Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

જામનગરમાં સૌરાષ્ટ્રનું પ્રથમ સેનેટરી પેડ ઉત્પાદન યુનિટ ખુલ્યુ

ઉદઘાટન સાથે જ ૧૮૪ કિશોરીઓને પેડ વિતરણ મેન્સ્ત્રુઅલ હાઇજીન અવેરનેસ વર્કશોપ સંપન્ન

જામનગર : અહીયા ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના સહકારથી બુધવારે સૌરાષ્ટ્રનું પ્રથમ સેનેટરી પેડના ઉત્પાદન યુનિટ શરૂ કરવામાં આવેલ છે. જેના ઉદઘાટન સાથે સાથે સંજુબા સ્કુલની ૧૦૦૦ કિશોરીઓ પૈકી ૧૮૪ કિશોરીઓને સેનેટરી પેડ વિતરણ અને મેન્સ્ત્રંુઅલ હાઇજીન અવેરનેસ વર્કશોપનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ પૂનમબેન માડમે શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો.

કાર્યક્રમની શરૂઆત ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના વંચિત બાળકો દ્વારા બનાવેલ માટીના દિવા પ્રગટાવીને દિપ પ્રાગટયથી કરાયા બાદ સ્વાગત ગીત સજુબા સ્કુલની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યુ હતુ. મહેમાનોનું આગવી રીતે સ્વાગત પ્લાન્ટ દ્વારા કરવામાં આવેલ હતુ. જે આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષ વાવોનો સંદેશો પાઠવી ગયો. શાબ્દિક સ્વાગત સંસ્થાના ટ્રસ્ટી વિમલ અઘેરાએ કર્યુ હતુ.

આ તકે મેયહ હસમુખ જેઠવાના હસ્તે સૌરાષ્ટ્રનું પ્રથમ સેનેટરી પેડના ઉત્પાદન યુનિટને ખુલ્લો મુકયા બાદ સજુબા સ્કુલની ૧૨માં ધોરણની ૧૮૪ કિશોરીઓને સેનેટરી પેડનું વિનામુલ્યે વિતરણ પણ કરાયુ હતુ. સાથે સાથે આયોજક હિતેશ પંડયાએ વંચિત પરિવારના કિશોરીઓ અને બહેનોને સુરક્ષા પ્રદાન કરવા સારા ઘરના કિશોરીઓ અને બહેનોને એક વર્ષના રૂ. પ આપી એક વર્ષ માટે સેનેટરી પેડ સ્પોન્સર કરી સુરક્ષા ચક્ર પુરૂ પાડવા માટે અનુરોધ કર્યો હતો.

ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં નિકુંજ ઠેશીયા (જીલ્લા મેનેજર, સીએસસી), મીરાબેન ભટ્ટ (પ્રિન્સીપાલ સજુબા હાઇસ્કુલ), સરોજબેન કુબાવત (પ્રમુખ સખી - ૧ કલબ), ચંદ્રીકાબેન દુધાગરા (સખી ૧ કલબ), અતુલભાઇ ભંડેરી (કોર્પોરેટર), સીમાબેન અઘેરા, રાજુભાઇ બોદર (જીલ્લા કો ઓર્ડીનેટર સીએસસી), ધ્વની શાહ, ખુશી દેસાઇ (એમ.પી.શાહ મેડીકલ કોલેજ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, મેન્સ્ત્રુંઅલ હાઇજીન અવેરનેસ વર્કશોપમાં ધ્વની શાહ, ખુશી દેસાઇ (એમ.પી.શાહ મેડીકલ કોલેજ) દ્વારા ઉપયોગી માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમનો લાભ ૩૯૮ કિશોરીઓ બહેનોએ લીધેલ હતો. સફળ બનાવવા તન્મય સંઘવી, સુજય અગ્રવાત, શૈલેષ ગાંધી, વિમલ અઘેરા, સીમા અઘેરા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. સેનેટરી પેડ વિશે વધુ વિગત માટે હિતેશ પંડયા, કાજલ પંડયા (મો. ૭૪૦૫૭ ૭૫૭૮૭, ૯૮૨૪૦ ૦૮૪૪૪)નો સંપર્ક સાધી શકાય છે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(11:34 am IST)