Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

માળીયા મીંયાણામાં વિરોધ : જો રણ સરોવર બનશે તો અગરીયાઓની રોજી છિનવાશે : ઘૂડખરો પણ રઝળી પડશે

કુદરતી પાણી સમાવાનો વિસ્તાર અને મીઠાના અગરો ડૂબમાં જશે : પ્રોજેકટ ઉપર રોક લગાવો

માળીયા મીંયાણા તા. ૧૩ : માળીયા મિંયાણામાં રણ સરોવર પ્રોજેકટના વિરોધમાં અગાઉ ઠાકોર સમાજના આગેવાનો મીઠું પકવતા અગરિયાઓ અને આજુબાજુ ગામના લોકોએ અગરીયાઓની રોજીરોટી અને રણ સરોવરથી અનેક મુદાઓ ઉપર થતા નુકશાન સામે માળીયા મામલતદારને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવેલ હતી.

માળીયાના અગરીયા હિતરક્ષક મંચ દ્વારા કલેકટરને આવેદન પાઠવી રણ સરોવર સામે વિરોધ વ્યકત કર્યો હતો જેમા કચ્છના નાનારણ તરીકે ઓળખતા પાંચ હજાર ચોરસ કિલોમીટર જમીન ઉપર રણ સરોવર બનાવવામાં અજંતા ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડાયરેકટર જયસુખભાઈ દ્વારા રાજયમાં અલગ અલગ વિસ્તારોમાં સેમીનારના માધ્યમથી રણ સરોવર અંગે તેમના વિચારો રજુ કરતા બે પુસ્તકો લખ્યા છે જે બંને પુસ્તકોમાં કચ્છના નાનરણમાં રણ સરોવરમાં ફેરવવાના ફાયદાઓ વર્ણવ્યા છે પરંતુ આ નાનારણમાં ફાયદાઓ કરતા નુકશાની વધુ હોય એના પર એક નજર કરી હજારો ઘૂડખરો અને હજારો ગરીબ લોકોની રોજીરોટી ઉપર સવાલો ઉભા થયા છે જો રણ સરોવર બને તો હજારો અગરીયાઓની રોજીરોટી છીનવાઈ જશે લાખો ટન મીઠુ પકવતા અગરીયોને મોટો ફટકો પડશે અને એકજ ઝટકે ગરીબોની રોજીરોટી છીનવાઈ જશે તેમજ અહી ઘુડખર અભયારણ્ય આવેલું હોય લુપ્ત થતા ઘુડખરોની સંખ્યા અહી પાંચેક હજાર છે તે કયા જશે તેવો સવાલ પણ ઉભો થયો છે જેથી હાલ તો રણ સરોવરનો મુદ્દો ભારે ચર્ચાના ચકડોળે ચડ્યો છે જેના વિરોધમાં હળવદ ધ્રાંગધ્રા અને માળીયામાં આવેદનપત્ર આપી સરકારના કાન ભંભોળવા પ્રયાસ કરી ઘુડખરોની ઉજળતી જિંદગી અને હજારો લોકોની છીનવાઈ જતી રોજીરોટી અંગે વિચારણા કરી રણ સરોવરની કામગીરી પર રોક મુકવા સરકાર સમક્ષ માંગ કરાઈ છે કચ્છના નાનારણ નજીક આવેલા સુરજબારીના પુલના ગાળાઓ બંધ કરી એ વિસ્તારમાં રણ સરોવરની યોજના સંદર્ભે ચાલી રહેલા પ્રયાસોનો વિરોધ કરવા માળીયા તાલુકાના અગરિયા આગેવાનો અગરીયા હિતરક્ષક મંચ દ્વારા આ યોજનાના વિરોધમાં મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતુ.

જેમા કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યા પ્રમાણે જો આ પ્રકારનું કોઈ રણ સરોવર બનાવવામાં આવશે તો ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની નદીઓ અને સ્થાનીક વોકળાઓનું કુદરતી પાણી સમાવવાનું વાસણ કહેવાતો વિસ્તાર ડૂબમાં જશે સુરજબારી પાસે બંધ બનાવવાથી દરીયાની મોટી ભરતીનું પાણી બંધની દીવાલ સાથે અથડાઈને પાછું દરિયા તરફ કરવાથી માળીયા અને કચ્છના સુરજબારી પાસે આવેલા મીઠાના અગરો ડૂબમાં જશે આ વિસ્તારમાં મોટુ ઘુડખર અભ્યારણ આવેલું છે.

જેમા દુનિયાની લુપ્ત થતી એવી ઘુડખર પ્રજાતિના ૫૦૦૦ જેટલા ઘુડખરો અહીં વસવાટ કરે છે જેના નર્સગીક જીવનમાં ખલેલ પણ પડશે તેમજ અનેક બેટ ડૂબમાં આવી જશે તો ઘુડખરોને આસપાસના ખેતરો તરફ પ્રયાણ કરવુ પડશે જેથી ખેડુતોને પારાવાર નુકશાની થશે માલઢોર ઘૂડખરો રઝળી પડશે તો અગરીયાઓ બેકાર બની જશે આમ રણ સરોવર પ્રોજેકટ અનેક નુકશાની લઈને આવનાર પ્રોજેકટ હોવાથી ત્રણ તાલુકામાં આવેદન પાઠવી વિરોધનો સૂર ઉઠ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે આજરોજ માળીયા અગરીયા હીત રક્ષક મંચ દ્વારા કલેકટરને આવેદન પાઠવ્યું હતુ જેમા માળીયા અગરીયા હિતરક્ષક મંચના ક્રોડીનેટર મારૂતિસિંહ બારૈયા માળીયા મીઠા ઉત્પાદન એસોસિએશન પ્રમુખ દેવાભાઈ આહીર અગરીયા આગેવાન રામભાઈ લોખીલ ખેડુત આગેવાન ચોથાભાઈ ભીમાણી માછીમાર સમુદાય આગેવાન રમજાન જેડા માલધારી આગેવાન મોમાયાભાઈ ભરવાડ સહીતના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી સરકારે ગંભીરતાપુર્વક રણ સરોવર પ્રોજેકટ ઉપર વિચારણા કરી રોક લગાવવા રજુઆત કરાઈ છે.

(11:44 am IST)