Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

૭ કેસ અને વધુ એક મોત સાથે કચ્છમાં કોરોનાએ સર્જયો ફફડાટઃ કુલ ૧૨ મોત અને ૨૫૬ કેસ

ગાંધીધામના વૃધ્ધનું મોત રિપોર્ટ પહેલા રિપોર્ટમાં પોઝિટિવ દર્દી બતાવ્યા પછી મોડે મોડે તંત્રએ કહ્યું મોત થયું છે : કોરોનાથી નિપજતા મોત બાબતે સર્જાઇ રહ્યા છે તર્કવિતર્ક

ભુજ તા. ૧૪ : કચ્છમાં કોરોનાએ સર્જેલ ઉધામાએ લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે, તો બીજી બાજુ તંત્ર ફરી એક વખત આંતરિક સંકલન જાળવવામાં નિષ્ફળ રહેતાં મીડીયામાં અને લોકોમાં તર્ક વિતર્ક વધ્યા છે. ગઈકાલે સાંજે ૫ વાગ્યે ગાંધીધામના ૬૨ વર્ષીય વૃદ્ઘનું કોરોનાની સારવાર દરમ્યાન મોત નીપજયું. પણ, રાત્રે પોણા નવ વાગ્યે તંત્રએ જાહેર કરેલ યાદીમાં તે વૃદ્ઘને કોરોનાના દર્દી તરીકે બતાવાયા હતા. પણ, રાત્રે સોશ્યલ મીડીયામાં એ વૃદ્ઘના મોતના સમાચાર વહેતા થયા પછી રાત્રે ૧૧ વાગ્યા પછી એટલે કે ભગવાનજી સથવારાના મોતના છ કલાક પછી તંત્રએ તેમને મૃત જાહેર કરી કોરોના સિવાય અન્ય બીમારી હોવાના તારણ રજૂ કર્યા. જો, મોતના કારણની તબીબી પેનલ મારફતે તપાસ કરવાની બાકી હોય તો એ હકીકત દર્શાવીને પણ મોત અંગેની જાણકારી સમયસર દર્શાવવી જોઈએ.

અગાઉ પણ આવુ જ કરાતાં તંત્ર સામે કોરોનાની માહિતી આપવા અંગે શંકાની સોઈ ચીંધાઈ રહી છે. એ જ રીતે ગઈકાલે મોડે મોડે જાહેર કરાયેલા રીપોર્ટ અનુસાર ૭ પોઝિટિવ કેસ સાથે ગાંધીધામ,મુન્દ્રામાં સતત વધતા દર્દીઓ સાથે કચ્છમાં કોરોનાના કેસો વધીને અઢીસોની પાર થયા છે.

હવે કચ્છમાં કોરોનાના સંક્રમણના કારણે લોકલ દર્દીઓ વધ્યા છે. અત્યાર સુધીના કુલ દર્દીઓની સંખ્યા ૨૫૬ થઈ છે. જે ૭ કેસ નોંધાયા છે તેમાં ગાંધીધામના બીએસએફ જવાન (બિહાર) અને ભુજની અદાણી જીકે હોસ્પિટલના પુરુષ નર્સ (રાજસ્થાન) એમ બે ની જ ટ્રાવેલ હિસ્ટ્રી છે. જયારે ગાંધીધામના અન્ય ત્રણ દર્દીઓ લોકલ કેસ છે. (બિહારની ટ્રાવેલ હિસ્ટ્રી સાથે બીએસએફના જવાન સહિત ગાંધીધામના કુલ ૪ દર્દી) ઉપરાંત અન્ય દર્દીઓમાં મેઘપર કુંભારડી (અંજાર)ના પુરુષ, મુન્દ્રામાં ૧૮/બી આશાપુરા નગરમાં રહેતા મહિલાને કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે.  જોકે, ચિંતાજનક વાત એ છે કે, ગાંધીધામ, મુન્દ્રામાં કોરોનાના દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. ભુજમાં અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં રાજસ્થાનથી પરત આવેલા પુરૂષ નર્સને ડ્યુટી જોઈન્ટ કરવાથી પહેલાં કરાયેલા કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવતાં તેને સીધો જ સારવાર માટે દાખલ કરાયો છે.

કચ્છ જિલ્લાની કોરોનાની આંકડાકીય માહિતી અત્યાર સુધીના કુલ દર્દીઓ ૨૫૬, સાજા થયેલા દર્દીઓ ૧૬૮, અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ ૭૭ દર્દીઓ છે અને મૃત્યુ પામનારાની સંખ્યા ૧૨ છે.(૨૧.૧૧)

(11:06 am IST)