Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મોટા ગુજરીયા ડેમ ઓવર ફલો થવાની તૈયારીમાં ઉબેણ, અને ઓઝત-બે ડેમ પોણા-પોણા ભરાયા

જુનાગઢના હસનાપુર ડેમમાં અવિરત આવકઃ મધુવંતી, આંબા જળ, ઝાંઝેશ્રી, ધ્રાફડ, વૃજમીમાં ૩ થી ૯ ફુટ પાણી વધારો

જૂનાગઢ તા. ૧૪ :.. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળાશયોની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

ભેંસાણ નજીકનો મોટા ગુજરીયા ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે ભેંસાણમાં આજે પણ ધીમી ધારે વરસાદ હોવાથી આજે રાત સુધીમાં આ જળાશય છલોછલ થવાની શકયતા છે.

ઉબેણ અને જૂનાગઢ નજીકનો ઓઝત-બે ડેમ ભારે વરસાદથી પોણા-પોણા ભરાય ગયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

ઉબેણમાં ૪ ફુટ પાણીની સપાટી વધી છે. જયારે ઓઝત-બે જળાશયમાં ૧૩ ફુટ નવા પાણીની આવક થઇ હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત માળીયા હાટીના વિસ્તારમાં સતત વરસાદથી વૃજમી ડેમમાં પાણીની સપાટીમાં અવિરત  વધારો થઇ રહ્યો હોવાથી આ ડેમમાં સવારે ૧૦ ફુટ જળ સપાટી વધી હોવાનું જાણવા મળેલ છે.

ઝાંઝેશ્રી ડેમમાં ૧૧ ફુટ નવા નીરની આવક થઇ છે.

વિસાવદર નજીકનાં આંબાજળ ડેમમાં ૮ ફુટ નવુ પાણી ઠલવાયુ છે. ધ્રાફડ જળાશયની સપાટી પણ ૮ ફુટ વધી હોવાનાં સમાચાર મળી રહ્યા છે.

જૂનાગઢને પાણી પુરુ પાડતો હસનાપુર ડેમ ગિરનાર જંગલમાં વરસાદથી પોણો ભરાવવા આવ્યો છે.

(11:46 am IST)