Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

તૌકતે વાવાઝોડાની સંભાવનાના પગલે

કચ્છમાં દરિયાઇ પટ્ટીના ૧૨૩ ગામોને સાવધ રહેવા સૂચના

ભુજ મધ્યે તંત્રએ સંયુકત બેઠક યોજી આગોતરા પગલા માટે કરાયું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : રાજયમાં તૌકતે વાવાઝોડુ આવવાની સંભાવનાના પગલે કલેકટર શ્રી પ્રવિણા ડી. કે ના અધ્યક્ષ સ્થાને પૂર્વ તૈયારી માટેની બેઠક યોજાઇ હતી.

તારીખ ૧૪ થી ૨૦મી મે ૨૦૨૧ દરમિયાન રાજયમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાવાઝોડું આવવાની સંભાવનાને પગલે જિલ્લાના કાંઠાળા વિસ્તારોના સાત તાલુકાના ૧૨૩ ગામ માટે રાખવાની અગમચેતી અને પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ હતી જે પૈકી જિલ્લાના લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા, અંજાર અને ગાંધીધામ, ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના કુલ ૧૨૩ ગામમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે નારાયણ સરોવર થી ભચાઉ સુધી બંદરો તેમજ માછીમારો અને અગરિયાઓ માટેની સાવચેતી બાબતે સંલગ્ન વિભાગો અને લાઇઝન અધિકારીઓ,પ્રાંત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

કલેકટરે આ તકે અંતિમ દસ વર્ષની પરિસ્થિતિનો તાગ લઈને વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારી કરવા સંબંધિતોને સૂચિત કર્યા હતા. પીજીવીસીએલ પાણી પુરવઠા,રોડ અને બિલ્ડીંગ વગેરે ના અધિકારીશ્રીઓને સંભવિત વાવાઝોડા સામે ઇમર્જન્સીમાં કરવાની કામગીરી માટે તાકીદે તૈયાર રહેવા સૂચિત કર્યા હતા.

નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલાએ પણ સંબંધિત સર્વે કચેરીઓ અને અધિકારીઓને તાલુકાવાર તમામ પૂર્વ તૈયારીની ચકાસણી અને વ્યવસ્થા માટે તાગ મેળવ્યો હતો તેમજ અગરિયાઓ, બંદરો, મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા શહેરો, સ્ટેશનો અને સેન્ટરમાં એલર્ટ રહેવા જણાવ્યું હતું. તમામ પૂર્વ તૈયારી માટે સૂચિતોની યાદી અને જવાબદારી વચ્ચે કોરોના માટે પણ તકેદારી રાખવા સૂચના આપી હતી.

કલેકટરશ્રી દ્વારા જરૂર પડે સ્થળાંતર અને આશ્રયસ્થાનો તેમજ કોવિડ કેર સેન્ટરમાં, સામાન્ય લોકો માટે,કોરોનાના શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવા ભાર મુકાયો હતો. એસટી, સંદેશાવ્યવહાર, વનવિભાગ અને મત્સ્યઉદ્યોગ વગેરેનું તાલુકા સ્તરે પણ બેઠકનું આયોજન થાય તેમ જણાવ્યું હતું.

રાહત કમિશનરશ્રીની સૂચન મુજબ અસર પામે તેવા ઘણા વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરમાં કરવાની થતી પૂર્વ તૈયારીની ચકાસણી કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું. પાયાની તેમજ જરૂરિયાતની સુવિધાઓ માટે સંબંધિત કચેરીઓએ તાત્કાલિક કરવાની રહેશે એમ પણ આ બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી.

બેઠકમાં સર્વશ્રી નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, ભુજ પ્રાંત અધિકારશ્રી મનીષ ગુરવાની, ડેપ્યુટી કલેકટરશ્રી સ્ટેમ્પ ડયુટીશ્રી કલ્પેશ કોરડીયા,, જિલ્લા પુરવઠા અધિકારી ડો.રીના ચૌધરી, પાણી પુરવઠાના અધિકારી, જિલ્લા રજીસ્ટ્રાર વી.આર.કપુરીયા,જનરલ મેનેજરશ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રશ્રી કનક ડેર, નાયબ વન સંરક્ષક શ્રી ઠક્કર, નાયબ માહિતી નિયામકશ્રી એમ.ડી.મોડાસીયા, મત્સ્યોધોગના મદદનીશ નિયામકશ્રી જે.એલ.ગોહેલ, આર એન્ડ બી ના ઈજનેરશ્રી આર.બી.પંચાલ, સિંચાઇમાંથી મદદનીશ ઈજનેરશ્રી કે.વી.ટેલર, ભુજ ચીફ ઓફીસરશ્રી સોલંકી, ઈજનેરશ્રી એચ.કે.રાઠોડ, શ્રી કે.પી.દેવ, ભુજ મામલતદારશ્રી બારહટ તેમજ ડિઝાસ્ટર શાખાના ઈન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદારશ્રી રાહુલ ખાંભરા, નાયબ મામલતદાર રમેશ ઠકકર, તેમજ સર્વશ્રી ડીવાયએસપી જીવન પંચાલ શ્રી એન પટેલ એમબી દાફડા વગેરે તેમજ અન્ય કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:04 am IST)
  • અમેરિકા : ન્યુ યોર્ક શહેર, કોરોના રોગચાળોનો સામનો કરવા માટે 4 મિલિયનથી વધુ COVID-19 ટેસ્ટ કિટ્સ, 3.00.000 પલ્સ ઓક્સિમીટર, લગભગ 300 વેન્ટિલેટર અને અન્ય રાહત સામગ્રીના સાધનો ભારત મોકલશે તેમ ન્યૂ યોર્ક મેયર ના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું છે. access_time 12:38 am IST

  • રાજકોટમાં સાંજે ૫:૧૫ વાગ્યે વાદળછાયુ વાતાવરણ છવાયુ છે : સૌરાષ્ટ્રના સાગરકાંઠે ૧૮મી સુધીમાં વાવાઝોડુ આવવાની જાહેરાત થઈ છે ત્યારે તેની પૂર્વ સંધ્યાઍ રાજકોટમાં આજે બપોર પછી વાદળા મિશ્રીત તડકાનું વાતાવરણ જાવા મળે છે access_time 5:30 pm IST

  • "સ્પુટનિક-૫" નો પરતી ડોઝનો ભાવ જાહેર થયો: રૂ. ૯૯૫.૪૦ રશિયાથી આવેલી કોરોનાની વેક્સીન "સ્પુટનિક-૫" આવતા સપ્તાહથી ભારતમાં રૂ. ૯૯૫.૪૦ ના ભાવથી મળશે. જુલાઈ મહિનામાં આ રસીનું ઉત્પાદન ભારતમાં શરૂ થશે પછી તેની કિંમતમાં ઘટાડો થશે તેમ જાણવા મળે છે.* access_time 12:52 pm IST