Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

અમરેલી જીલ્લામાં સાર્વત્રીક ધીમીધારે ૨ ઈંચ વરસાદ

વાવણી કાર્યના શ્રીગણેશઃ કૂવા-બોરમાં નવા નીરની આવકઃ સમયસર વરસાદથી હરખ

 અમરેલી, તા. ૧૪ :. જિલ્લામાં 'વાયુ'નો ખોફ હટી ગયા બાદ મેઘરાજાની સમયસર એન્ટ્રી ધીમીધારે થતા સર્વત્ર વાવણી જોગ અડધાથી બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા જગતનો તાત વાવણી કાર્યમાં જોતરાય ગયો છે.

છેલ્લા બે દિવસથી 'વાયુ' નામનુ વાવાઝોડુ વિનાશ નોતરવા આવી રહ્યુ છે. તેવા ખોફથી જિલ્લાભરમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો પરંતુ 'વાયુ' ફંટાઈ જતા મેઘરાજાએ કૃપા દ્રષ્ટિ કરતા સમયસર ગઈકાલથી આજ સવાર સુધીમાં ધીમીધારે અડધાથી બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા જગતનો તાત વાવણી કાર્યમાં જોતરાઈ ગયો છે. અમરેલી જિલ્લામાં વરસેલા વરસાદના સત્તાવાર આંક પ્રમાણે અમરેલીમાં ગઈકાલથી આજ સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૪૪, બાબરા ૨૭, બગસરા ૧૮, દામનગર ૨૧, જાફરાબાદ ૫૪, ખાંભા ૫૦, લાઠી ૩૦, લીલીયા ૨૧, રાજુલા ૪૪, સાવરકુંડલા ૪૭, વડીયા ૩૨ મી.મી. પાણી વરસી ગયુ હતું.

જિલ્લામાં પડેલા ધીમીધારે વરસાદથી વાવણી કાર્યના શ્રીગણેશ થઈ ગયા છે. બીજી તરફ કૂવા, બોરમાં નવા પાણીની સંભાવના ઉજ્જવળ બની છે.

વરસાદથી ભારે ગરમીનો સામનો કરતા નગરજનોમાં હાશકારો અનુભવાયો હતો. ગઈકાલે સાંજના શહેરની ગલી, ખાંચા, મુખ્યમાર્ગો ઉપર લોકોનો મેળાવડો જામ્યો હોય તેમ પ્રથમ વરસાદથી ન્હાવાનો લાભ ઉઠાવતા નજરે ચડયા હતા. જિલ્લામાં સંભવીત વાવાઝોડુ સહિત કુદરતી આફતો સમયે ખડેપગે રહેવાની ગુલબાંગો ફુંકતુ પીજીવીસીએલ તંત્રનો વહીવટ ખાડે ગયો હોય તેમ છેલ્લા ૨૪ કલાકથી એક પણ ફોલ્ટ રીપેર ન થતા લોકોમાં ભારે રોષ ફેલાય ગયો છે. અમરેલીમાં 'વાયુ' વાવાઝોડુનો ભય હટી ગયા બાદ વરસેલા વરસાદ બાદ ઠેર ઠેર લાઈટના ફોલ્ટ જોવા મળી રહ્યા છે. લો-વોલ્ટેજ અવારનવાર લાઈટ ગુલ થવી, ઝટકા આવવા, ઠેર ઠેર જીવતા વિજ વાયરો તૂટવા સહિત અનેક ફરીયાદો લોકોમાંથી ઉઠવા પામી છે ત્યારે કામ કરવાનો દાવો કરનાર પીજીવીસીએલના કર્મચારી એક પણ ફોલ્ટ દૂર કરી શકયા ન હોવાની ફરીયાદ લોકોમાંથી ઉઠવા પામી છે, ત્યારે સંભવીત કુદરતી આફતો સામે આ તંત્ર કેમ રક્ષણ આપશે ? તેવા વેધક સવાલો ઉઠયા છે અને શહેરના ફોલ્ટ કોણ અને કયારે દૂર કરશે ? તેવી તરેહ તરેહની ચર્ચા જાગી છે.

(3:36 pm IST)