Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

તા.૧૫ થી ૧૮ ઉજવાશે ભાવેણાનો જન્મદિવસઃ ગંગાજળીયા કાર્નિવલ-૨૦૧૮

બોરતળાવ-કૈલાસ વાટીકા ખાતે રંગારંગ કાર્યક્રમો ભવ્ય રોશની, લેઝર લાઇટીંગ, વિશાળ સ્ક્રીન અને અતાશબાજીઃ રાજય અને રાષ્ટ્રમાં ખ્યાતિ પ્રાપ્ત કલાકરો દ્વારા ત્રણ દિવસ કાર્યક્રમ જનતા માણી શકશેઃ

ભાવનગર,તા.૧૪: ભાવનગર પશ્વિમના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી દ્વારા પ્રેરીત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ગંગાજળીયા કાર્નિવલ-૨૦૧૮ ની ઉજવણી તા. ૧૫ થી ૧૮ કૈલાસ વાટીકા - બોરતળાવ ખાતે થશે.

નવપલ્લવિત થયેલ ગોૈરીશંકર સરોવર (બોરતળાવ) ભાવનગરનું નજરાણું બન્યુ છે ત્યારે આ સ્થળની ભાવેણાવાસીઓ મુલાકાત લે અને સાથે ભાવનગરના જન્મદિવસની ઉજવણીમાં પણ સામેલ થાય તે હેતુથી બોરતળાવની કૈલાસ વાટીકા ખાતે તા. ૧૫ થી ૧૮ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉજવણી થશે જયારે તા. ૧૫ ને રવિવારે બોરતળાવ ખાતે ડેઇંગ કોમ્પીટીશન યોજાશે.

રવિવારે ભાવેણા રંગોત્સવ-૨૦૧૮ કલાગુરૂ સ્વ. ખોડીદાસભાઇ પરમારને અર્પણ કરીને આ ડ્રોઇંગ કોમ્પીટીશન યોજાશે જેમાં વિવિધ વિષયો પર ૮૦ થી વધુ કલાકારો બોરતળાવની દિવાલો પર વિવિધ વિષયો પર ચિત્રો તૈયાર કરશે. તા.૧૬ ને સોમવારે સાંજે ૭ કલાકે કૈલાસ વાટીકામા તૈયાર કરાયેલ વિશાળ સ્ટેજ પર ગીત-સંગીત અને વેર્સ્ટન ડાન્સનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. ભાવેણા સ્વરોત્સવ-૨૦૧૮ નો આ કાર્યક્રમ કલાગુરૂ મહમદભાઇ દેખૈયાને અર્પણ કરાયો છે. અને આ કાર્યક્રમમાં ભાવનગરના સુપ્રસિધ્ધ કલાકારો ફિલ્મી, સુગમ, ગુજરાતી ગીતોની રમઝટ બોલોવશે તો ડાન્સ ગ્રુપ દ્વારા વેર્સ્ટન ડાન્સની પ્રસ્તુતિ પણ સોૈ કોઇને મંત્રમુગ્ધ કરશે.

લેઝર લાઇટીંગ, વિશાળ સ્ટેજ,રંગબેરંગી રોશની, આતશબાજી, વિશાળ એલઇડી સ્ક્રીન, સહિતના આકર્ષણો સાથેના આ કાર્યક્રમોની શ્રુંખલામાં બીજા દિવસે ભાવેણા નૃત્યોત્સવ-૨૦૧૮ યોજાશે. કલાગુરૂ સ્વ. ધરમશીભાઇ શાહને સમર્પિત આ કાર્યક્રમમાં માત્ર ભાવનગર જ નહીં પરંતુ રાજય અને રાષ્ટ્રીય સ્તરે નામના અને ખયાતિ ધરાવતી સંસ્થાઓ અને કલાકારો લોકનૃત્યો,સમુહનૃતય,માઇમ,સ્કીટ સહિતની કૃતિઓની જમાવટ કરશે. ઉલ્લેખનીય છે કે, તમામ કાર્યક્રમો જાહેર જનતા માટે અને વિનામુલ્યે આયોજીત કરાયા છે.

બુધવારે અખાત્રીજ એટલે કે ભાવનગરનો જન્મદિવસ ભાવેણા ભાવોત્સવત-૨૦૧૮ ઉજવાશે. આ કાર્યક્રમ ભાવનગરના રાજકવિ સ્વ. પિંગળાશીભાઇ ગઢવી (નરેલા) ને અર્પણ કરાયો છે. આ કાર્યક્રમમાં લોકગાયક-કલાકાર 'મારી લાડલી' અને 'માડી મોગલ' ફેઇમ કિર્તીદાન ગઢવી અને તેના સાથીદારો ભાવેણાવાસીઓને જલસો કરાવશે. આ ઉપરાંત ભાવનગરનું નામ રોશન કરનાર પ્રતિભાઓનું સન્માન, ભાવેણાના જન્મદિનનું કેક કટીંગ, કેન્ડલ લાઇટીંગ તથા અન્ય કાર્યક્રમો પણ આ સાથે યોજાશે. આ દિવસે સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ સહિતના કાર્યક્રમો પણ યોજાશે.

આમ, તા. ૧૫ થી ૧૮ એપ્રિલ કલા અને સાંસ્કૃતિકનગરી ભાવેણા પોતાની માતૃભુમિ ભાવનગરના ૬૯માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરશે.

ફુડ કોર્ટ પણ રહેશે

૧૬ થી ૧૮ ના આ ભવ્ય કાર્યક્રમો દરમ્યાન કાર્યક્રમ સ્થળે ભાવનગરી પાંઉ-ગાંઠીયા, ભુંગળા-બટેટા સહિતની વાનગીઓ અને ઠંડા-પીણા, આઇસ્ક્રીમ સાથેના ફુડ કોર્ટ પણ રહેશે. જેથી કાર્યક્રમ માણવા આવેલા ભાવનગરવાસીઓ કાર્યક્રમની સાથે ભાવનગરની વાનગીઓની જીયાફત પણ માણી શકશે.

૪૫૦થી વધુ કલાકારો

આ ચાર દિવસના ભવ્ય ગંગાજળીયા કાર્નિવલ-૨૦૧૮ દરમ્યાન શહેર અને રાજયના  સુખ્યાત ૪૫૦ થી વધુ કલાકારો અને કસબીઓ માત્ર ભાવેણા પ્રત્યેના પોતાના  પ્રેમ અને લાગણીના ભાવ સાથે પોતાની પ્રસ્તુતિ કરશે.

(11:26 am IST)