Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર પંથકમાં ૨ ઈંચ

સાંજે એસ.ટી. ડેપોના રૂટ પૂર્વવતઃ સંખ્યાબંધ સ્થળોએ વિજ વાયરો, થાંભલા, વૃક્ષો તૂટી પડયા

ખંભાળીયા, તા. ૧૪ :. દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં ઝાપટાથી માંડીને ૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ખંભાળીયા અને દ્વારકામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા.

ખંભાળિયામાં ગઈકાલે મોસમનો પ્રથમ વરસાદ ચાર મીલી. પડયો હતો. જ્યારે દ્વારકામાં મોસમનો પ્રથમ વરસાદ પાંચ મીલી. પડયો હતો.

દેવભૂમિ જિલ્લાના ભાણવડ ખાતે હજુ વરસાદ નીલ છે, જ્યારે કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે ૨૨ મીલી. વરસાદ પડતા કુલ ૪૭ મીલી. વરસાદ મોસમનો પડયો છે જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ છે.

જો કે વરસાદના કારણે હજુ મોટુ નુકશાન થયુ નથી કયાંક કયાંક ૨ાા - ૨ ઈંચ વરસાદ પડતા ત્યાં વાવણી થઈ છે. બપોર પછી વરસાદની સંભાવના છે.

એસ.ટી. ડેપો દ્વારા દ્વારકા, અમદાવાદ, જામનગર, રાજકોટ, જૂનાગઢ વિ. સ્થળોના ૪૪ શેડયુલ બંધ કરી દેવામા આવ્યા હતા જે પછી આજે સવારે ડેપો મેનેજરશ્રી જાડેજા તથા અધિકારીઓ દ્વારા રોડનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

આજે સવારથી રોડ સર્વે કરીને જામનગર રૂટ પરની બસોને ધીરે ધીરે શરૂ કરવામાં આવી હતી તથા દ્વારકા રૂટ પણ સર્વે કરાયો છે જે પછી ત્યાં પણ શરૂ કરાશે. જે પછી જૂનાગઢ અને અન્ય મોટા રૂટો પણ શરૂ કરાશે અને સાંજે પૂર્વવત થઈ જશે.

રામનાથ સોસાયટીમાં એક વીજ થાંભલામાં બીજો વાયર પડતા શોક સરકીટ થતાં સમગ્ર વિસ્તાર બંધ થઇ ગયો હતો તો સ્ટ્રીટ લાઇટો પણ તમામ બંધ થઇ ગઇ હતી.

ખંભાળીયામાં દ્વારકા હાઇવે પર આશાપુરા કંપની પાસે મેઇન લાઇન પર એક ઝાડ પડતા સમગ્ર એરીયા બંધ થઇ ગયો હતો જે કલાકો પછી પૂર્વવત થયો હતો તો અનેક સ્થળે ઝાડની ડાળીઓ પડતા તથા વીજ વાયરો તૂટતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

દર ૧૦ મીનીટે એક જગ્યાએ વીજ વાયર તૂટવાનો બનાવ બનતા પીજીવીસીએલના નાયબ ઇજનેરશ્રી પઠાણ દ્વારા રાત્રે પણ ટીમ રાખીને જયાં શકય હોય ત્યાં રીપેરીંગ કાર્ય હાથ ધર્યું હતું. જોકે આજે સવારથી અડધા ઉપરાંતનું ગામ વીજ વાયરો તૂટતા બંધ થયેલુ હોય હેલ્પરો અને લાઇનમેનોને મોકલીને વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડા તથા પવન સાથે વરસાદના પગલે સમગ્ર જિલ્લામાં ઠેરઠેર વીજ વાયરો તૂટવા, થાંભલા પડવા, વૃક્ષો પડવા વિ.ને કારણે ગામડાઓમાં લાઇનો બંધ થતાં ફિડરો બંધ થઇ ગયા હોય રાજયની વિદ્યુત બોર્ડની કચેરી દ્વારા રર જેટલી ટેકનીકલ સ્ટાફ ઇજનેર, લાઇનમેન તથા હેલ્પરોની ટીમો દ્વારકા ખાતે મોકલવામાં આવી હતી. આ ટીમો દ્વારા સમગ્ર દ્વારકા જિલ્લામાં વીજ તંત્ર પૂર્વવત કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હતાં.

દેવભૂમિ જિલ્લામાં ગઇકાલે ભારે પવનના લીધે ગ્રામ્ય પંથકના વીજ ફીડરો બંધ કરી દેવાયા હતા તે આજે મોટાભાગના રાત્રે તથા આજે સવારે પૂર્વવત થઇ ગયા છે. ખેતીવાડીના ફીડરોમાં અમુક જગ્યાએ ફીડરો બંધ છે તે પણ આજે પૂર્વવત થશે. લાંબા એસ.એસ. હેઠળના આઠ ગામડાઓ આજે ચાલુ થઇ જનાર છે.

રેલ્વે સુત્રોના જણાવ્યા પ્રમાણે વાવાઝોડા તથા વરસાદી વાતાવરણમાં સુરક્ષાના કારણોસર ટ્રેઇનો બંધ કરી દેવામાં આવી છે કોઇ રેલ્વે ટ્રેકને નુકશાન થયું નથી કે કયાંય લાઇનોને નુકશાન થયું નથી સંભવતઃ આજે સાંજે મીટીંગ થયા પછી રલવે વ્યવહાર પૂર્વવત થવા સંભાવના છે. હાલ તમામ વીકલી ટ્રેઇનો તથા સૌરાષ્ટ્ર મેઇલ અને તમામ લોકલ ટ્રેઇનો પણ બંધ છે. જોકે વાવાઝોડાની ગંભીર આગાહીના પગલે યાત્રાળુઓ પણ નહીંવત દેખાઇ રહ્યા છે.

જિલ્લા રમતગમત અધિકારીશ્રી ભાવેશભાઇ રાવલીયા ગઇકાલે લીંબડી રાણ પાસેથી ગાડી લઇને આવતા ભારે પવન અને વરસાદી ઝાપટામાં એક ગાયને રસ્તા પર પડેલી જોતા ગાડી થંભાવીને તપાસ કરતા આ ગાયના પગ ભાંગી ગયાનું જણાતા તેમણે ત્યાં બે કલાક સુધી રોકાઇને ઘાયલ ગાયની સારવાર કરાવીને તેને સલામત સ્થળે પહોંચાડવા વ્યવસ્થા કરીને માનવતાનું કાર્ય કર્યું હતું.

(12:58 pm IST)