Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ડફેર ગેંગના ત્રાસ વચ્ચે ભચાઉના લાકડીયા પાસે લૂંટના ઇરાદે છરી વડે હુમલો કરનાર ડફેરનું ટ્રક ચાલકોના ઢોર મારથી મોત

લૂંટના ઇરાદે આવેલ ડફેરે તેને પકડનાર હોટેલ કર્મીને છરી ભોંકયા બાદ ઝડપાઇ જતાં ટ્રક ચાલકોએ બાંધીને માર માર્યો : પોલીસ સ્ટેશનમાં તબિયત બગડી સારવાર દરમિયાન મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : સામખિયાળી રાજસ્થાન હાઇવે ઉપર લાકડીયા ગામ પાસે બજરંગ હોટેલ પાસે પાર્કિંગ કરેલ ટ્રકમાં લૂંટના ઇરાદે ડફેર ગેંગ ત્રાટકી હતી.

દરમ્યાન ટ્રક ચાલક જાગી જતાં તેણે બુમાબુમ કરતાં હોટેલ કર્મી ગોકલારામે દોડીને એક લૂંટારુને ઝડપી લીધો હતો. ઝડપાયેલો ડફેર ગેંગનો સભ્ય પાટણના સાંતલપુરના જમાલ જુસબ સંધીએ હોટેલ કર્મીને છરી ભોંકી દીધી હતી. પણ, અન્ય ટ્રક ચાલકોએ તેને ઝડપી લીધો હતો. ઝડપાયા બાદ જમાલને ટોળાએ ઢોર માર મારી લાકડીયા પોલીસને સોંપ્યો હતો.

દરમ્યાન ઘાયલ જમાલે પીડાની ફરિયાદ કરતાં તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જયાં તેનું મોત નીપજયું હતું. તો, છરી વડે ઇજાગ્રસ્ત થયેલ હોટેલ કર્મી ગોકલારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દરમ્યાન જમાલનું મોત કસ્ટડી દરમ્યાન થયું હોઈ તેની તપાસ હાથ ધરાઈ છે. બન્ને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ કરી છે. જોકે, કચ્છના બંદરોએથી માલ ભરીને જતી ટ્રકોને હાઇવે ઉપર ડફેર ગેંગ દ્વારા લૂંટી લેવાય છે. તો, આ રસ્તા ઉપર જો કોઈ વાહન બગડે તો તેમાં પણ ડફેર ગેંગ છરીની અણીએ લૂંટ ચલાવે છે.(૨૧.૫)

 

(9:57 am IST)