Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

પોલીસ દમન મામલે જુનાગઢના પીએસઆઇ, બે કોન્સ્ટેબલનાં સસ્પેન્શન બાદ હજુ એક પર લટકતી તલવાર

ચોથા પોલીસકર્મી અંગે ચાલી રહી છે તપાસ

જુનાગઢ, તા., ૧૪: પોલીસ દમન મામલે જુનાગઢના પીએસઆઇ અને બે કોન્સ્ટેબલનાં સસ્પેન્શન બાદ હજુ એક-પોલીસ કર્મી પર કાર્યવાહીની તલવાર લટકી રહી હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢમાં રવિવારે સ્વામી નારાયણ મંદિરની ચુંટણી દરમિયાન મીડીયા કર્મીઓ ઉપર લાફાવાળીની સાથે લાઠીચાર્જ કર્યો હતો. જેના સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને ઘટનાને પગલે સૌરાષ્ટ્રભરમાંથી જુનાગઢ પહોંચેલા પત્રકારો અને મીડીયા કર્મીઓ જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવની માંગ સાથે એસપી કચેરીએ ધરણા ઉપર બેસી ગયા હતા.

રાત્રે પણ એસપી કચેરીએ સુઇ રહીને પત્રકારો પોતાની માંગને લઇ અડગ રહયા હતા.

દરમ્યાન આ મામલાની તપાસ એસપી સૌરભસિંઘે તાત્કાલીક અસરથી માંગરોળના એએસપી રવી તેજાને સોંપી અને તાકીદે રીપોર્ટ આપવા જણાવેલ.

જેના પગલે એએસપી રવી તેજાએ બનાવના વિડીયો ફુટેજ તપાસતા પોલીસ કર્મીઓ કસુરવાર જણાયા હતા.

આથી આઇજીપી સુભાષ ત્રિવેદીની સુચનાથી જુનાગઢ એ ડીવીઝનના પીએસઆઇ જે.પી.ગોસાઇ અને કોન્સ્ટેબલ ભરત એ.ચાવડા તેમજ વિજય એમ.બાબરીયાને મોડી સાંજે સસ્પેન્ડ કરવાનો એસપી સૌરભસિંઘે નિર્ણય કર્યો હતો. આમ ચોથી જાગીર સમાન મીડીયાનો વિજય થયો હતો.

દરમ્યાન એસપી સૌરભસિંઘે જણાવેલ કે હજુ સમગ્ર પ્રકરણની તપાસ ચાલી રહી છે અને ચોથા પોલીસ કર્મીની આ બનાવમાં કોઇ ભુમીકા છે કે કેમ? તે બાબત તપાસવામાં આવી રહી છે.

(11:48 am IST)