Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ખાતર કૌભાંડનો ઢાંકપીછોડો કરવા માટે હવાતિયાઃ ખંભાળીયા ગુજરાત કિશાન કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૪ :. ખાતર કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રીઓ તથા જીએસએફસી કંપની તથા તેની સબસીડરી કંપની જીએટીએલના ટોચના અધિકારીઓની મિલીભગતની અબજો કરોડોનું કૌભાંડ કર્યુ હોય હવે ઢાંકપીછોડો કરવા સરકાર તથા અધિકારીઓ હવાયિતા મારતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ કર્યો છે.

જીએસએફસી જો સાચી હોય તો તેમણે આ બન્ને સંસ્થાના વિતરણ ડેપો તથા સહકારી મંડળીના ડેપો મળી કુલ કેટલા વિતરણ કેન્દ્રો છે તથા કયાં કેટલુ વજન ઘટ થયું ? તેની માહિતી આપવી જોઈએ પણ અધુરી માહિતી આપીને ગોળ ગોળ જવાબો આપ્યા.

જીએસએફસીના અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્લાંટમાં ઓટોમેટીક વ્યવસ્થા છે તો પ્રશ્ન એ થાય કે જો તમામ ઓટોમેટીક વ્યવસ્થા હોય તો રોજના જેટલુ ઉત્પાદન થયું હોય તેનુ રોમટીરીયલ એટલું વધ્યુ હોય અને તે મુજબ તેનો સ્ટોક પણ વધે તો એક જ દિવસમાં આ ભૂલ પકડાઈ જાય તો પછી વર્ષો સુધી આ કૌભાંડ કેમ ચાલ્યું ?

જીએસએફસી તથા જીએટીએલ તથા સરકારમાં બેઠેલા મંત્રીઓની ભાગીદારીમાં એક મોસમમાં ૧૦૦ કરોડનું કૌભાંડ કરાયાનું અંદાજાય છે જેમ કે એક ખેડૂત એક સીઝનમાં એવરેજ ખાતર ૧૦ થેલી લે તો ૨૦ રૂ. થેલી દીઠ ખાતર ઓછું આવે તો પણ એક સીઝનમાં ૧૦૦ કરોડનું કૌભાંડ થયું, એક વર્ષની બે ઋતુઓ ગણીએ તો ૨૦૧૫થી અત્યાર સુધીમાં ૧૦૦૦ કરોડનું કૌભાંડ તો ખાલી ગુજરાત રાજ્યનું જ થાય તો ભારતભરમાં કેવડુ કૌભાંડ થયુ હશે ??

કૌભાંડને દબાવી દેવા માટે કૃષિમંત્રી તથા જીએસએફસીના ચેરમેન દ્વારા તા. ૯-૫-૧૯ના રોજ બે દિવસ તપાસનો આદેશ કરાયો અને તપાસ જીએસએફસીના અધિકારીઓએ કરી અને પ્રમાણપત્ર આપી દીધુ ખરેખર તપાસ તો તોલમાપ અધિકારીઓ દ્વારા કરવાની હોય.

કેન્દ્ર સરકારનો વેઈટ એન્ડ મેજરમેંટ એકટનો અમલ છે તથા રાજ્ય સરકાર લીગલ મેટ્રોલોજી વિભાગ ચલાવે છે. જિલ્લા મથકોમાં તેની કચેરીઓ છે તથા વજનકાંટામાં ક્ષતિ હોય તો નાના વેપારીઓ સામે પણ કોર્ટમાં ફરીયાદો થાય છે ત્યારે આખા ગુજરાતમાં એક હજારથી પણ વધુ જીએસએફસીના ખાતર વેચાણ કેન્દ્રો પર વજનકાંટા વગર જ ખાતરનું વેચાણ કરીને કાયદાનો છડેચોક ભંગ કરાયો હોય ફોજદારી રાહે પગલા ભરવા જોઈએ.

ખાતર કૌભાંડ થયા પછી બુદ્ધિનું દેવાળુ ફુંકવા જેવી જાહેરાત કરી કે વજન ઘટવાળી બોરી પરત મંગાવીને તેની ઘટ પુરી કરીને બદલી દેવામાં આવશે તથા ગ્રામ પંચાયતોમાં  આ વ્યવસ્થા રાખવામાં આવશે તો સામાન્ય ખેડૂતને પણ સમજાય કે જેટલો ઓછો વજન હોય તેટલા રૂપિયા બાદ કરવાના હોય તેના બદલે લાખો બોરીઓ ટ્રાન્સપોર્ટથી પરત લાવવામાં આવે તથા તેના ઘટ મુજબ ખાતર નાખીને ફરીથી મોકલાય તો ર૦૦ કે પ૦૦ ગ્રામ ખાતર માટે પાછી બોરી લાવી પાછી મોકલ્યાનું લાખો રૂપિયાનું ખર્ચ થશે તેના જવાબદાર કોણ ?

ખાતરની થેલી પરની તારીખ ખાતરની પ્લાસ્ટીકની થેલી કયારે તૈયાર થઇ તેની હોય છે. ઉત્પાદનની તારીખ નથી બેચ માર્ક પણ હો તો  નથી. ભારતની આ કદાચ પહેલી કંપની હશે જે મૂળ માલની માહિતી આપવાના બદલે રેપર બેગની માહિતી આપે છે તથા આઇ.એસ.આઇ. ર૦૦૯નું સ્ટાન્ડર્ડ પ્રમાણપત્ર ધરાવે છે તથા તમામ નિયમોનો છડેચોક ભંગ કરે છે !

જી.એસ.એફ.સી. દ્વારા માધ્યમોને કહેવાયું તે મુજબ તે બેગ પર મેન્યુફેકચરીંગ ડેટ લખતી નથી, બેચમાર્ક લગાવતી નથી, વિતરણ કેન્દ્રો પર વજનકાંટા રાખતી નથી, દરેક થેલીમાં વજન ઘટ છે પણ તૈયાર માલમાં સ્ટોકનો વધારો કયાંય દેખાતો નથી તો સરકારના તોલમાપ ખાતાએ આ કયારેય ચેકીંગ કર્યું નથી !! ભૂલોના જોગાનુજોગ કેવા ?

સરકાર પોતેજ નિયમો અને કાયદાઓનું પાલન ના કરે તે કેવું ? વાડ જ ચીભડા ગળે તો કોણ પહોંચે ? ઉપરોકત બાબતે યોગ્ય તપાસની માંગ પાલભાઇ આંબલીયાએ કરી છે.

(1:17 pm IST)