Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

જસદણના રામરીયામાં ૨૨મીએ જેના લગ્ન લેવાયા હતાં એ કોળી યુવાન આશિષની વાડીના ઝાડવે લટકતી લાશ મળી

સૂરાપૂરાને અગરબત્તી કરવા જવાનું કહીને નીકળ્યા બાદ બનાવઃ મોઢા પર પટ્ટી ચોંટાડેલી હતી અને પગ બાંધેલા હતાં: આપઘાત કર્યાની શકયતાઃ જો કે લાશ જે રીતે મળી એ જોતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું: ચણીયારા પરિવારમાં કલ્પાંત

આશિષ ચણીયારાનો નિષ્પ્રાણ દેહ અને તેના શોકમય પિતા અમરશીભાઇ ચણીયારા

રાજકોટ તા. ૧૩: જસદણના રામરીયા ગામે રહેતાં આશિષ અમરશીભાઇ ચણીયારા (ઉ. ૨૧) નામના કોળી યુવાનની સાંજે તેની જ વાડીના બદામના ઝાડ પર લટકતી લાશ મળતાં ચકચાર મચી ગઇ છે. આ યુવાનના મોઢા પર ડોકટરો વાપરે એવી સફેદ પટ્ટી ચોંટાડેલી હતી અને જે રાંઢવા (દોરડા)થી તેણે ફાંસો ખાધો હતો એ જ રાંઢવાના છેડાથી પગ બાંધેલા હતાં! આ જોતાં પિતાને મૃત્યુ અંગે શંકા જણાતાં લાશને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાઇ છે. કરૂણતા એ છે કે જેની લાશ મળી એ આશિષના આવતી ૨૨મીએ લગ્ન લેવાયા હતાં. જે દિકરાના લગ્ન ગીતો ગાવાની તૈયારી થઇ હતી તેના મરશીયા ગાવાની વેળા આવતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ રામરીયા ગામે રહેતો અને ત્રંબામાં જીઇબીની ઓફિસમાં મિટર ફિટીંગનું કોન્ટ્રાકટ બેઝથી કામ કરતો આશિષ ચણીયારા ગત સાંજે ઘરેથી વાડીએ સૂરાપૂરાને અગરબત્તી કરવા જવાનું કહીને નીકળ્યો હતો. જે મોડે સુધી પાછો ન આવતાં પિતા અમરશીભાઇ વાડીએ તપાસ કરવા જતાં દિકરાની બદામના ઝાડમાં લટકતી લાશ જોઇ અવાચક થઇ ગયા હતાં. તેમણે બીજા સ્વજનોને બોલાવ્યા હતાં અને આશિષને નીચે ઉતારી બેભાન હાલતમાં ત્રંબાની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડ્યો હતો. પણ અહિ મૃતદેહ જ પહોંચ્યો હતો.

આશિષના પિતા અમરશીભાઇએ હોસ્પિટલ ચોકીના સ્ટાફને આશિષની લાશ મળી ત્યારે તેના મોઢા પર પટ્ટી ચોંટાડેલી હોવાનું અને પગ પણ બાંધેલા હોવાનું કહેતાં આ મુજબની જાણ રાજકોટ હોસ્પિટલ ચોકી મારફત ભાડલા પોલીસને કરવામાં આવી હતી.

આશિષ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. દોઢ-બે વર્ષ પહેલા તેની સગાઇ રાજકોટના લાલજીભાઇ નરસીભાઇ ચારોલાની દિકરી સાથે થઇ હતી. કરૂણતા એ છે કે આવતી ૨૨મીએ આશિષના લગ્ન લેવાયા હતાં. કંકોત્રીઓ છપાઇ ગઇ હતી અને આમંત્રણો પણ અપાઇ ગયા હતાં. ત્યારે અચાનક આશિષની વાડીના ઝાડમાં લટકતી લાશ મળતાં સોૈ સ્વજનો અવાચક થઇ ગયા છે અને ગામમાં પણ શોક છવાઇ ગયો છે. પિતા અમરશીભાઇના કહેવા મુજબ આશિષને આપઘાત કરવો પડે તેવું કોઇ કારણ નહોતું, તો કોઇ સાથે માથાકુટ પણ નહોતી.

એક ચર્ચા મુજબ આશિષ મિત્રોને કંકોત્રી આપવા જવાનો હતો. પરંતુ જઇ શકયો નહોતો. એ પછી તે વાડીએ સૂરાપૂરાને અગરબત્તી-દિવો કરવા જવાનું કહીને નીકળ્યા બાદ લાશ મળી હતી. તેણે જાતે જ મોઢા પર ટેપ ચોંટાડી બાદમાં પગે દોરડુ બાંધી એ જ દોરડાના બીજા છેડાને ઝાડમાં બાંધી ગળાફાંસો ખાઇ લીધાની શકયતા છે. જો કે બનાવ અન્ય કોઇ રીતે તો નથી બન્યો ને? તે જાણવા પોલીસે તપાસ આરંભી છે અને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

(11:47 am IST)