Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સામે સ્વયંભુ લોકડાઉન

જુદા-જુદા વિસ્તારોમાં સંક્રમણ અટકાવવા માટે વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છીક બંધનો કડક અમલ

પ્રથમ તસ્વીરમાં લાઠીમાં મળેલી મિટીંગ, બીજી તસ્વીરમાં દામનગર બંધ, ત્રીજી તસ્વીરમાં કોડીનારમાં દંડની કાર્યવાહી, ચોથી તસ્વીરમાં જામજોધપુર યાર્ડ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારી અટકાવવા માટે સ્વૈચ્છીક લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.

જુદા જુદા વિસ્તારોમાં સંક્રમણ અટકાવવા માટે વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છીક બંધનો કડક અમલ કરીને લોકોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરાઇ છે.

કોડીનાર

(અશોક પાઠક દ્વારા) કોડીનાર :.. કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે. કોડીનાર ચેમ્બર તથા આગેવાનો દ્વારા સાંજે ૬ વાગ્યે દુકાનો બંધનું એલાન આપીને લોકોએ સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરી કાળજી રાખવા વારંવારની અપીલ પછી પણ નહી સમજતા છેવટે કોડીનાર પી. આઇ. સંદિપસિંહ ચુડાસમાએ કાયદાનું શસ્ત્ર ઉગામીને કોડીનાર શહેરમાં માસ્ક ઝૂંબેશ હાથ ધરીને ર૮ જેટલા વેપારીઓને સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક નહી પહેરવા માટે રૂ. ર૮૦૦૦ નો દંડ કર્યો હતો. આ ઉપરાંત એકને જાહેરનામા ભંગ બદલ ફરીયાદ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. કોડીનાર શહેરમાં વધતા કેસોને ધ્યાને લઇ કોરોનાની ચેઇન તોડવા માટે આગામી તા. ૧૬-૧૭ તથા ૧૮ એપ્રિલના રોજ સંપુર્ણ લોકડાઉન કરવા નિર્ણય લેવામાં આવનાર છે.

જામજોધપુર

(દર્શન મકવાણા-અશોક ઠાકર દ્વારા) જામજોધપુર : જામનગર જીલ્લાના જામજોધપુરમાં કાલે તા. ૧પ થી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

વેપારી કમીટીમાં નકકી થયેલ પ્રમાણે કોરોના મહામારીને લીધે માર્કેટીંગ યાર્ડનું કામકાજ  તા. ૧પ-૪-ર૧ ને ગુરૂવારથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ રાખવા વિનંતી.

કોઇપણ ખેતપેદાસોની નવી આવકો માર્કેટ યાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે નહી અને કોઇપણ વેપારી અથવા કમીશન એજન્ટને પ્લેટ ફોર્મ કે દુકાનની આગળ કોઇપણ જાતનો માલ ઉતારવા દેવામાં આવશે નહીં.

ઉપલેટા

(ભરત દોશી -કૃષ્ણકાંત  ચોટાઇ દ્વારા) ઉપલેટા : ઉપલેટા શહેર અને તાલુકામાં દિવસેને દિવસે વધી રહેલા આ કોરોના કહેરને રોકવા માટે આજરોજ ઉપલેટા નગરપાલિકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા ઉપલેટા શહેરના વિવિધ વેપારી એસોસીએશનની આજ રોજ સર્કીટ હાઉસ ખાતે બેઠક મળી હતી જેમાં કોરોના કેસમાં જબરજસ્ત ઉછાળો આવેલ છે આ સાંકળ તોડવા લોકડાઉન કરવુ જરૂરી હોય તેવુ સર્વાનુમતે નક્કી કરવામા આવ્યુ છે.જેમા તારીખ ૧૫ ગુરૂવારથી તારીખ ૧૮ રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવામાં આવેલ છે.જેમા મેડીકલ,દૂધ ડેરી,શાકભાજી સિવાયના તમામ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે અને સહકાર આપશે.તારીખ ૧૯ સોમવારથી સવારના ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી વેપાર ધંધા ચાલુ રાખી શકાશે તેમજ બપોરના ૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે અને ખાણીપીણીની ધંધાર્થીઓ સાંજના ૬ વાગ્યાથી ૯ વાગ્યા સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે.

આ લોકડાઉનને સફળ બનાવવા શહેરના ૧પ આગેવાનો નાગરીકોને એક કમીટી બનાવવામાં આવેલ છે. જેમાં નગરપાલીકાના પ્રમુખ મયુરભાઇ સુવા, ચેમ્બર્સના પ્રમુખ વિનુભાઇ ઘેરવડા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ, હારૂનભાઇ માલવીયા, ડાયાભાઇ ગજેરા, નાથાભાઇ ચંદ્રવાડીયા, પીયુષભાઇ માકડીયા, રવિભાઇ માકડીયા, અજયભાઇ જાગાણી, સહિતના ૧પ આગેવાનોએ કમીટી બનાવેલ છે. જે આ લોકડાઉન સફળ બનાવવા જહેમત ઉઠાવશે. સંપૂર્ણ બંધ દરમ્યાન શાક માર્કેટ - ખાણીપીણીના તમામ ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય આ મીટીંગમાં કરવામાં આવેલ હોય આગેવાનો દ્વારા સફળ બનાવવા તમામ નગરજનો અને વેપારીઓએ સહકાર આપવા પીલ કરેલ છે.

સુરેન્દ્રનગર

જેમાં ધ્રાંગધ્રા શહેર અને તાલુકાની તમામ દુકાનો અને ધંધાઓ શની-રવિ તથા સોમવાર એમ ત્રણ દિવસ સંપૂર્ણ બંધ રહેશે અને બાકીના દિવસો એટલે કે મંગળ, બુધ, ગુરૂ અને શુક્રવાર સવારના ૮-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. આ ઉપરાંત દરેક દુકાનદારે ફરજીયાત માસ્ક તથા સેનેટાઈઝર રાખવાનું રહેશે અને માસ્ક વગરના ગ્રાહકોને માલ-સામાનનું વેચાણ કરવામાં નહિં આવે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા દુકાન બહાર સોશ્યલ ડિસ્ટન્સ માટે કુંડાળા કરવાના રહેશે. જયારે ચા-પાનના ગલ્લા, ખાણી-પીણની લારીઓ અને દુકાનો આગામી તા.૩૧ મે સુધી સંપૂર્ણ બંધ રહેશે તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ મોલમાં પાંચ કે વધુ વ્યકિતઓને એન્ટ્રી આપવામાં નહિં આવે અને માસ્ક વગર જણાઈ આવશે તો ત્રણ વખત મેમો આપવામાં આવશે.

પરંતુ ત્યારબાદ પણ વેપારીઓ માસ્ક વગર જણાઈ આવશે તો તેઓનું ત્રણ મહિના માટે લાયસન્સ રદ્દ કરવામાં આવશે જયારે દુધની દુકાનો સવારે ૮-૦૦ થી ૨-૦૦ અને સાંજે ૬-૦૦ થી ૯-૦૦ ખુલ્લી રાખી શકાશે. આમ ધ્રાંગધ્રા શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ વેપારીઓ દ્વારા આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે અને કોરોના વાયરસનું સંક્રમણ રોકવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

દામનગર

(વિમલ ઠાકર દ્વારા) દામનગર : લાઠી વધતા જતા કોવિડ ૧૯ના સંક્રમણથી લોકોમાં ભયનો ફેલાઈ અને કેસ ન વધે તે માટે મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમની અધ્યક્ષતામાં ચેમ્બર ઓફ કોમર્સ સાથે પરામર્શ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તથા સભ્યોનો જનહિતમાં કોરોના થી સુરક્ષિત રહેવા માટે તારીખ -૧૩/૦૪/૨૧ થી તા - ૩૦/૦૪/૨૧ સુધી સાંજના ૬ થી સવારના ૬ સુધી સ્વમભુ લોક ડાઉન કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દામનગર :

(વિમલ ઠાકર દ્વારા) દામનગર :શહેરમાં અનાજ કિરાણા એસોસિએશનનું સ્વૈચ્છિક લોક ડાઉન અલ્પજીવી વધતા જતા કોવિડ ૧૯ સંક્રમણની ચેઇન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન તા૧૧/૪/૨૧ થી બપોરના ૨-૦૦ પછી ૧૫ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત અલ્પજીવી નીવડી પૂર્વવત રીતે અનાજ કિરાણાની દુકાનો શરૂ રહેવા પામી હતી અનાજ કિરાણા એસોસિએશન દ્વારા સવાર ના ૭-૦૦ કલાક થી બપોરના ૨-૦૦ કલાક સુધી જ દુકાનો શરૂ રાખવા ૧૫ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. પણ આ સ્વૈચ્છિક લોક ડાઉન અલ્પજીવી નીવડ્યું હતું.

(11:04 am IST)