Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મીઠાપુર પંથકમાં પાણી ચોરી : ઝુંબેશ યથાવત : વધુ બે સામે ગુનો

ખંભાળીયા, તા. ૧૪ :  દ્વારકા તાલુકામાંથી પસાર થતી સોની ડેમની પાણીની પાઇપ લાઇનમાંથી ગેરકાયદેસર રીતે થતી પાણીની ચોરી સામે તંત્રએ લાલ આંખ કરી, પાણી ચોરો સામેની ઝુંબેશ અવિરત રીતે ચાલુ રાખી છે.

દ્વારકાના પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર વિગેરેએ પોલીસ સ્ટાફને સાથે રાખી, બે દિવસ પૂર્વે પાણી ચોરી ઝુંબેશમાં નવ શખ્સો સામે રૂ. સાડા ત્રણ લાખની પાણી ચોરી કર્યાની નોંધાવેલ ફરીયાદ બાદ આ ઝુંબેશ બીજા દિવસે પણ ચલાવી હતી. જેમાં મીઠાપુર નજીકના રાજપરા ગામ પાસેથી પસાર થતી સાની ડેમની પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ કરી, ગેરકાયદેસર કનેકશનો મેળવવામાં આવ્યાનું ખુલવા પામ્યું હતું.

આ વિસ્તારમાં ચાની હોટલો વિગેરેમાં ગેરકાયદેસર રીતે નળ જોડાણ મેળવી આશરે રૂ. એક લાખ ચાલીસ હજારનો પાણીનો બગાડ (ચોરી) કરી, સરકારી સંપતિને નુકશાન કરવા સબબ રાજપરા ગામના રાયમલભાઇ જીવાભાઇ અનેસ ઠેલણભાઇ નેવળાભાઇ નાગેશ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.

આ પ્રકરણમાં નાયબ કાર્યપાલક ઇજનેર બી.એન. પટેલની ફરીયાદ પરથી મીઠાપુર પોલીસે ઉપરોકત બન્ને આસામીએ સામે આઇ.પી.સી. કલમ ૪૩૦, ૪૩૧, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

પાણી ચોરી અંગેની સધન ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ અધિકારી બી. એન. પટેલે વધુમાં જણાવ્યું છે.

(11:20 am IST)