Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

હાર્દિક પટેલની વંથલીમાં સાંજે ખેડૂત સભા

રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવશેઃ વંથલીમાં ખનીજ માફીયાઓના હુમલામાં ઇજાગ્રસ્તના ખબર-અંતર પુછશેઃ કેશોદના 'પાસ'નાં કાર્યકરને શ્રધ્ધાસુમન અર્પણ કરશે

રાજકોટ તા. ૧૪ :.. 'પાસ'નાં કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ આજે સૌરાષ્ટ્રના  પ્રવાસે છે.

આજે સવારે હાર્દિક પટેલે 'અકિલા' ને જણાવ્યુ હતું કે હું સવારે અમદાવાદથી નીકળ્યો છુ અને ત્યાંથી જસદણ બપોરે પહોંચીશ.

ત્યારબાદ રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાજરી આપીશ. અને વંથલીમાં ખેડૂત સભા સંબોધીશ.

 જેમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે નાનામવા વિસ્તારમાં યોજાયેલી સભાની પરવાનગી ન હોય તે મુદ્દે તેના વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો તેથી તે પોલીસ મથકમાં હાજર થશે. ત્યારબાદ હાર્દિક પટેલ વંથલીમાં થઇ રહેલી ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવનાર નયન કલોલા પર ખનીજ માફીયાઓએ હુમલો કરતા નયન કલોલાની ખબર અંતર પુછવા જૂનાગઢ ઝાંઝરડા ચોકડી, કલ્પ હોસ્પિટલમાં જઇ ખબર અંતર પૂછી વંથલી પટેલ સમાજમાં રાખેલી મીટીંગમાં હાજરી આપશે. અને ખેડૂત સભા સંબોધશે.

ત્યારબાદ કેશોદના અજાબમાં પાટીદાર અનામત આંદોલનના યુવા આંદોલનકારી સાગર ભીમાણીનું નિધન થતાં તેના બેસણામાં પણ હાજરી આપશે. આમ એક જ દિવસમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના બે ગામોની મુલાકાત લેવાનો હોય ત્યારે સ્થાનિક પાસના અગ્રણીઓ પણ તેની મુલાકાતમાં મોટીસંખ્યામાં જોડાનાર છે.

(11:57 am IST)