Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

બાઇક સ્લીપ થતાં મુળીના વડધરાના મેહુલ કોળીનું મોતઃ માસીયાઇ ભાઇ વિરમને ઇજા

મામાના દિકરાના લગ્નની કંકોત્રી આપી તરણેતરથી આવતી વખતે રાણીપાટ પાસે બનાવ : બંનેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયાઃ ૨૦ વર્ષના યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૪: ચોટીલાના થાન નજીક રાણીપાટ ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતાં મુળીના  વડધરા ગામના કોળી યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે સાથે બેઠેલા તેના માસીયાઇ ભાઇને ઇજા થઇ હતી. બંને લગ્નની કંકોત્રી આપીને તરણેતરથી પરત આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ વડધરા રહેતાં મેહુલ રસિકભાઇ દુધરેજીયા (ઉ.૨૦) નામના કોળી યુવાનના મામાના દિકરાના ૨૪મીએ લગ્ન હોઇ તે કંકોત્રી આપવા માટે ગઇકાલે બાઇક લઇને તરણેતર ગયો હતો. તેની સાથે માસીનો દિકરો વિરમ ચતુરભાઇ દુધરેજીયા (ઉ.૨૨) પણ ગયો હતો. બંને રાત્રે સવા અગિયારેક વાગ્યે તરણેતરથી પરત વડધરા આવવા નીકળ્યા હતાં. બાઇક મેહુલ હંકારતો હતો. રાત્રીના બારેક વાગ્યે થાન નજીક રાણીપાટ ગામે પહોંચ્યા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં બંનેને ઇજા થતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મેહુલનું મોડી રાતે મોત નિપજ્યું હતું.

મૃતક બે ભાઇ અને એક બહેનમાં નાનો અને કુંવારો હતો. તે પિતા સાથે ખેતીના કામમાં મદદરૂપ થતો હતો. યુવાન દિકરાના મોતથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી થાન પોલીસને જાણ કરી હતી.

(11:31 am IST)