Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

માતા-બહેન સાથે અષાઢી બીજના દર્શન કરવા વિંછીયા જતાં નાડોદાનગરના કોળી યુવાન જયસુખનું અકસ્માતમાં મોત

ખોખડદળના પુલ પર વહેલી સવારે કુતરૂ આડે આવતાં રિક્ષા પલ્ટી ગઇઃ માતા અને ૯ વર્ષની બહેનનો ચમત્કારીક બચાવ

રાજકોટ તા. ૧૪: અષાઢી બીજ નિમીતે વિંછીયા પાસે રામાપીરના મંદિરે માતા અને બહેનને દર્શન કરવા પોતાની રિક્ષામાં લઇને જતાં નાડોદાનગરના કોળી યુવાનની રિક્ષા ખોખડદળના પુલ પાસે કુતરૂ આડે આવતાં પલ્ટી મારી જતાં આ યુવાનનું મોત નિપજ્યું છે અને માતા-બહેનનો નજીવી ઇજા સાથે બચાવ થયો છે. યુવાન દિકરાના મોતથી કોળી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મળ્યા મુજબ કોઠારીયા રોડ નાડોદાનગર-૧માં રહેતો રિક્ષાચાલક જયસુખ અરવિંદભાઇ ગોવાણી (ઉ.૨૦) નામનો કોળી યુવાન આજે અષાઢી બીજ હોઇ પોતાના માતા હંસાબેન અને બહેન મનીષા (ઉ.૯)ને પોતાની અતુલ રિક્ષામાં બેસાડી વહેલી સવારે વિંછીયા પાસેના રામાપીરના મંદિરે દર્શન કરવા જવા નીકળ્યો હતો. છએક વાગ્યે તે ખોખડદળ પુલ પાસે પહોંચ્યો ત્યારે અચાનક કુતરૂ આડે આવતાં કાબૂ ગુમાવતાં રિક્ષા પલ્ટી ખાઇ જતાં જયસુખને ગંભીર ઇજા થઇ હતી અને બેભાન થઇ ગયો હતો. જ્યારે તેના માતા અને બહેનનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

સિવિલ હોસ્પિટલમાં જયસુખે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર જયસુખ બે ભાઇ અને એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. તેના પિતા અરવિંદભાઇ કારખાનામાં કામ કરે છે. યુવાન અને આધારસ્તંભ દિકરાના મોતથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.

(11:42 am IST)