Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે ઉનાનું ખત્રીવાડ ગામ સંપર્ક વિહોણુ બન્‍યુ : ચોતરફ વસરાદની પાણી ફરી વળ્યા

ગીર સોમનાથ : ભારે વરસાદને પગલે ઉનાનું ખત્રીવાડ ગામ સંપર્ક વિહોણુ બન્‍યુ છે અને ચોતરફ વરસાદના પાણી ફરી વળ્યા છે.

પાણીના ભારે પ્રવાહને કારણે વહીવટી તંત્રને ખત્રીવાડા ગામ સુધી પહોચવામાં મુશ્કેલી નડી રહી  છે. ગામ બેટમાં ફેરવાઇ ગયું હોવાથી ગામવાસીઓને પણ અનેક મુશ્કેલીઓ પડી રહી છે. જિલ્લામાં વરસાદને કારણે અનેક નદીઓ ગાંડીતુર બની છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં કેશોદમાં 3 ઈંચ, માળીયાહાટીનામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો ગીરસોમનાથ સહિત જિલ્લાભરના તાલુકામાં ગત રાત્રીથી અત્યાર સુધીમાં અડધાથી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જેના લઇ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જાફરાબાદ, કડિયાલી, વઢેરા, ટીંબી, બલાલા, હેમાળ, રોહિસામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે  કડીયાલીથી ટીબીના માર્ગ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે જિલ્લાના  મોટા ભાગના ડેમ ઓવરફ્લો થયા છે.  અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી ગીરનાર પર્વત ઉપર 9 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જેના કારણે ગીરનારથી આવતા પાણીને લીધે જટાશંકર જેવા વિસ્તારોમાં પાણીની સારી આવક થઇ છે. તેમજ નદી નાળા છલકાઈ ગયા છે. ગીરનાર પર્વત ઉપર અનરાધાર 9 ઇંચ વરસાદ પડી જતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. તેમજ શહેરમાં 7 ઇંચ વરસાદ પડી ગયો છે. જેને લીધે દામોદર કુંડ અને સોનરખ નદીમાં ધોડાપુર આવ્યા હતા. લોકો વરસાદમાં નાહવા ભવનાથ વિસ્તારમાં પહોચી ગયા હતા અને મન ભરી મજા માણી હતી.

(1:18 am IST)