Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

દેવભૂમિ દ્વારકામાં પોષણ અભિયાનનો પ્રારંભ

ખંભાળીયા,તા.૧૪: ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિના રોજથી તા. ૨૪ એપ્રિલ,૨૦૧૮ સુધી ભારત સરકારશ્રીના મહિલા અને બાસ વિકાસ મંત્રાલય દ્વારા જન્મથી ૬ વર્ષ સુધીના બાળકો,સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો કરવા માટે નેશનલ ન્યુટ્રીશન મીશન અંતર્ગત''પોષણ અભિયાન''ની શરૂઆત થઇ રહેલ છે. આ સમયગાળા દરમ્યાન ''પોષણ અભિયાન'' ના અસરકારક અમલીકરણ માટે કામગીરીને જનઆંદોલનમાં પરિવર્તિત કરી દેવાય તેવુ માન.પ્રધાનમંત્રીશ્રી દ્વારા આહવાન કરવામાં  આવેલ છે. જે માટે મહિલા બાળ વિકાસ વિભાગ,આરોગ્ય વિભાગ,ગ્રામીણ વિકાસ  વિભાગ,પંચાયત રાજ વગેરે વિભાગોએ એક-બીજાના સંકલનમાં રહી કાર્ય કરવાનું આયોજન કરેલ છે. ભારત સરકારશ્રી દ્વારા પોષણ અભિયાનના જન આંદોલન માટે ૧૪ એપ્રિલ,૨૦૧૮ ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિના રોજથી તા. ૨૪ એપ્રિલ,૨૦૧૮ રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ સુધીમાં દેશભરની ગ્રામ પંચાયતોમાં પોષણ વિષયક બાબતો અને જે-તે ગ્રામ પંચાયતની આરોગ્ય અને સ્વચ્છતાની બાબતો અંગે ચર્ચાઓ કરવી, બેઠકના આયોજન કરવા અને અમલીકરણ કરવાનું નકકી કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ અંતર્ગત આઇ.સી.ડી.એસ. વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા ૦ થી ૬ વર્ષના બાળકોના વજન કરીને આંગણવાડી કેન્દ્રો ઉપર દર્શાવવામાં આવે તેમજ તેના વજન અને આરોગ્યની સ્થિતિ સુધારવા પગલા લેવામાં આવે તેવુ સૂચવવામાં આવ્યુ છે તેમજ સગર્ભા મહિલાઓ તાથ ધાત્રી માતાની સ્થિતિ સુધારવા પગલા લેવાનું પણ આયોજન કરવામા આવે છે. જે ધ્યાને લઇ આ કાર્યક્રમને સફળ અમલીકરણ માટે ગ્રામ પંચાયતોમાં આરોગ્ય અને પોષણ વિષયક તથા સ્વચ્છતાની બાબતો અંગે ખાસ તકેદારી દાખવાનુ સૂચવવામાં આવેલ છે. સામુદાયિક સ્તરે બાળકોના વજન,સગર્ભા મહિલાઓનું વજન અને જરૂરી તપાસ કરી આરોગ્ય ક્ષેત્રે સ્વાવલંબી બનાવાની નેમ રાખવામાં આવેલ છેે

આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર,સ્ત્રી આરોગ્ય કાર્યકર તેમજ આશા બહેનોને તેમજ જુદા જુદા વિભાગના કર્મચારીઓના સહકારથી જનસમુદાયના સહકાર મળી રહે તેવુ ગ્રામ્ય સ્તરે આયોજન કરી આ કાર્યક્રમને પુરો સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, દેવભૂમિ દ્વારકા દ્વારા જાહેર અપીલ એક યાદીમાં કરવામાં આવી છે

(11:33 am IST)