Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

નવી અંજાર-કુકમા પાઇપલાઇનથી ભુજ સહિત પશ્ચિમ કચ્છમાં નર્મદાના પીવાના પાણી વધ્યાં

ભુજને ૧ કરોડ લીટર પાણીનો જથ્થો વધારાયોઃ બન્નીને ૩ એમએલડી વધ્યું :અબડાસા-લખપત-નખત્રાણામાં ૮૦ લાખ લીટર પાણી વધુ પહોંચાડયું :ગઢશીશાના ગામોમાં ર એમએલડી જેટલો પાણીનો વધારો

ભુજ:કચ્છમાં ગત ચોમાસા દરમિયાન  નહીંવત વરસાદ થવાને કારણે મોટા ભાગના ડેમોમાં પાણીની આવક શૂન્ય હતી. પાણીની અછતને નિવારવા અને ઉનાળામાં પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે તાકીદના ધોરણે અંજારથી કુકમા સુધીની રૂ. ૮.૫૦ કરોડ લીટર પાણી વહન કરી શકે તેવી ક્ષમતાની પાઇપ લાઇન નાંખવાનું નક્કી કરાયું.

   જિલ્લા સમાહર્તા શ્રીમતી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા અને જીડબલ્યુઆઇએલનાં અધિકારીઓ દ્વારા રૂ. ૧૨૪.૪૨ કરોડના અંદાજો બનાવીને તાત્કાલિક ધોરણે તેની મંજૂરી મેળવી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને આ કામોને યુધ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યાં હતાં.

   અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા-૨૦૧૯ની ચૂંટણી અંગેની કામગીરીની સતત વ્યસ્તતા વચ્ચે કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા નાગરિકોને પાણીની અગવડ ન પડે તેવી નક્કર વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ અપાયો હતો.

  આ અંગેની વિગતો આપતાં જીડબલ્યુઆઇએલના સિનિયર મેનેજર સી.બી.ઝાલાએ જણાવ્યું હતું કે, અંજારથી કુકમા સુધીની નવી લોખંડની પાઇપલાઇન ૧૨૨૦ મી.મી. વ્યાસની ૨૭.૫ કિલોમીટર અને સાપેડાથી રતનાલ સુધી હયાત પાઇપલાઇનને સમાંતર ૭ કિલોમીટરનો સમાવેશ થાય છે. આ કામગીરી ફકત ચાર માસની સમયમર્યાદા આપીને ચાલુ કરવામાં આવી હતી. આટલાં મોટાં જથ્થામાં પાઇપલાઇનનું તાત્કાલિક ઉત્પાદન ચાલુ કરાવવામાં આવેલ અને સાઇટ ઉપર હિટાચી, જેસીબી, હાઇડ્રા લોડર વગેરે જેવા સાધનો મોટા જથ્થામાં કામે લગાડીને ફકત ત્રણ  માસ અને પાંચ દિવસના ટુંકાગાળામાં યુધ્ધના ધોરણે ૩૪.૫ કિલોમીટર જેટલી પાઇપલાઇન ઉત્પાદન કરી સાઇટ ઉપર લાવી તેનું ફિટીંગ કરીને કામગીરી પૂર્ણ તાજેતરમાં જ સંપન્ન કરવામાં આવી હતી.

  પાણી પુરવઠા વિભાગના સુપ્રિન્ટેન્ડીંગ એન્જિનિયર એલ. જે.ફુફલના જણાવ્યા તાજેતરમાં જ આ પાઇપલાઇનનું ટેસ્ટીંગ શરૂ કરીને નવી બનેલી પાઇપલાઇનમાં હવેથી નિયમિત ધોરણે પાણી વહેવડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ નવી પાઇપલાઇન શરૂ થતાં અંજારથી ભુજ અને પશ્ચિમ કચ્છમાં મોકલવામાં આવતાં સરેરાશ ૯૦ એમ.એલ.ડી.(૯ કરોડ લીટર) જથ્થામાં વધારો કરી નવી પાઇપલાઇન શરૂ કરાતાં ૧૧૫ એમ.એમ.ડી.(૧૧.૫ કરોડ લીઠર) એટલે કે ૨૫ એમ.એલ.ડી. ૨.૫ કરોડ લીટર પાણીનાં જથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

  ભુજ શહેરને આ પાઇપલાઇન શરૂ થતાં પહેલા કુકમાથી અંજાર સમ્પથી એરવાવાલ્વ કનેકશનોથી કુલ સરેરાશ ૩૦ એમ.એલ.ડી.ની સામે હાલ ૪૦  એમ.એલ.ડી. જેટલું પાણી પૂરૂ પાડવામાં આવી રહેલ છે.આ હિસાબે ભુજ શહેરમાં ૧ કરોડ લીટર પાણીનો જથ્થો વધારવામાં આવ્યો છે. હાલમાં ભુજ શહેરને કુકમા ખાતે સતત ૨૪ કલાક નર્મદા પાણીનું મળી રહયું છે.

  કુકમાથી ભુજના બન્ની વિસ્તારમાં નવી પાઇપલાઇન નખાયા પહેલા સરેરાશ ૮ એમએલડી પાણી મળતું હતું જે હવે સરેરાશ ૧૧ એમએલડી પાણી પુરૂ પાડવામાં આવી રહયું છે. આ રીતે બન્ની વિસ્તારમાં ઉનાળાની શરૂઆત પહેલાં ૩૦ લાખ લીટર પાણીના જથ્થામાં વધારો થયો છે.

  આજ રીતે પશ્ચિમ કચ્છના અબડાસા-લખપતનાં ગામો અને નખત્રાણા તાલુકાના થોડા ગામોને પાણી પુરૂ પડતાં ખીરસરા પમ્પીંગ સ્ટેશન પર આ પાઇપલાઇન પહેલા ૧૭ એમએલડીપાણી મળતું હતું જે હવે આ પાઇપલાઇન શરૂ થઇ જતાં રપ એમએલડી પાણી મળે છે. આમ આ ૩ તાલુકામાં ૮૦ લાખ લીટર જેટલાં પાણીના જથ્થામાં વધારો થયો છે.

         ભુજ વિસ્તારના બન્ની સિવાયના ગ્રામીણ વિસ્તારમાં, માંડવીના ગઢશીશા વિસ્તારના ગામોમાં સરેરાશ ર એમએલડી જેટલો પાણીનો વધારો થઇ શક્યો છે. આ પાઇપલાઇન શરૂ થવાથી આવતા ઉનાળાનાં દિવસોમાં ટપ્પર તેમજ માળીયાથી આવતા નર્મદાના નીર સારાં જથ્થામાં હવે આપી શકાશે.

         આ કામ દરમિયાન અંદાજે  ૧,૯૦,૦૦૦ ઘનમીટર ખોદકામ કરવામાં આવ્યું છે. જે સરેરાશ પ્રતિ દિવસ ૨૦૦૦ ઘનમીટર એટલે કે ૮,૭૦,૦૦૦ ઘનફૂટ થવા જાય છે. આ કામ દરમિયાન કુલ ૩૪,૫૦૦ રનીંગ મીટર ૧૨૦૦/૧૧૫૦ મી.મી. વ્યાસના પાઇપો  વેલ્ડીંગ કરી નાખવામાં આવ્યાં છે. જે સરેરાશ ૩૨૫ રનીંગ મીટર પ્રતિ દિવસ થવા જાય છે.

 

(6:16 pm IST)