Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મોરબીમાં પ્રતિબંધીત ઇન્દ્રજાળ અને હાથાની જોડી વેચતા ૩ વેપારી પકડાયા

ફોરેસ્ટ વિભાગે દરોડો પાડી પ્રતિબંધીત વસ્તુઓ કબ્જે કરી વેપારીઓ સામે કાર્યવાહી કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૪  : મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ પ્રાચીન કુબેરનાથ મહાદેવ મંદિર પાસે દુકાનો ચલાવી વેપાર કરતા ત્રણ વેપારીને ત્યાં ફોરેસ્ટ ટીમે દરોડો કર્યો હતો. જેની પાસેથી પ્રતિબંધિત ચીજીવસ્તુઓ મળી આવતા ત્રણ વેપારીની અટકાયત કરીને ફોરેસ્ટ ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગ્રીન ચોક પાસેના કુબેરનાથ મંદિર પાસે આવેલી મનુભાઈ ડ્રેસવાલા, ભાગ્ય બૂક સ્ટોર અને કુબેર પુસ્તકાલય એ ત્રણ દુકાનોમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ ના વેચાણની માહિતીને પગલે રેંજ ફોરેસ્ટ ઓફિસરની આગેવાની હેઠળ ફોરેસ્ટ ટીમે દરોડો કર્યો હતો. જેમાં મનુભાઈ ડ્રેસવાળાની દુકાનમાંથી ૬૩ ઇન્દ્રજાળ અને ૧ હાથાની જોડી, ભાગ્ય બૂક સ્ટોરમાંથી ૧૬ ઇન્દ્રજાળ અને ૧૦ હાથાની જોડી તથા કુબેર પુસ્તકાલયમાંથી ૩ ઇન્દ્રજાળ મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે દુકાનના સંચાલકો રાજેશ મહેતા, આશિષ શુકલા અને ધીમંત દવે એ ત્રણ વેપારીની અટકાયત કરીને મુદામાલ કબજે લઈને ફોરેસ્ટ ઓફીસ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

દરોડા કાર્યવાહીમાં આરએફઓ કે ડી ગોહિલ, જે એન વાળા અને એમ જે દેત્રોજા સહિતની ટીમે કામગીરી કરી હતી વેપારીની અટકાયત મામલે રેંજ ફોરેસ્ટ ઓફિસર પાસેથી મળતી માહિતી મુજબ ત્રણેય વેપારીઓ પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય તેવી માહિતી મળતા દરોડો કર્યો હતો. જેમાં ત્રણેય વેપારી પાસેથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી છે જેથી વેપારીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ૧૯૭૨ અન્વયે કલમ ૨,૨ (૧), ૧૧ અને ૩૧ તેમજ કલમ ૪૪, ૪૯ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફોરેસ્ટ અધિકારી જણાવે છે.

(1:16 pm IST)