનની તબીયત લથડયા બાદ તેમના પતિને કોરોના વળગતા શારદાબેનનું મૃત્યુ કોરોનાથી થયું કે ન્યુમોનિયાથી તેવો પ્રશ્ન ગ્રામજનોમાં ચર્ચાઇ છે.

આ અંગે રામાણી પરિવારનાં યુવાન અને ગામના સેવાભાવી યુવાન દિલિપ રામાણીના કહેવા મુજબ પ્રથમ શારદાબેનનો રીપોર્ટ કરાવ્યો હતો. આમ છતાં તેમની તબીયત સારી ન થતા રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. બાદ તેમના પતિનો કોરોના રીપોર્ટ છે. છ દિવસ બાદ પોઝીટીવ આવતા શારદાબેનનાં કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હોય કયાંય રીપોર્ટ કરવામાં તંત્રની ભુલ નથી થઇને તેવો પ્રશ્નતેમણે ઉઠાવ્યો છે. તંત્ર દ્વારા હાલતો શારદાબેન અને મનસુખભાઇના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરોન્ટાઇન કર્યા છે. પરંતુ મનસુખભાઇ બે દિવસ પહેલા જસદણની એક ખાનગી હોસ્પિટલમાં ચાર કલાક રોકાઇ સારવાર કરાવી હતી. પરંતુ તંત્ર દ્વારા હજુ આ હોસ્પિટલમાં કંઇજ કાર્યવાહી ન કરી હોવાનું પણ સામે આવ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા ત્યાં પણ યોગ્ય કાર્યવાહી કરે તો સંક્રમણ વધતા અટકશે તેવી ચર્ચા હાલ આટકોટમાં ચર્ચાઇ છે.

જસદણ તાલુકામાં કોરોનાએ પ્રથમ ભોગ લીધોઃ શરીફાબેન રાઠોડનું મોત

આટકોટ,તા.૧૪: જસદણ તાલુકામાં અત્યાર સુધીમાં ૪૫ જેટલા કોરોના કેસ આવ્યા બાદ ગત રાત્રે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જસદણના શરીફાબેને અંતિમ શ્વાસ લેતા જસદણમાં કોરોનાએ પ્રથમ ભોગ લીધો છે.

જસદણના બાવાન ચોક વિસ્તારમાં રહેતા શરીફાબેન જમાલભાઇ રાઠોડ ઉવ. ૬૦ને ગત તા.૫ના રોજ કોરોનો વળગ્યો હતો. બાદમાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

ગત રાત્રે તેમની તબીયત લથડતા તેમણે સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા પરિવાર જનોમાં માતમ છવાઇ ગયો છે.

આ અંગે જસદણ આરોગ્ય ખાતાના એક કર્મચારીએ પોતાનું નામ નહી છાપવાની શરતે જણાવ્યું હતું કે, હવે કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. શરૂઆતમાં કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓને બીજી બીમારીઓ સાથે આવ્યું છે. પરંતુ શરીફાબેનને કોઇ જ પ્રકારની બીમારી ન હોવાના છતા મૃત્યુ થયુ હોવાની ઘટના સામે આવી હોય આરોગ્ય વિભાગ પણ માથુ ખંજવાળી રહી છે. શરીફાબેનના મૃત્યુથી પરીવારમાં માતમ છવાઇ ગયો છે. તેમજ જસદણમાં ભય ફેલાઇ ગયો છે.

(11:44 am IST)