Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સાવરકુંડલા પાલીકામાં શાસન પલ્ટોઃ કોંગ્રેસ પાસેથી ભાજપે સતા આંચકી

પ્રમુખપદે વિપુલ ઉનાવા, ઉપપ્રમુખ તરીકે ભાવેશ હિંગુ

સાવરકુંડલા તા.૧૪ : પાલીકાની અઢીવર્ષની ટર્મ માટેના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે ચૂંટાયેલા સદસ્યોની બેઠક નગરપાલીકા ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં કોંગ્રેસના ચૂંટાયેલા વિસમાંથી વિસ સભ્યો અને ભાજપના ચૂંટાયેલ ૧૬ સભ્યોમાંથી પ સભ્યો હાજર રહ્યા હતા.

જેમાં પ્રમુખ પદ માટે કોંગ્રેસના વિપુલના નામની દરખાસ્ત થતા હાજર સભ્યોમાંથી કોંગ્રેસના ૪ અને ભાજપના ૧૬ સભ્યોએ તેમની ફેવરમાં મતદાન કરતા તેમને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ભાજપના ભાવેશસિંહના નામની દરખાસ્ત થતા તેમની પણ કોંગ્રેસના ૪ અને ભાજપના સાથી સભ્યોએ ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢયા હતા.

ગત ચૂંટણી કોંગ્રેસના વિસ સભ્યો અને ભાજપના સોળ સભ્યો ચુંટાયેલા હોય પ્રથમ ટર્મમાં કોંગ્રેસે બહુમતીના કારણે પ્રમુખ ઉપપ્રમુખ પદ હાસલ કર્યું હતું. પરંતુ અઢી વર્ષના સમયગાળા દરમ્યાન કોંગ્રેસના સભ્યોમાં આંતરીક મતભેદ ઉભા થતા માર્ચ માસમાં મળેલ બજેટ બેઠકમાં બજેટ ના મંજુર થયું હતું અને પ્રદેશ કોંગ્રેસની દરમ્યાનગીરીથી જે તે સમયે સભ્યોને મનાવી લઇ બજેટ મંજુર કરાવ્યું હતું પરંતુ કોંગ્રેસના સભ્યોનો આંતરીક અસંતોષનો જવાળામુખી શાંત થયો નહતો અને આજે પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી સમયે તે ફરી સપાટી ઉપર આવ્યો હતો, જેને ઠારવા કોંગ્રેસના નેતાઓના તમામ પ્રયાસો નાકામ રહયા હતા અને ભા.જ.પ.ના સહકાર થી કોંગ્રેસના બળવાખોર સભ્ય પ્રમુખ તરીકે અને ભાજપના સભ્ય ઉપપ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા છે.

 આજની બેઠકપુર્વેજ બેઠક બંધ રખાવવા પૂર્વ ચેરમેન કિરીટભાઇ દવેએ કોર્ટમાં અરજી કરેલ જે અરજી કોર્ટે રદ કરી બેઠક રાબેતા મુજબ જ યોજવા આદેશ આપતા બેઠક તોફાની થવાની શકયતા હોય સીટી પોલીસ સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો, ભા.જ.પ કોંગ્રેસના સભ્યોમાં ફાટફુટ પડાવવામાં સફળ રહેતા ભાજપી કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યકત કર્યો હતો. વિભાગીય પોલીસ અધિકારીશ્રી માવાણી સાહેબે સતત હાજર રહી ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.

(3:54 pm IST)