Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

'ગુસ્સાવાળા' ટીચરના ડરથી સ્કૂલ નથી જતા ગામના બાળકો!

અંજારના એક ગામના વાલીઓ બાળકોને મોકલતા નથી શાળાએ : ટ્રાન્સફરની માંગ

અમદાવાદ તા. ૧૪ : કચ્છના અંજાર તાલુકામાં આવેલા એક ગામના ૧૩૦ બાળકોના માતા-પિતા પોતાના બાળકોને પાછલા બે દિવસથી સ્કૂલ નથી મોકલી રહ્યા. આ વાલીઓનો આરોપ છે કે શાળાના એક મહિલા ટીચર બાળકોને આકરી સજા આપે છે અને તેમણે સ્કૂલ ટીચરના ટ્રાન્સફરની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે અંજારથી ચાર કિલોમીટર દૂર આવેલા મેઘપાર ગામની માધવનગર પંચાયત પ્રાઈમરી સ્કૂલના શિક્ષક નાની પટેલ વિરુદ્ઘ વાલીઓએ ફરિયાદ કરી છે. સ્કૂલમાં લગભગ ૧૫૩ વિદ્યાર્થીઓ છે જેમાંથી ૧૩૦ વિદ્યાર્થીઓએ સ્કૂલ આવવાનું બંધ કરી દીધું છે. ગામમાં રહેતા વિક્રમ તાલાણી કહે છે કે, નાનીબહેનનો સ્વભાવ ગુસ્સાવાળો છે અને તે બાળકોને લાકડીથી ફટકારે છે. અમે તાલુકા પ્રાઈમરી એજયુકેશન ઓફિસર સમક્ષ પણ આ બાબતે ફરિયાદ નોંધાવી છે અને કહ્યુ હતું કે જો તેમને ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો અમે બાળકોને સ્કૂલ નહીં મોકલીએ.

વિક્રમે આગળ જણાવ્યું કે, બે મહિના પહેલા તેમણે એક વિદ્યાર્થીનીને ફટકારતા તેને માથામાં ઈજા થઈ હતી અને તેણે સ્કૂલ છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ૮૦૦ પરિવારના આ ગામમાં એકમાત્ર આ પ્રાઈમરી સ્કૂલ છે. સ્કૂલના આચાર્ય રમેશ ખાભંગા કહે છે કે, હું અહીંયા ૩ અઠવાડિયા પહેલા જ જોઈન થયો છુ. ટીચરના વર્તનના વિરોધમાં બાળકોએ સ્કૂલ આવવાનું બંધ કરી દીધું છે પરંતુ હજી સુધી કોઈ LC લેવા નથી આવ્યું.

નાની પટેલનો આરોપ છે કે આ આરોપ પાછળ કોઈનો લાભ હશે કારણકે હું પાછલા ૩૦ વર્ષથી ભણાવુ છુ અને આટલા વર્ષોમાં કોઈએ મારા વિરુદ્ઘ ફરિયાદ નથી કરી.

(11:41 am IST)