Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જામનગરની મોટી હવેલીમાં ૧૫મીથી મંગળા-શયનના દર્શન

કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે : કોરોના મહામારીના કારણે મોટી હવેલી બંધ રહી હતી

જામનગર, તા. ૧૩ : કોરોના કાળમાં જીવલેણ વાયરસના સંક્રમણને અટકાવવા તમામ ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યાં હતાં. હવે જ્યારે સ્થિતિ ધીરે ધીરે પહેલાંની જેમ સામાન્ય થઈ રહી છે ત્યારે ધાર્મિક સ્થાનો પણ હવે દર્શનાર્થીઓ માટી ખુલી રહ્યાં છે. જોકે, હવે વિવિધ મંદિરોમાં અને અન્ય ધાર્મિક સ્થાનોમાં સોશલ ડિસ્ટન્સિંગ સહિત કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે છે.

જામનગરની મોટી હવેલીમાં તા. ૧૫ જૂનથી મંગળા અને શયનના દર્શન શરૂ કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે મોટી હવેલી બંધ રહી હતી. મહાકવિ હરિરાયજી મહરાજના જન્મ દિવસથી હવેલીમાં પુનઃ દર્શન શરૂ થશે. જામનગરની મોટી હવેલીમાં તા. ૧૫ જૂનથી સવારે મંગળા અને સાંજે શયનના દર્શન ખૂલશે. જામનગરના ગાદીપતિ હરિરાયજી મહારાજના જન્મ દિવસથી દર્શનનો પ્રારંભ થશે.

૧૫ જૂનથી સવારે ૭.૪૫ થી ૮.૧૫ સુધી મંગળા દર્શન અને સાંજે ૬.૫૦ થી ૭.૧૫ સુધી શયનના દર્શન ભાવિકો કરી શકશે. જામનગર મોટી હવેલીમાં દર્શન કરવા આવનાર વૈષ્ણવોએ સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. જેમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, દર્શન કરી તરત બહાર નીકળી જવાનું રહેશે. ઉપરાંત દરરોજ ફક્ત બે જ દર્શન ખૂલશે. બાકીનો તમામ ક્રમ ભીતર થશે. વ્યવસ્થામાં સાથ આપવા તથા વાહનો ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે પાર્ક કરવા વજુભાઈ પાબારીએ અનુરોધ કર્યો છે.

(9:50 pm IST)