Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

પરમ કૃપાળુ સર્જનહારનું અદ્દભૂત સર્જન, દરિયાઇ શ્રીફળ

ભાવનગર, તા. ૧૩ : દરિયાઇ શ્રીફળ (દરિયાઇ નાળિયેર)ની ઉત્પત્તિ હજારો વર્ષ પહેલા વૈદ્યોના ભગવાન શ્રી ધનવંતરી ભગવાને કરેલી તેવું કહેવાય છે. ભગવત ગીતાજીના દસમાં અધ્યાયમાં અને શ્રીમદ્ ભાગવતના આઠમા સ્કન્ધમાં શ્રી ધનવંતરી ભગવાનનો ઉલ્લેખ આપેલ છે. સમુદ્રમંથન પ્રસંગે જયારે ૧૪ રત્નોનું પ્રાગટય થયું તે પૈકી શ્રી ધનવંતરી ભગવાનનું પ્રાગટય થયું ત્યારે શ્રી ધનવંતરી ભગવાનના ખભા ઉપર અમૃત ભરેલો કળશ હતો. તેઓએ દરિયા કિનારે તેમના પવાન ચરણો મુકતા જ અમૃત કુંભમાંથી અમૃતબિંદુઓના અમીછાંટણા ધરતી પર પડયા. તેમાંથી આ અદ્ભુત  જડીબુટ્ટીનું સર્જન કર્યું. ખરેખર તો આ ફળનું નામ જ શ્રીફળ છે, જયારે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તેને તો નાળિયેર જ કહેવાય.

દરિયાઇ શ્રીફળના વૃક્ષો ૬૦થી ૧૦૦ ફુટ સુધીના ઉંચા હોય છે અને તાડ જેવા હોય છે જેના પાંદડા ખૂબ જ મોટા, નાળિયેરીના પાન જેવા હોય છે. તેના પાન પાકી જતાં થડ પરથી ખરી પડે છે. તેના નાના-નાના પુષ્પો હોય છે. પુંકેસર પ્રાયઃ બે લાઇનમાં, ફળ ખૂબ જ મોટું બે ભાગના વહેચાયેલું, ચપટું, દિલ (હૃદય) ના આકારનું, ર૦ થી ૩૦ કિલોનું વજન હોય છે. દરિયાઇ શ્રીફળ બે જાતિના થયા છે : નર દરિયાઇ શ્રીફળ અને માદા દરિયાઇ શ્રીફળ, અંદરથી બે વિભાગ જુદા પડતા કાળા કલરના સખત મજબૂત તૂંબડી જેવા હોય છે.

પ્રાચીન કાળમાં સાધુ-સંતો તેનો ભિક્ષાપાત્ર તરીકે ઉપયોગ કરતા. તૂંબડીને તોડતા તેની અંદરથી ગર્ભ (કોપરૂ) નીકળે છે, પરંતુ તેમાં સ્નિગ્ધ અંશ કે તેલ હોતું નથી. તે સુફાઇ જતા, પથ્થર જેવું સખત થઇ જાય છે જેને ઝેરી નાળિયેર કહેવામાં આવે છે. તેની અંદરથી કથ્થાઇ કલરની સખત, મજબૂત ગોટલી નીકળે છે જેને ઝેરી નાળિયેરની ગોટલી કહેવામાં આવે છે, જે ઔષધ મનુષ્યો માટે ઉપકારકારક છે તે ઔષધના સેવનથી કફ, બ્રોન્કાઇટીસ, ક્ષય, મોટી ઉધરસ, શરીર ઉપરના સોજા ચડવા, શીળસ, મધુમેહ, ઇક્ષુમેહ, શીતજવર, અજીર્ણ, ઝાડા, કોલેરા, પેશાબમાં સાકર જેવી વગેરે રોગો ઉપરની સચોટ અસરકાર ઔષધી છે. આ ઉપરાંત તે હૃદયને ઉત્તેજક છે તે સ્વાદે હળવું, રૂક્ષ, કડવું, મધુર અને ઉષ્ણ વીર્ય છે.

છેલ્લા ૩પ વર્ષથી આ ઔષધિ બજારમાં જોવા મળતી નથી. આનું મૂળ વતન હિન્દ મહાસાગર સ્થિત માલદીવ ટાપુઓના દેશ છે કે જેમાં રપ થી ૩૦ ટાપુઓનો સમૂહ છે તેના કિનારે દરિયાઇ નાળિયેરના વૃક્ષો ઉગી નીકળે છે. શ્રીલંકાથી ૭૦૦ કિ.મી. દૂર માલદીવ ટાપુ રહેલો છે તેનો કિનારો કેનેડા સ્થિત સેશલ્સ દેશને ઉત્તર-પૂર્વ દિશા તરફ મળે છે તે સિવાય પૂર્વ આફ્રિકાના સીકેલીજ ટાપુ અને અમેરિકાના સમુદ્રપટના જંગલોમાં પણ જોવા મળે છે.

દરિયાઇ શ્રીફળ (નાળિયેર) ખૂબ જ માંગલીક અને પવિત્ર ફળ છે તેમજ તે રૂદ્રાક્ષની જેમ ખૂબ જ પ્રભાવશાળી પણ છે. તેના દર્શન ભાગ્યશાળી વ્યકિત જ કરી શકે છે.

           વનસ્પતિઓનાં તજજ્ઞ અને જાણકાર શેઠ બ્રધર્સવાળા અશોકભાઇ શેઠ છેલ્લા ૩પ વર્ષથી આ શ્રીફળની શોધમાં હતાં. પરંતુ તેમને આ અલભ્ય ઔષધ પ્રાપ્ત થયું ન હતું. પરંતુ શ્રી ધનવંતરી ભગવાનની કૃપાથી આટલા વર્ષો બાદ મેળવવામાં સફળ થયા છે. હજારો વનસ્પતીઓ વિશે લોકોને જાણકારી આપવા માટે તેઓ અનેક પ્રદર્શનો કરી ચૂકયા છે, જે પ્રદર્શનમાં લીલી વનસ્પતિઓ, સૂકી વનસ્પતિઓ તેમજ તેમનાં અર્ક, ટિંકચરો પણ મૂકાતા હોય છે.તેમનાં ગુજરાતી ભાષામાં 'વસુંધરાની વનસ્પતિઓ'નાં સચિત્ર ગ્રંથો અને અંગ્રેજી ગ્રંથો  "The Hearbs of Ayurveda" અનેક દેશોની યુનિવર્સિટીઓમાં સ્થાન પામેલ છે. હાલમાં તેઓ હિન્દી ગ્રંથો તૈયાર કરી રહ્યા છે. તેમજ  "The Health" નામનાં લોકોને ખૂબ જ ઉપયોગી થઇ પડે તેવાં ગ્રંથોનું નિર્માણ કરવા જઇ રહ્યા છે.

(11:28 am IST)