Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ભર ઉનાળે મોરબીના ચાંચાપર, ખાનપર, થોરાળા સહિત ૧૦ ગામોમાં પાણીની તંગી

ચાંચાપર તા. ૧૪ : મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, થોરાળા તેમજ આસપાસના ૮ થી ૧૦ ગામડાની ગ્રામપ્રજા છેલ્લા બે દિવસથી પાણી વિના ટળવળે છે. તપાસ કરતા જાણવા મળ્યુ છે કે, ચાંચાપર પંથકના ગામડાને પાણી પુરવઠાતંત્ર દ્વારા પાઇપ લાઇનથી પાણી આપવામાં આવે છે જયારે રાજપરથી લઇ ખાનપર થોરાળા વગેરે ગામડાની પાઇપલાઇન પ્લાસ્ટીકની હોઇ જયા ત્યા તૂટેલી નજરે પડે છે.

વોંકળામાં ખેતરોમાં પાણી હજારો લીટર વેડફાઇ રહ્યુ છે !! જયારે રાજપરથી ચાંચાપર ગામ વચ્ચે ઘણા બધા કારખાનાઓ થયા હોવાથી મુખ્ય લાઇનમાં ભંગાણ પાડી સમગ્ર લાઇન પર પાણી ચોરી થતી હોવાનું સંભળાઇ છે.

એક તરફ પાણીની તૂટેલી લાઇનને સાંધવામાં તંત્ર વામણુ પુરવાર થયું છે. બીજી તરફ મોટાપાયે પાણી ચોરી થતી હોઇ ગામડાની ગ્રામ પંચાયતોએ બનાવેલ પાણીના ટાંકાપર પાણી ચડતું નથી ! પરિણામે ગ્રામ પંચાયત પાણી વિતરણ કરી શકતી નથી ને પ્રજા આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારે છે. ચાંચાપર ગ્રામ પંચાયતના સદસ્ય ચતુરભાઇ ઓધવજી સનીયારાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી તુરંત વ્યવસ્થા કરવા માંગણી કરી હોવાનું જાણવા મળે છે.

(11:35 am IST)