Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ચોટીલામાં ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળની અવદશાથી ભારે નારાજગી

ભવ્ય 'સ્મારક સંકુલ બનાવવા લોકલાગણી : નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ૧૫૦ વર્ષ પુરાણુ હેરીટેજ મકાન ખુલ્લુ મુકાયુ હતું'

રાજકોટ તા. ૧૪ : મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણી પોતાને 'પહાડનું બાળક'તરીકે ઓળખાવતા. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમ : નાગ પંચમી, વિક્ર્મ સંવત ૧૯૫૨)ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના કવાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. પુત્રમાં ઉચ્ચ સંસ્કાર સિંચનાર હતા ધર્મપરાયણ માતા ધોળીમા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. તેઓ લાગણીભેર નોંધે છે ૅં  'આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભ્રમણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ.'

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું, લગભગ ૧૫૦ વર્ષ જેટલું પુરાણુ, ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળનું આ ઐતિહાસિક મકાન સરકારી તાલુકા ગ્રંથાલયની સામે આવેલું છે. આમાં ૨ ખંડ અને પાછળ નાનું ફળિયું છે. ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને ભારતના હાલના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૦માં' 'સ્વર્ણિમ ગુજરાત'ની ઊજવણી અંતર્ગત ૧૧૪મી મેઘાણી-જયંતીએ સહુપ્રથમ વખત જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. પોતાના દાદાજી ઝવેરચંદ મેઘાણીના જીવન-કવનથી નવી પેઢી પરિચિત તેમજ પ્રેરિત થાય તે માટે સતત કાર્યશીલ પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને તેમના ૮૦ વર્ષીય માતા કુસુમબેન મેઘાણી આ ઐતિહાસિક જન્મસ્થળ જીવંત સ્મારક તરીકે વિકાસ પામે તે માટે સવિશેષ પ્રયત્નશીલ છે. પિનાકીભાઈએ, સ્વ-ખર્ચે, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવનને નિરૂપતું રસપ્રદ અને માહિતીસભર પ્રદર્શન તથા ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્ર, હસ્તાક્ષર અને સંસ્મરણોને આલેખતી કલાત્મક તકતીઓ અહિ મૂકી છે. વિશ્વભરમાંથી હજારો સાહિત્ય-પ્રેમીઓ અને મેઘાણી-ચાહકોએ આ ઐતિહાસિક જન્મસ્થળની મુલાકાત લીધી છે. ૨૦૧૪માં' ગુજરાતના હાલના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, હાલના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને તત્કાલીન મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આની મુલાકાતે પણ આવ્યા હતા. જન્મસ્થળની પાસે આવેલ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ૨૦૧૫માં' ગુજરાત સરકાર દ્વારા 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ ભવન'તરીકે નામકરણ થયું છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૨૦૧૨માં' આ ઐતિહાસિક જન્મસ્થળનું રીનોવેશન, રીપેરિંગ અને રંગરોગાન થયું હતું. પરંતુ હાલ આ ઈમારત બેહાલ છે. છત પરનાં નળીયા ક્ષતિગ્રસ્ત છે. અંદર અને બહારની દિવાલોનું પ્લાસ્ટર અને રંગ ઠેર-ઠેર ઊખડી ગયાં છે. દિવાલોમાં ભારોભાર ભેજ છે. લાકડાનાં બારી-બારણાં પણ નુકશાન પામ્યા છે. ચોમાસાનો પ્રથમ વરસાદ થતાં જ સ્થિતિ વધારે વણસી છે. અંદર રખાયેલ પ્રદર્શન અને પુસ્તકો નુકશાન પામે તેવી ભીતિ છે. પહેલાની જેમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ મકાનને જાહેર જનતા માટે નિયમિત રીતે ખુલ્લું રખાતું નથી તેવી પણ લોકચર્ચા છે.

પોતાના શૌર્યગીતો થકી આઝાદીની લડતમાં લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં દેશભકિતની ભાવનાનો નવસંચાર કર્યો તથા દેશ માટે કારાવાસની સજા પણ વેઠી તેવા ગુજરાતના ગૌરવ સમા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી વર્ષ હાલ ચાલી રહ્યું છે ત્યારે આ ઐતિહાસિક જન્મસ્થળની અવદશા અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુૅંખદ છે. વિશ્વભરમાં વસતાં સેંકડો ગુજરાતીઓની આથી લાગણી દુભાઈ છે.

જન્મસ્થળનાં આ ઐતિહાસિક મકાન તથા આજુબાજુમાં આવેલ અન્ય ઐતિહાસિક મકાનો, ઈમારતો, જગ્યાઓને સાંકળીને ભવ્ય 'સ્મારક-સંકુલ'તરીકે વિકસાવવામાં આવે અને આ સંકુલમાં ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું અદ્યતન દ્રશ્ય–શ્રાવ્ય–મલ્ટીમિડિયા પ્રદર્શન ઉપરાંત સંશોધન-કેન્દ્ર, ગ્રંથાલય અને વાચન-કક્ષ, ઓડીટોરિયમ, ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવે. ચાંમુડા માતાનાં તીર્થધામ તરીકે ચોટીલા જગપ્રસિધ્ધ છે. ચોટીલા સાંસ્કૃતિક-તીર્થ તરીકે પણ વિશ્વભરમાં ખ્યાતિ પામે તેવી લોકલાગણી છે. 

આગામી સ્વાતંત્ર્ય-દિનની રાજયકક્ષાની ઊજવણી સુરેન્દ્રનગર ખાતે થઈ રહી છે ત્યારે ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને માર્ગ અને મકાન વિભાગ સંભાળતા નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ વિશેષ રસ લઈને આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકલાગણી છે.          

'જન્મભૂમિ'ચોટીલા ઉપરાંત ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં અન્ય ઐતિહાસિક સ્મૃતિસ્થળો : 'કર્મ-નિર્વાણભૂમિ'બોટાદ (૯ માર્ચ ૧૯૪૭ના રોજ અંતિમ શ્વાસ લીધા તે ઐતિહાસિક નિવાસસ્થાન), 'શૌર્યભૂમિ'ધંધુકા (૨૮ એપ્રિલ ૧૯૩૦દ્ગક્ન રોજ જે વિશેષ અદાલતમાં ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લી પ્રાથના'ગાઈ ને મેજીસ્ટ્રેટ ઈસાણી અને ઉપસ્થિત વિશાળ જનમેદનીની આંખો આંસુભીની થઈ ગઈ હતી, તે સમયનો ડાક-બંગલો અને હાલનું જિલ્લા પંચાયતનું રેસ્ટ-હાઉસ) તથા 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ'રાજકોટ (જયાંથી ૧૯૦૧માં' શાળા-શિક્ષણનો આરંભ કર્યો તે સમયની તાલુકા શાળા અને હાલની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા) પણ જીવંત સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી છે.(૨૧.૨૫)

(4:09 pm IST)