Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

માળીયા હાટીનામાં મુશળધાર ૫, કેશોદમાં ર ઇંચ

જુનાગઢ, મેંદરડા, વંથલી, કેશોદ, જામજોધપુર, કાલાવડમાં પણ હળવો-ભારે વરસાદઃ મેઘાવી માહોલ યથાવત

ભાદર ડેમમાં નવા નીરનું આગમનઃ (વિરપુર જલારામ): સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર ડેમ કે જે જેતપુર ઉપરાંત રાજકોટ, વીરપુર, અમરનગર જુથ યોજના અને ખોડલધામને પીવાનું પાણી પુરૂ પાડે છે તેમ ડેમમાં ચોમાસા પુર્વે એટલે ગઇકાલ સુધી પ૪પ એમસીએફટી ફુટ પાણીનો જથ્થો એટલે કે ૧૧.૬૪ ફુટ ડેમની સપાટી હતી તે ગતરાત્રી અને આજે સવારે ડેમની ઉપરવાસમાં પડેલ સારા વરસાદને કારણે ત્રણ ફુટ જેટલું પાણીની આવક થતા હાલ ડેમમાં ૯૭પ ફુટ એમસીએફટી પાણીનો જથ્થો એટલે કે ડેમની ૧૪.૬૦ ફુટની સપાટી થવા પામી છે અને હાલ પાણીની આવક જોતા સાંજ સુધીમાં હજુ અડધો ફુટ સપાટી વધે તેવું લાગી રહયાનું ડેમ સાઇડ પરના ઇજનેરે જણાવ્યું હતું. ભાદર ડેમની કુલ સપાટી ૩૪ ફુટની છે અને આ ડેમ ૧૯૬૪ માં બન્યો ત્યારથી અત્યાર સુધીમાં રર વખત ઓવરફલો થઇ ચુકયો છે આ ડેમ જેતપુર ઉપરાંત ધોરાજી, ઉપલેટા તેમજ જુનાગઢ  જિલ્લાના ખેડુતોને પણ ૭૧ કી.મી. લાંબી કેનાલ દ્વારા સિંચાઇનું પાણી પુરૂ પાડતો હોય ડેમમાં પાણીની આવક થતાં જગતાતમાં ખુશીની લહેર દોડી ગઇ છે. (તસ્વીરઃ અહેવાલઃ કિશન મોરબીયા-વીરપુર)

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ સાથે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે. આવા વાતારવણ  વચ્ચે આજે જુનાગઢના માળીયા હાટીનામાં મુશળધાર પ ઇંચ વરસાદ ખાબકયો છે. જયારે કેશોદમાં ર ઇંચ વરસાદ પડયો હતો.

જુનાગઢ

 આજે સવારે વધુ દોઢ ઇંચ વરસાદ ખાબકતા માળીયા હાટીના પાણી...પાણી થઇ ગયુ છે. માળીયા ઉપરાંત વંથલી અને કેશોદમાં પણ સવારથી ધોધમાર વરસાદ હોવાના વાવડ છે.

જુનાગઢ જિલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ૭૩ર મી.મી.એટલે કે, ર૯.ર૮ ઇંચ વરસાદ વરસતા સવારસુધીમાં મોસમનો કુલવરસાદ ર૯પ૮ મી.મી. મતલબ કે ૧૧૮.૩ર ઇંચ થવા પામ્યો છે.

ગઇકાલ સવારથી આજે સવાર સુધીમાં સૌથી વધુ ૧૭૮ (૭ ઇંચ) મી. મી. વરસાદ માળીયા હાટીના પંથકના ખાબકયો હતો. રાત્રે મેઘાએ અહીં વિરામ લીધા બાદ આજે સવારથી ફરીથી મેઘાએ મંડાણ કર્યા છે.

સવારથી માળીયા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઇ પ્રારંભિક બે કલાકમાં વધુ ૩પ મી.મી. (દોઢ ઇંચ) પાણી પડયાનું નોંધાય છે.

માળીયામાં મેઘ તાંડવથી કેટલાંક વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતીનું નિર્માણ થયુ છે. નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. સતત બે દિવસની વરસાદ હોય જનજીવનને અસર થઇ છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાય જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

કેશોદમાં સવાર સુધીમાં પ૦ મી. મી. વરસાદ નોંધાયો હતો પરંતુ સવારથી મેઘાએ તોફાની બેટીંગ શરૂ કરતાં સર્વત્ર પાણી પાણી જ જોવા મળે છે.

ગઇકાલની માફક આજે પણ કેશોદની આંબાવાડી કાપડ બજારમાં પાણી ભરાયા હોવાના સમાચાર છે.

વંથલી તાલુકામાં ૩૦ મી. મી. વરસાદ નોંધાયા બાદ સવારથી મેઘાએ નવેસરથી મંડાણ કર્યા છે.

માંગરોળ વિસ્તારમાં ગઇકાલે ૬પ મી. મી. વરસાદ ખાબકયા બાદ આજે સવાર વધુ ર૦મી. મી. વરસાદ નોંધાયો છે. અને લખાય છે ત્યારે પણ માંગરોળમાં વરસાદ ચાલુ છે.

મેંદરડા પંથકમાં કાલે ૪ ઇંચ વરસાદ નોંધાયા બાદ આજે સવારનાં ૬ થી ૮ માં વધુ અડધો ઇંચ વરસાદ થયાના અહેવાલ છે. જુનાગઢના ગીરનાર પર્વત અને જંગલ વિસ્તારમાં આજે પણ મેઘમહેર યથાવત રહી છે. જટાશંકર સહિતનાં જંગલમાં મેઘો મહેરબાન છે.

જુનાગઢ શહેરમાં ર૪ કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે પણ સવારથી મેઘાએ ધીમી ધારે વરસવાનું શરૂ કરી દીધું છે.

ગીરનાર અને દાતાર પર્વત પર વરસાદથી ગઇકાલે ઓવરફલો થયેલો જૂનાગઢનો વિલીગ્ડન ડેમમાં આજે પણ નવા નીરની આવક ચાલુ છે.

જૂનાગઢનાં નરસિંહ મહેતા સરોવર અને આણંદપુર ડેમમાં પણ પાણીની આવક  જારી છે.

જામનગર

જામનગરઃ શહેરનું આજનું હવામાન ૩૪ મહત્તમ ૨૬.૮ લઘુતમ ૮૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૬ પ્રતિ કલાક પવનની ગતિ છેલ્લા ૨૪ કલાકમાં જામનગર જિલ્લાના કાલાવડ ૨૧, જામજોધપુર ૨૫, ધ્રોલ ૦૪, જોડીયા ૦૨ મીમી વરસાદ નોંધાયો છે.

ભાવનગર

ભાવનગર શહેર જીલ્લામાં વરસાદી માહોલ જોવાઇ રહ્યો છે જીલ્લામાં હળવા ભારે ઝાપટાથી લઇ અર્ધોથી પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

ગોહિલવાડ પથંકમાં મેઘાવી માહોલ વચ્ચે છુટો છવાયો વરસાદ પડ્યો છે. આજે અષાઢીબીજે સવારથી વાદળછાવ વાતાવરણ રહેવા પામ્યુ હતુ. ભાવનગર જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ભાવનગરમાં ૧૨ મીમી ઘોઘામાં ૧૪ મીમી વલભીપુરમાં ૬ મીમી મહુવામાં ૧૩ મીમી તળાજામાં ૩ મીમી પાલીતાણામાં ૪ મીમી જેસરમાં ૧૬ મીમી અને ઉમરાળીમાં ૧૮ મીમી વરસાદ નોંધાયો છે.

ઉપલેટા

ઉપલેટાઃ ગઇકાલે આખો દિવસ ધીમી ધારે હળવાભારે વરસાદ ઝાપટા પડેલ છે. જે સાંજના ૫ વાગ્યા સુધીમાં ૭ મીમી પડેલ હતો કુલ ૯૭ મીમી નોંધાયા બાદ તાલુકાના મોટી પાનેલી ૩૫ મીમી ભાયાવદર ૬૦ મીમી નાગવદરમાં ૯૬ મીમી ગઢાળા ૫૦ મીમી તથા તાલુકાના અન્ય ગામડાઓમાં પણ વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે. તાલુકાના મોજ ડેમ ખાતે દિવસ દરમ્યાન ૪૧ મીમી થતા મોસમનો કુલ ૧૨૯ મીમી નોંધાયેલ છે ગઇકાલે બપોરબાદ વિરામ થયેલ છે. ઉપલેટા તાલુકાના બન્ને ડેમમાં કોઇ નવા નીરની આવક નથી.

પ્રભાસપાટણ

પ્રભાસપાટણઃ પ્રભાસપાટણ વિસ્તારમાં રાત્રીનાંજ ધોધમાર વરસાદ શરૂ થયેલ હતો અને દિવસના ૩ વાગ્યા સુધી આ વરસાદ શરૂ રહેલ  હતો જેથી ખેતરો બેટમાં ફેરવાયેલ અને આરે બાજુ પાણીજ નજરે પડે છે તેમજ સરવતી નદી સુત્રાપાડા ફાટકની બાજુમાં બે કાઠે વહિ રહેલ છે તેમજ કપિલા નદીમાં પણ ઘોડા પુરતે કારણે અમર શહિદ ધાનાભાઇ  માંડાભાઇ તળાવ ભરાયેલ અને બાદલપરા ગામમાં જતા પૂલ ઉપર ગોઠન ડુબ પાણી ભરાયેલ હતા અને સીમ વિસ્તારમાં ચારે બાજુમાં પાણી ભરાવાથી ખેડુતોને બહાર નીકળવું મુશ્કેલ બનેલ છે.

(11:52 am IST)