Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ પાંચના મોત અને ૩૩૦ કોરોના પોઝિટિવ કેસ : ૪૮૦ દર્દીઓ કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૮,૮૧૩ કેસો પૈકી ૪,૩૮૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪ : ભાવનગર જિલ્લામા વધુ ૩૩૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૮,૮૧૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૩૨ પુરૂષ અને ૭૦ સ્ત્રી મળી કુલ ૨૦૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૪૨, ઘોઘા તાલુકામાં ૩૩, તળાજા તાલુકામાં ૫, મહુવા તાલુકામાં ૪, પાલીતાણા તાલુકામાં ૧૩, વલ્લભીપુર તાલુકામાં ૧૩, ગારીયાધાર તાલુકામાં ૨ તેમજ ઉમરાળા તાલુકામાં ૧૬ કેસ મળી કુલ ૧૨૮ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

ભાવનગર શહેર ખાતે રહેતા ચાર કોરોના પોઝિટિવ દર્દી અને તાલુકાઓમાં મહુવા તાલુકાનાં રતનપર ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૫ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૩૨૪ અને તાલુકાઓમાં ૧૫૬ કેસ મળી કુલ ૪૮૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૮,૮૧૩ કેસ પૈકી હાલ ૪,૩૮૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૪૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(12:54 pm IST)