Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

માનવ સેવા એ જ પ્રભુસેવા. મોરબીના યુવા ઉદ્યોગપતિએ મેડિકલ સહાય માટે 11 લાખ, 11 હજાર 111નું અનુદાન જાહેર કર્યું

ઉમિયા નવરાત્રિ મહોત્સવમાં આરતીની આવક આ વર્ષે મેડિકલ સહાય માટે વાપરશે

મોરબી: વૈશ્વિક મહામારીને લઈને દુનિયા આખીનું અર્થતંત્ર, સામાજિક, સાંસ્કૃતિક વ્યવસ્થા ઊંઘી-ચિતી થઈ ગઈ છે. વિકસિત દેશો પણ મહામારી સામે લડતા લડતા હાંફી ગયા છે. ત્યારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અસંખ્ય સેવાભાવી સંસ્થાઓ અનેકોરીતે અસરગ્રસ્તોને મદદરૂપ થઇ રહી છે. આવી મદદ માટે વ્યક્તિગત ધોરણે પણ લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પણ મેડિકલ સારવારની જરૂરિયાત અર્થે નાણાંના અભાવે રઝળપાટ કરતા નાગરિકો માટે સેવાની સરવાણી શરૂ કરી છે. અને 11 લાખ 11 હજાર 111નું અનુદાન જાહેર કર્યું છે.
પંકજભાઇના ઘેર પુત્રીરત્નનો જન્મ થતા છેલ્લા બે વર્ષથી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દરમ્યાન આરતીનું આયોજન કરાઈ રહ્યું છે. હવે પણ જો તેમના ઘેર પુત્રીનો જન્મ થાય તો તેઓએ આવતા વર્ષે પણ મહા આરતીનો સંકલ્પ લીધો હતો. જો કે, હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ દર્દીઓ રૂપિયાના અભાવે સારવાર કરાવી શકતા ન હોવાનું ધ્યાને આવતા પંકજભાઈએ આરતી માટે થતો ખર્ચો દવા-આરોગ્ય પાછળ ખર્ચવાનો નીર્ધાર કર્યો છે. આ માટે તેઓએ 11 લાખ, 11 હજાર 111 રૂપિયાની ધનરાશી ફાળવી છે.
દરેક સમાજના કોઈપણ નાગરિક પાસે દવા ખરીદવા માટે આર્થિક સંકડામણ હોય તેવા લોકો પંકજભાઈનો સંપર્ક કરી શકે છે. ખરેખર જરૂરિયાતવાળા દર્દીઓના પરિજનો દવાનું પ્રિસ્કીપશન મોકલાવશે તેવા લોકોને યુવા ઉદ્યોગપતિ ઘેર બેઠા દવા પહોંચાડશે તેવું જાહેર કરી તેઓએ પોતાનો મોબાઈલ નંબર સાર્વજનિક કર્યો છે. 9725555555 નંબર પર ફોન કરીને દવા માટે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આર્થિક રાહત માટે માહિતી પહોંચાડી શકાય છે તેવું પંકજભાઈ રાણસરીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

(10:16 pm IST)