Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

લીંબડીના રામરાજપર ગામે મોડી રાત્રે વીજળી પડતા પાંચ ગાયોના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ : લીંબડી તાલુકાના રામરાજપર ગામે ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં જોરદાર પલ્‍ટો આવ્‍યા બાદ કડાકા ભડાકા વચ્‍ચે વીજળી પડતા પાંચ ગાયોના ઘટના સ્‍થળે જ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. ગાયોના મોતથી પશુપાલકો અને માલધારીઓમાં શોકની લાગણી ફેલાવા પામી હતી.

સુરેન્‍દ્રનગર જીલ્લામાં છેલ્લા ૩-૪ દિવસથી આકાશ કાળાડીબાંગ વાદળોથી ગોરંભાયુ હતુ. જેમાં રામરાજપર ગામે ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં જોરદાર પલ્‍ટો આવ્‍યા બાદ પવનના સૂસવાટા અને કડાકા ભડાકા વચ્‍ચે ધડાકાભેર વીજળી ત્રાટકી હતી.

રામરાજપર ગામની સીમમાં છેલાભાઇ વિઠલભાઇ ચિહલા નામના ભરવાડના ખેતરમાં બાંધેલી પાંચ ગાયો પર અચાનક આ વિજળી પડતાં મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આ ઘટના અંગે માલધારી સમાજ દ્વારા લાગતા-વળગતા તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી

(11:09 am IST)