Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જુનાગઢ અને ધોરાજીના કોરોનાગ્રસ્ત બે દર્દીઓના મોત

રેકોર્ડ બ્રેક પોઝીટીવ કેસ નોંધાવાની સાથે મૃત્યુ આંક ૮ થતા અરેરાટી

જુનાગઢ, તા. ૧૪ :  રેકોર્ડ બ્રેક પોઝીટીવ કેસ નોંધાવાની સાથે જુનાગઢના વધુ એક કોરોના દર્દીનું મોત થતા કુલ મૃત્યુ આંક વધીને આઠ થયો છે.

આ સાથે ધોરાજીના પણ એક કોરોનાગ્રસ્ત દર્દીએ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના અધધ કેસ નોંધાય રહ્યા છે. ગઇકાલે સાંજ સુધીમાં નવા ૪૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમાં જુનાગઢ સીટીનાં ૧૩ જુનાગઢ તાલુકાના ૭, વિસાવદર તાલુકાના ર૧ અને વંથલી તાલુકાના કેસનો સમાવેશ થાય છે. જેમાં ૧૬ થી લઇને ૮૮ વર્ષની વયનાં લોકો સંક્રમિત થયા છે.

આમ પોઝીટીવ કેસ વધતાં કોરોનાના કુલ કેસ ૪૦૦ ની નજીક પહોંચી ગયા છે. દરમિયાન જુનાગઢ જિલ્લામાં મૃત્યુ દર પણ વધવા લાગ્યો છે.

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં વધુ બે દર્દીના મોત થયા છે. જેમાં જુનાગઢના જોશીપરાના અને ધોરાજીનાં એક દર્દીએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીએ આજે સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, ગઇકાલે જુનાગઢના જોશીપરા વિસ્તારના પ૯ વર્ષીય પુરૂષનું મૃત્યુ થયેલ અને એ અગાઉ ધોરાજીના એક ૭૬ વર્ષીય કોરોના દર્દીનું પણ મૃત્યુ નિપજયું હતું.

ડીડીઓ પ્રવિણ ચૌધરીએ વધુમાં જણાવેલ જોશીપરાના કોરોના દર્દીનું મોત નીપજતા જુનાગઢ જિલ્લાનો મૃત્યુ આંક આઠ થયો છે. જેમાં જુનાગઢનાં છ મોત તેમજ જુનાગઢ ગ્રામ્યના એક અને વિસાવદરના એક કોરોના દર્દીના મોતનો સમાવેશ થાય છે.

શ્રી ચૌધરીએ વધુમાં જણાવેલ કે જોશીપરાના મૃત્યુ પામેલ પ૯ વર્ષીય કોરોનાને અનકંટ્રોલ ડાયાબીટીસ હતા. જેની દર્દી તેમજ તેમના પરિવારજનોએ પણ જાણ ન હતી. ઉપરાંત આ દર્દી કોરોનાનાં લક્ષણો જણાવ્યાના ચાર દિવસ બાદ સારવાર અર્થે દાખલ થયેલ. તા. ૧૦ના રોજ તેમનો પોઝિટીવ રીપોર્ટ આવેલ અને ગઇકાલે મૃત્યુ પામ્યા હતા.  જિલ્લા વિકાસ અધિકારી એ લોકોને સાવચેતી રાખવા માસ પહેરી રાખવા અને સોશ્યલ ડિસટન્સ જાળવવવાની સાથે કોરોનાના લક્ષણ જણાયે તુરત જ હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

(11:42 am IST)