Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગારીયાધારના ખેડૂતોને વિજળી આપવામા પીજીવીસીએલના ઠાગાઠૈયા

છેલ્લા ત્રણ માસથી ખેડૂતો દ્વારા ફરીયાદો કરવા છતા તંત્રની સચોટ કામગીરીનો અભાવ

ગારીયાધાર તા.૧૪ : ગારીયાધાર તાલુકાના માંડવી ૬૬ કે.વી. હેઠળ આવતા સિતાપુર ખેતીવાડી ફિડરમાં છેલ્લા ત્રણ માસથી ૫૦ થી વધારે ખેડૂતોને વિજળી આપવામાં તંત્રના ધાંધીયાના કારણે ખેડૂતો હાડમારી વેઠી રહ્યા છે. પીજીવીસીએલના આવા વારંવારના છબરડાઓ અને ફરીયાદો ઉઠવા છતા તંત્ર સુધરવાનું નામ ન લેતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

ગારીયાધાર તાલુકાના માંડવી ૬૬ કેવી હેઠળ આવતા સિતાપુર ખેતીવાડી ફિડરમાં અંદાજે ૬૦ જેટલા ખેડૂતોના વિજ જોડાણો છે જેમાં છેલ્લા ત્રણ માસથી પીજીવીસીએલ તંત્ર દ્વારા અઠવાડીયામાં સાત દિવસમાં બે દિવસ લાઇટ અપાય છે. બાકીના દિવસોમાં ર કલાક લાઇટ આવ્યા બાદ જતી રહેતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે. જે બાબતે ખોડાભાઇ હીરાભાઇ ધોળીયા નામના કનેકશન દ્વારા લેખીતમાં અને એકાંતરા ફોલ્ટ ઓફીસ ખાતે ફરીયાદો કરવામાં આવી છે પરંતુ ત્રણ માસથી પીજીવીસીએલ તંત્ર દ્વારા આ ફરીયાદનું નિરાકરણ લાવવામાં અસફળ રહી છે.

આ ફીડરના ખેડૂતો દ્વારા વિજળી બાબતની ફોલ્ટ સેન્ટરો ખાતે ફરીયાદ કરવામાં આવે ત્યારે ફોલ્ટ ઓફીસના કર્મચારી દ્વારા ગાડી નથી, માણસો નથી અને અમને ફીડરમાં ફોલ્ટ નથી મળતાની સમસ્યાનુ કથિત વર્ણન કરવામાં આવે છે.

વળી, આ સમસ્યા આ ફીડર માત્રની નથી. મોનસુન કામગીરીના નામે ઉનાળાની સિઝનમાં વિજળી કાપ અપાય છે જયારે ચોમાસામાં વરસાદના બહાના બતાવી તંત્ર છટકે છે આમ પીજીવીસીએલ તંત્ર દ્વારા ખેડૂતો અને આમ પ્રજાને બહાનાઓ બતાવી પોતાની ભુલો ઢાંકવામાં સફળતા મેળવે છે. વારંવાર વિજળી કાપથી સમગ્ર તાલુકાની પ્રજા ભારે હાડમારી વેઠી રહી છે.

(11:38 am IST)