Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

પોતાને અમરેલીનો બાપ ગણાવનાર કુખ્યાત આરોપી છત્રપાલસિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

પોલીસને પડકાર ફેંકનાર છત્રપાલસિંહ વાળાને કાયદાનું ભાન કરાવ્યું

અમરેલીના છત્રપાલસિંહ વાળાએ પેટ્રોલ પંપના માલિકને ધમકી આપી રૂપિયા 10 લાખની ખંડણી માંગી હતી. આ અંગે પેટ્રોલ પંપના માલિકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધાવતા અમરેલી એલસીબી, એસ.ઓ.જી અને સિટી પોલીસની વિવિધ ટીમ બનાવી આ આરોપીને ગોંડલ નજીકથી ઝડપી પાડ્યો હતો અને સરઘસ કાઢ્યું હતું.

અમરેલીના લાઠી રોડ પર આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક પાસે રૂપિયા 10 લાખની ખંડણી માંગનાર છત્રપાલસિંહ વાળાના ધમકીભર્યા ફોનની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિકે આ અંગે સીટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. જેથી એલસીબી, એસઓજી અને સીટી પોલીસ દ્વારા તેની ધરપકડ કરી જાહેરમાં તેનો સરઘસ કાઢવામાં આવ્યો હતો. આ આરોપીએ થોડા દિવસ પહેલા અમરેલી એસપી નિર્લિપ્ત રોયને પણ પડકા ફેંક્યો હતો. જોકે પોલીસે પણ છત્રપાલસિંહ વાળાને જાહેરમાં પરેડ કરાવી હતી અને પોલીસને પડકાર ફેંકનાર છત્રપાલસિંહ વાળાને કાયદાનું ભાન કરાવ્યું હતું સાથે જ આ પ્રકારના ગુનેગારો આગળ પણ કોઇ ધમકી આપતા પહેલા 100વાર વિચાર કરે તેમ તેની સાથે કાયદાકીય કાર્યવાહી કરી હતી. પોલીસે છત્રપાલસિંહ વાળાને જાહેર રસ્તા પર ફેરવીને લોકોને આરોપીઓથી ન ડરવાની સલાહ આપી હતી.

જો કે, આ આરોપી ટ્રાંસપોર્ટનો ધંધો કરે છે અને અમરેલીનો રહેવાસી છે. તેણે છેલ્લા દસ વર્ષમાં અમરેલી જિલ્લાના અમરેલી, રાજુલા, પીપાવાવ તેમજ અમરેલી સીટીમાં જુદી-જુદી કલમો હેઠળ અનેક ગુનાઓ નોંધાયા છે. હાલમાં પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે.

(11:04 pm IST)