Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જૂનાગઢ જિલ્લામાં માત્ર ૧૩ દિવસમાં જ ૭૪૦ કેસઃ એકનું મોત

કોરોનાના ૨૪ કલાકમાં નવા ૧૧૩ પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ, તા. ૧૪ :. જૂનાગઢ શહેર અને જિલ્લામાં હવે કોરોનાએ રેકોર્ડ સર્જવાનું શરૂ કરી દીધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૧૧૩ કેસ નોંધાવાની સાથે એક દર્દીનું મોત પણ થતા ફફડાટ વ્યાપી ગયો છે.

નવા ૧૧૩ કેસમાંથી ૬૫ કેસ માત્ર જૂનાગઢ સીટીના છે. જ્યારે જૂનાગઢ ગ્રામ્યમાં ૪, કેશોદ તાલુકામાં ૧૦, ભેસાણ તથા મેંદરડામાં બે-બે કેસ, માળીયા-૬, માણાવદર ૯, વંથલી ૪ અને વિસાવદર તાલુકાના પાંચ કોરોના પોઝીટીવ કેસનો સમાવેશ થાય છે.

માણાવદર તાલુકામાં વધુ ૯ કેસ આવવાની સાથે એક કોરોના દર્દીનું મૃત્યુ પણ થયું હતું. જિલ્લામાં ગઈકાલે ૪૧ દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં ૧લી એપ્રિલથી કોરોના દર્દીનો સતત વધારો થયો છે. તેમાંય તા. ૩ એપ્રિલથી તો ચિંતાજનક વધારો નોંધાયો છે. તા. ૧લી એપ્રિલથી ૧૩ એપ્રિલ સુધીના ૧૩ દિવસમાં જિલ્લામાં કોરોના ઘાતક બન્યો છે. આ ૧૩ દિવસમાં કોરોનાના ૭૪૦ કેસ થઈ ગયા છે.

પોઝીટીવ કેસની સામે ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યા માત્ર ૨૨૯ છે. આમ રિકવરી રેટ ખૂબ જ ઓછો હોવાથી તંત્ર પણ વિમાસણમાં મુકાય ગયું છે.

કોરોના દર્દી ઓછા સ્વસ્થ થતા હોવાથી હોસ્પીટલમાં બેડની સ્થિતિ પણ કફોડી બની ગઈ છે. બીજી તરફ રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં ૨,૧૫,૭૫૫ વ્યકિતને કોરોના પ્રતિરોધક રસી મુકવામાં આવી છે.

(12:45 pm IST)