Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સોૈરાષ્ટ્ર-કચ્છમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

રાજકોટ તા.૧૪: રાજય સરકાર દ્વારા આજે તા. ૧૪ અને ૧૫ ના ગ્રામ્ય વિસ્તારોમાં અને તા. ૨૨ અને ૨૩ નાં શહેરી વિસ્તારોમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને આગેવાનીમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાનાર છે.

જેમાં આજે રાજયના મંત્રીશ્રીઓ, અધિકારીઓ અને હોદેદારોના હસ્તે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો

ગીર સોમનાથ

ગીર સોમનાથ : રાજયભરની પ્રા.શાળાઓમાં તા. ૧૪ અને ૧૫ જૂન ના રોજ શાળા પ્રવેશોત્સવ-૧૮ કાર્યક્રમનો પ્રારંભ થનાર છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ તા. ૧૪ જૂન થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવનાર છે. બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા દ્વારા સવારે ૮ કલાકે ઈણાજ મોડેલ સ્કુલ ખાતે કુમાર-૨૬, કન્યા-૨૭, વરૂડી સીમ શાળામાં કુમાર-૫, કન્યા-૫, સોનપાટ સીમ શાળામાં કુમાર-૨ કન્યા-૩ બાળકોને બીજ નિગમના ચેરમેનશ્રી દ્રારા શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે. તેમજ તેઓશ્રી દ્રારા સવારે ૧૧ કલાકે ઉમરાળા માધ્યમિક અને પ્રા.શાળામા કુમાર-૧૮, કન્યા-૧૯ ને પાઠ્યપુસ્તક અને શૈક્ષણીક કિટ આપી ઉમંગભેર શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

ગીર સોમનાથ જિલ્લાની ૫૫૩ પ્રા.શાળાઓમાં તા. ૧૪ અને ૧૫ જૂન ના રોજ ૫૯૯૬ કુમાર અને ૬૨૧૪ કન્યા એમ કુલ ૧૨૧૮૫ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. ધો-૧ માં ૧૨૧૮૫ જેટલા બાળકોને પાઠ્યપુસ્તક અને શૈક્ષણીક કિટ આપી ઉમંગભેર શાળામાં પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત ૧૧૫ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૮ પૂર્ણ કરાનાર તમામ બાળકોને ધો. ૯ માં પ્રવેશ અપાશે.

રાજયભરની પ્રા.શાળાઓમાં તા. ૧૪ જૂન થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત થવાની સાથે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં કમિશ્ર્નર ઓફ મ્યુનિસિપાલીટી, એડમિનિસ્ટ્રેશનશ્રી એમ.એસ.પટેલ દ્રારા તા. ૧૪ જૂન ના રોજ પ્રા.શાળામાં ૨૫૦ બાળકોને આવકારી પ્રવેશ અપાશે.

ઉના

રાજયભરની પ્રા.શાળાઓમાં તા. ૧૪ જૂન થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થનાર છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સુપ્રિટેન્ટ ઓફ સ્ટેમ્પ એન્ડ ઈન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશનશ્રી ડી.જી.પટેલ દ્રારા તા. ૧૪ જૂન ના રોજ પ્રા.શાળામાં ૨૬૭ બાળકોને આવકારી પ્રવેશ અપાશે.

તા. ૧૪ જૂન ના રોજ સવારે ૮ કલાકે આમોદ્રા કુમાર અને કન્યા શાળાના માધ્યમિક અને પ્રા.વિભાગમાં કુમાર-૪૦, કન્યા-૫૧ સહિત ૯૧ બાળકોને શાળામાં આવકારી પ્રવેશ આપવામાં આવશે. તેમજ સવારે ૧૧ કલાકે દેલવાડા કુમાર અને કન્યા માધ્યમિક અને પ્રા. શાળામાં કુમાર-૧૦૨, કન્યા-૮૪ ને શૈક્ષણીક કિટ આપી ઉમંગભેર શાળામાં પ્રવેશ આપવામાં આવશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

બોટાદ

બોટાદ જિલ્લામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૪ અને ૧૫ જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાનાર છે. આ કાર્યક્રમમાં જિલ્લાની આંગણવાડીઓમાં પ્રવેશ મેળવનાર બાળકોની સાથે ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર બાળકો ઉપરાંત ધોરણ – ૮ ના બાળકોને ધોરણ – ૯ માં માધ્યમિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

બોટાદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં રાજયકક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ જિલ્લાની વિવિધ શાળાઓમાં જઈને પ્રવેશપાત્ર બાળકોને શાળા પ્રવેશ કરાવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના આ કાર્યક્રમ દરમિયાન બોટાદ જિલ્લાની ૨૩૨ પ્રાથમિક શાળાઓમાં કુલ મળી ૭,૧૪૬ બાળકોને તથા ૪૮ માધ્યમિક શાળાઓમાં કુલ મળી ૩,૮૨૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાની આંગણવાડીઓમાં ૪,૧૨૧ બાળકોને પણ પ્રવેશ અપાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમારના માર્ગદર્શન નિચે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી – કર્મચારીશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.    

(11:35 am IST)