Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ધરા ભીની થઇ પણ હજુ સાર્વત્રિક વાવણી નહિ

આકાશે ઓઢી લીધા છે ઢગલો વાદળ આજ, વીજળીએ સંભળાવી દીધા કેટકેટલા સાજઃ વધુ વરસાદ થયો છે તેવા કેટલાક વિસ્તારોમાં વાવણીની તૈયારીઃ મોટાભાગના ખેડૂતોનું વલણ 'થોભો અને રાહ જુઓ'

રાજકોટ, તા. ૧૪ :. સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડાની ઘાત ટળી છે અને વરસાદી માહોલ બન્યો છે. ગઈકાલે વાવાઝોડાની આડકતરી અસર રૂપ વરસાદ ધોરાજી-ઉપલેટા, સૂત્રાપાડા વગેરે પંથકમાં થયો છે. ધરતી ભીની થઈ ગઈ છે પરંતુ હજુ સાર્વત્રિક વાવણીનો માહોલ નથી. જ્યાં સારો વરસાદ થયો છે અને પાણીની સુવિધા નજીકમાં છે તેવા કેટલાક વિસ્તારોમાં ખેડૂતો વાવણીના કામમા વળગ્યા છે. મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.

સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે ૧૫ થી ૩૦ જૂન વચ્ચે વાવણી થતી હોય છે. વાવાઝોડાના કારણે ખેંચાયેલો વરસાદ નિયમીત ચોમાસાનો ભાગ નથી તેથી ખેડૂતો વાવણીમાં ઉતાવળ કરવા માંગતા નથી. જમીન ભીની થતા ખેતરોમા વાવણી પૂર્વેની તૈયારી શરૂ કરવામાં આવી છે. વાવાઝોડાના વાતાવરણને કારણે વિધિવત ચોમાસુ બેસવામાં મોડુ થાય તેવી શકયતા છે. ખેડૂતો આવતા દિવસોના કુદરતી હવામાન પર નજર રાખી રહ્યા છે.  ગયા વર્ષે પાછોતરા વરસાદના અભાવે મોટા ભાગના વિસ્તારોમાં અછતની પરિસ્થિતિ સર્જાયેલ. આ વખતે ખેડૂતો સારા વરસાદની રાહમાં છે. આકાશમાં વાદળો ઘેરાય છે પરંતુ ધોધમાર વરસે તેવી ખાતરી નથી. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી અને કપાસનુ વાવેતર થાય છે. વાવણી લાયક સારો વરસાદ થયા પછી ખેતરોમાં ખેડૂતો કામે વળગશે. હાલ તો આશાસ્પદ વર્તારો છે. વાવણી જૂન ઉતરાર્ધ અથવા જુલાઈ પ્રારંભમાં થાય તેવી સંભાવના છે.

(11:51 am IST)