Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ગુજરાતમાં ગૌચર, સીમતલાવળાના દબાણો દૂર નહિ થાય તો આંદોલન... જરૂર પડયે કોર્ટના દ્વાર પણ ખખડાવાશે

ગાયના સ્ટેચ્યુ સાથે કરાયેલી રજૂઆતને એક વર્ષ વિતી જવા છતા પણ પરિણામ 'શૂન્ય' જઃ સુરેન્દ્રનગરમાં જીવદયાપ્રેમીઓ દ્વારા ફરી ગાયના પેટમાંથી નિકળેલા ૨૫ કિલો પ્લાસ્ટીકના ગઠ્ઠાઓના પ્રદર્શન સાથે રેલી - આવેદન

તસ્વીરોમાં રજૂઆત કરતા ગૌતમબુદ્ધ ગૌસેવા આશ્રમના નટુભાઈ પરમાર તથા કલેકટર કચેરીએ લાવવામાં આવેલ ગાયના પેટમાંથી નીકળેલ પ્લાસ્ટીકના ગડાનું બોક્ષ દેખાય છે. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

વઢવાણ તા. ૧૪ : ઝાલાવાડ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્લાસ્ટીક ખાવાના કારણે હજારો ગાયો, અબોલ જીવોના મોત થાય છે... ત્યારે આ મામલે ફરી સુરેન્દ્રનગર ખાતે જીવદયાપ્રેમીઓ દ્વારા ગાયના પેટમાંથી નિકળેલા ૨૫ કિલો પ્લાસ્ટીકના ગઠ્ઠાઓના પ્રદર્શન સાથે રેલી યોજી કલેકટર કચેરીએ લેખીત રજૂઆત કરાઇ હતી.

જેમાં ગૌતમબુધ્ધ ગૌસેવા આશ્રમના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ઉદ્દેશીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતુ કે, ગુજરાત રાજયમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક ઉત્પાદન અને વેચાણ થતુ હોવાથી ગાય, વાછરડા, આખલા જેવા અબોલ પશુઓ પ્લાસ્ટીક પેટમાં જવાના કારણે અત્યાર સુધીમાં અસંખ્ય અબોલ જીવો મોતના મુખમાં ધકેલાઇ ચૂકયા છે. પ્લાસ્ટીકના પશુઓના મોતનો સિલસિલો સતત ચાલુ રહે નહિ તે માટે ગેરકાયદે રીતે થતું પ્લાસ્ટીકનું ઉત્પાદન, વેચાણ બંધ કરાવો, કાયદાનો કડક અમલ કરાવો.

નવાઇની વાત એ છે કે, રજૂઆત વેળા પ્રતિકરૂપી ગાયના પેટમાંથી નીકળેલો પ્લાસ્ટીકનો ૨૫ કિલોનો ગઠ્ઠો પણ અર્પણ કરવા સાથે સાથે રાજયની ૬૬૭ ગૌશાળાઓની સબસીડી બંધ કરવામાં આવી છે જેમાં નિયમીત અને વ્યવસ્થિત ચાલતી હોય તેવી ગૌશાળાઓની સબસીડી સહાય સત્વરે ચાલુ કરવી જોઇએ.

એવી જ રીતે ગુજરાતમાં તમામ જિલ્લા મથકોએ પશુઓની વેટરનરી કોલેજ ઉભી કરવા ગાયોના ઓપરેશન થાય અને પેટમાંથી પ્લાસ્ટીક કાઢી શકાય તે માટે દરેક જીલ્લાઓમાં પશુ કોલેજ બનાવી આપવા, ગામદીઠ સર્વે કરી ૧૯૬૦ માં જેટલી ગૌચરની જમીન હતી તેટલી મૂળ સ્થિતિમાં કાયમી કરવા અને જેટલા સીમતલાવડાઓ હતા તેનું ખોદાણકામ કરી, દબાણો દૂર કરાવી મૂળ સ્થિતિમાં કાયમી કરવામાં આવે તેવી પણ માંગણી ઉચ્ચારાઇ હતી.

રજૂઆતમાં ઉમેર્યાનુંસાર રાજય સરકાર દ્વારા દરેક ગાય (નર અને માદા) ની નોંધણી કરી આધાર કાર્ડ આપવામાં આવે, તમામ ઢોરના પોષણ માટે દરેક ગામમાં રાશનની દુકાન (ઘાસ ડેપો) શરૂ કરી પશુઓને ઘાસ આપવામાં આવે, ગાય પ્લાસ્ટીક ન ખાય તેના માટે સંશોધન કરી, પશુ આરોગ્ય ખાતા દ્વારા રસી મુકવામાં આવે અથવા તો ઇન્જેકશન આપવામાં આવે, પ્લાસ્ટીક ઉપરથી ગાયને અને અન્ય પશુઓને અરૂચી આવે અને પ્લાસ્ટીક ના ખાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવી પણ જરૂરી છે. ગુજરાતમાં મરનાર દરેક ગાયનું પોસ્ટમોટમ કરી મરણનું કારણ જાહેર કરવામાં આવે. હાલ જીવીત ગાયો કે અન્ય પશુઓના પેટમાં પ્લાસ્ટીક હોય તો એકસરે મશીન તથા સોનોગ્રાફી કરી પેટમાંથી પ્લાસ્ટીક કાઢી સારવાર કરવામાં આવે. આ બાબતે સત્વરે રાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ગૌચરો અને સીમતલાવડાઓ ઉપર થયેલ દબાણો દૂર કરાવડાવમાં નહી આવે તો ના છુટકે આગામી દિવસોમાં અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે. તેમ છતાં પણ જો રાજય સરકાર યોગ્ય કાર્યવાહી નહી કરે તો હાઇકોર્ટમાં જાહેર હિતની પીટીશન દાખલ કરવાની પણ ઉગ્ર ચિમકી ઉચ્ચારાઇ છે.

અત્રે નોંધનીય છે કે, આ મામલે એક વર્ષ પહેલા વિશાળ રેલી કાઢી ગાયના સ્ટેચ્યુ સાથે ગાયના પેટમાંથી નીકળેલ પ્લાસ્ટીકના ગઠ્ઠાનું પ્રદર્શન કરી તામ્રપત્ર ઉપર આવેદનપત્ર અપાયાને પણ એક વર્ષ પુર્ણ થયા બાદ પણ પશ્ન હલ નહિ થવાથી  ફરી વખત આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી.(૪૫.૭)

(12:15 pm IST)