Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જૂનાગઢમાં મૃતદેહની અંત્યેષ્ટિમાં કોઈપણ સગા ઉપસ્થિત ન રહ્યા

કોરોનાના કપરા કાળમાં સબંધો વિસરાયા :એમ્બ્યુલન્સ મારફતે લવાયેલા મૃતદેહ બિનવારસી હોઈ સ્મશાનના કર્મચારીઓએ અંતિમ વિધિ કરવી પડી

જુનાગઢ, તા. ૧૪ : કાળમુખા કોરોનાના લીધે સંબંધો પણ વિસરાઈ જવા લાગ્યા છે. આજે બપોરે જુનાગઢમાં એમ્બ્યુલન્સ મારફતે પી.પી.ઈ.કીટમાં લપેટેલા મૃતદેહને લાવવામાં આવ્યો હતો. પરંતુ મૃતકનો કોઈ સંબંધી ત્યારે હાજર ન હતા. મૃતદેહ બિનવારસી હોવાથી ત્યાના કર્મીઓએ અંતિમવિધી કરવી પડી હતી. હાલ રોજ ૧૫ થી વધુ મૃતદેહોની કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમવિધી કરવામાં આવે છે. પરંતુ રેકર્ડ પર કોરોનાથી કોઈ મોત ન થતુ હોવાનું દર્શાવી સબ સલામતીના બણગા ફુકવામાં આવે છે. જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લા તેમજ આસપાસના જિલ્લામાં કોરોનાથી સંક્રમીત થયેલા લોકો જુનાગઢ સિવીલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે. હવે પોઝીટીવ કેસનો ઠીક મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ને સ્મશાનમાં મૃતદેહોની કતાર ન થાય તે માટે મૃતદેહોનો વેઈટીંગમાં વારો આવે છે. તે માટે મૃતકોના સંબંધીઓને ૨૪-૨૪ કલાક રાહ જોવી પડે છે. અનેક ભલામણો બાદ પોતાના સ્વજનનો મૃતદેહ સોંપાય ત્યારે અંતિમવીધી થાય છે. ં

પરંતુ આજે બપોરે એક ખાનગી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સમાં પી.પી.ઈ. કીટ પહેરાવેલો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ મૃતદેહ સ્મશાન ખાતે મુકી રવના થઈ ગઈ હતી. પરંતુ મૃતદેહની સાથે અન્ય કોઈ વ્યકિત ન હતું. આ અંગે વોર્ડ નં-૬ ના નગર સેવક લલીતભાઈ સારાએ જણાવ્યું હતું કે પી.પી.ઈ.કીટમાં લાવવામાં આવેલા મૃતદેહ સાથે કોઈ ન હતું. તપાસ બાદ કોઈ ન મળી આવતા સ્મશાનના કર્મીઓએ અંતિમવિધી કરી હતી. આમ કોરોનાના કારણે માણસ-માણસ વચ્ચેના સંબંધો પણ વિસરાયા છે. આ બનાવ તેની સાક્ષી પુરે છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ જુનાગઢના સ્મશાનમાં હાલ રોજ ૧૫ થી વધુ મૃતદેહની કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમવિધી થાય છે. તેમ છતાં રેકર્ડ પર કોરોનાથી કોઈ મોત થતું ન હોવાના દાવા થઈ રહ્યા છે. મૃતકના સ્વજનોને મૃતદેહની અંતિમવિધી માટે ૨૪-૨૪ કલાક સુધી રાહ જોવી પડે છે. પરંતુ તંત્ર દ્વારા જે ચિત્ર દર્શાવવામાં આવે છે. તેનાથી વાસ્તવિક સ્થિતી અલગ જ છે.

(7:51 pm IST)