Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

થાનગઢના વેપારીની કાર આડે બાઈક રાખીને ફાયરીંગઃ ૨૦ લાખની ખંડણી માંગી

યાસીનભાઈ સુલતાનભાઈ વણઝારા સારવારમાં

વઢવાણ, તા. ૧૪ :. વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવા માટે કુખ્યાત એવા થાન પંથકમાં વધુ એક ખંડણી માટે ફાયરીંગ થયાની ઘટના બની છે. ફેકટરીએથી કાર લઈને ઘરે જતા યાસીનભાઈ સુલતાનભાઈ વણઝારાને આંતરી તેમની જ કારમાં અપહરણ કરીને બે શખ્સો લઈ ગયા હતા. રૂ. ૨૦ લાખની ખંડણી ન મળતા અપહરણકારોએ રૂ. ૫૫ હજારની લૂંટ ચલાવી ફાયરીંગ કરતા પગમાં ગોળી વાગતા ઘાયલ વેપારીને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે સુરેશભાઈ ભગુભાઈ કાઠી અને કનુભાઈ કરપડા વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

થાનમાં રહેતા અને સીરામીકનો વ્યવસાય કરતા યાસીનભાઈ સુલતાનભાઈ વણજારા કાર લઈ થાન બાયપાસ રોડ પર જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા સુરેશભાઈ ભગુભાઈ કાઠી અને કનુભાઈ કરપડાએ એમની કારની આગળ બાઈક ઉભુ રાખી દઈ કાર રોકાવી દીધી હતી અને યાસીનભાઈ પાસે રૂ. ૨૦ લાખની ખંડણીની માંગ કરી હતી. યાસીનભાઈએ ખંડણી આપવાનો ઈન્કાર કરતા બન્ને શખ્સોએ યાસીનભાઈનું તેમની જ કારમાં અપહરણ કરી થાન પાસે આવેલા નિર્જન ભીડ વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં ફરીવાર ખંડણી આપવા માટે માંગ કરી હતી પરંતુ વેપારીઓ ખંડણી આપવાની ના પાડતા અપહરણકારોએ યાસીનભાઈ પર ફાયરીંગ કરતા સાથળના ભાગે ઈજા પહોંચી હતી ત્યારે બાદ યાસીનભાઈને માર મારી તેમની પાસે રહેલી સોનાની વીટી, ચેન, રોકડ રકમ સહિત કુલ રૂ. ૫૫ હજારના મુદામાલની લૂંટ ચલાવી અપહરણકારો ફરાર થઈ ગયા હતા. થાન પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે રાજકોટ મોકલી આપ્યા હતા. થાન પોલીસ મથકે બન્ને શખ્સો વિરૂદ્ધ લૂંટ-અપહરણ-ફાયરીંગ સહિતના ગુન્હાઓ અંગે ફરીયાદ નોંધી વધુ તપાસ પી.આઈ. ડી.એમ. ઢોલ ચલાવી રહ્યા છે.(૨-૫)

 

(12:04 pm IST)