Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

પોરબંદરના સમુદ્રમાં સાડી ઉદ્યોગનો કેમિકલ યુક્ત કચરો ઠાલવવા સામે ભારત વિકાસ પરિષદ નારાજ

ભારત વિકાસ પરિષદ હોદ્દેદારોએ મુખ્યમંત્રી સમક્ષ પ્રોજેક્ટ બંધ કરવા માંગણી કરી

પોરબંદર : જેતપુરના સાડી ઉદ્યોગ નું કેમિકલ યુક્ત પાણી પાઇપલાઇન દ્વારા દરિયામાં ઠાલવવા સામે વિરોધ દર્શાવતું આવેદન પત્ર રાજ્યના મુખ્યમંત્રીને પાઠવી ભારત વિકાસ પરિષદ હોદ્દેદારોએ માંગણી ઉઠાવી છે.

રજુઆતમાં જણાવેલ છે કે. જેતપુરના ડાઇંગ ઉદ્યોગના પ્રદુષિત પાણીનો નિકાલ ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે જેતપુરથી પોરબંદર સુધી પાઇપ લાઇન ફીટ કરી એ પ્રદુષિત પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાનું નક્કી થયેલ છે. જે પર્યાવરણ માટે ખુબ હાનીકારક છે.

આજે વિશ્વના વિકસીત દેશોમાં જેતપુરના સાડી ઉદ્યોગ માટે પ્રિન્ટીંગમાં ઉપયોગ થતા કલરો બનાવવાની ફેક્ટરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધો છે. કારણ કે તેનાથી પર્યાવરણને અને માનવ જીવનને ખુબ જ નુકશાન થાય છે. જે સાબીત થયેલું છે. જેતપુરના સાડી ઉદ્યોગમાં થતા પ્રદુષિત પાણીએ જેતપુર શહેરના ભુર્ગભીના પાણીને પણ પ્રદુષિત કરી નાંખ્યા છે. જેનાથી આપણે સૌ માહીતગાર છીએ. તો આવા પ્રદુષિત પાણીને પોરબંદર સમુદ્રમાં ઠલાવવામાં આવશે તો દરિયાઇ પ્રદુષણમાં વધારો થશે અને દરિયાઇ જીવો સમુદ્રમાં રહી પણ નહીં શકે.

એક બાજુ ઇન્ડીયન કોસ્ટગાર્ડદ્વારા દરિયાઇ પ્રદુષણ અટકાવવા માટે અબજો રૂપિયા ખર્ચે સમુદ્રનું શુધ્ધીકરણ કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ આપણે દરિયાઇ પ્રદુષણ વધારવાની મંજુરી આપીએ છીએ. જે જરાય વ્યાજબી બાબત નથી.

ભારત વિકાસ પરિષદ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે, જેતપુરથી પોરબંદર સુધીની પાઇપ લાઇન દ્વારા પ્રદુષિત પાણી ઠાલવવાનો પ્રોજેક્ટ સમુદ્રી પર્યાવરણ અને સમુદ્રી જળચર પ્રાણીઓ માટે ખુબ જ હાનીકારક હોઇ તાત્કાલીક અસરથી આ યોજનાને બંધ કરવામાં આવે તેવી આપના સ્તરેથી કાર્યવાહી કરવા આગ્રહભરી વિનંતી છે.

આજે જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણંના શુધ્ધીકરણ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય પણ આવા પર્યાવરણને થતું નુકશાન રોકવા સંપૂર્ણ સાથ અને સહકાર આપશે જ એવી આશા અને શ્રધ્ધા છે.

(8:52 pm IST)