Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ખેડૂત ચીમનભાઇએ નજીક - નજીક કેસર આંબા વાવી છોડ દીઠ ૧૫ થી ૨૦ કિલો કેરી પકાવી

જુનાગઢના પીપળવા ગામે ઇઝરાયેલ પધ્ધતિની કમાલઃ બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રગતિશીલ ખેડૂત ચિમનભાઇ સાલંકીએ ટપક સિંચાઇ સાથે ૩૦ વિઘા જમીનમાં ૫ હજાર ઝાડના કરેલા વાવેતરમાં છોડ દીઠ ૧૫ થી ૨૦ કિલોનો ઉતારોઃ લોકોને કાર્બન મુકત કેસર કેરી સીધી ખેડૂત પાસેથી મળે અને ગ્રાહક અને ખેડૂતનું જોડાણ કરવા પીપળવાના ખેડૂતો ઝુંબેશ કરશે

જૂનાગઢ તા.૧૪ : ગીરની કેસર કેરી ગુજરાતની ઓળખ છે. ફળની રાણી એવી સુમધુર કેસર કેરીની લોકો  રાહ જોતા હોય છે ત્યારે તેનું ઉત્પાદન ઘટે તે  પાલવે તેમ નથી. ખેડુતની આવક બમણી કરવા માટે આધુનિક ખેતી અને ગુણવતાયુકત ઉત્પાદન જરૂરી છે. જૂનાગઢ જિલ્લામાં પરંપરાગત કેસર કેરીના આંબાના વાવેતરના બદલે ઈઝરાયલની હાઇડેન્સીટી પધ્ધતિથી આંબાના વાવેતરનો પ્રયોગ વિધાદીઠ ઉત્પાદનમાં બમણો વધારા સાથે સફળ થયો છે. જૂનાગઢ જિલ્લા બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ માળીયા તાલુકાના પીપળવા ગામે  પ્રગતિશીલ ખેડૂત શ્રી ચિમનભાઇ સોલંકીએ ૩૦ વિઘા જમીનમાં ૫ હજાર આંબાના ઝાડ વાવી  ઝાડદીઠ ૧૫ થી ૨૦ કિલો ગુણવતાયુકત દાણાદાર કેસર કેરીનું ઉત્પાદન લીધું છે. એક વિધામાં અગાઉ મોટા ઝાડવાળા આંબા માત્ર ૧૦૦થી ૧૨૦ તથા હતા આ નવી ટેકનીક વાળી આંબાની ખેતીમાં ૨૦૦ ઝાડ કેરી આપી રહયા છે.

પીપળવા ગામના ખેડુત શ્રી ચિમનભાઇ અને તેમના ભાઇ જગદીશભાઇએ   સૌરાષ્ટ્રમાં  વિવિધ જગ્યાએ અભ્યાસ કરી કેરીનું ઉત્પાદન વધું આવે તે માટે સૌ પ્રથમ સારામાં સારી કલમ બનાવવાનું કામ કયું હતું. આજે તેઓ પોતે જ સુધારેલ જાતની કલમ –રોપા બનાવે છે. ગઇ તા.૧૨-૦૭-૨૦૧૨ના રોજ બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ ઇઝરાયેલમાં શોધાયેલી અને આફ્રીકામાં પણ ખેડૂતો ઉપયોગ કરે છે તે હાઇડેન્સીટી સીસ્ટમથી આંબાનું વાવેતર કર્યું હતું. તેમણે ૩૦ વિધા જમીનમાં ૮*૧૦ ફુટના અંતરે હરોળમાં ૫ હજાર ઝાડ વાવી બમણું ઉત્પાદન લીધું છે. આંબાવાડીયામાં ટપક સિંચાઇનો પણ ઉપયોગ કર્યો છે. મહત્વની સફળતા એ છે કે જયારે ઝાડનો ગ્રોથ થાય ત્યારે કેરીનો ઉતારો આવ્યા બાદ ઝાડનું પ્રુડીંગ- ક્રોપીંગ (એક પ્રકારન ડાળોની કાપણી) કરવામાં આવે છે એટલે એક બીજા ઝાડ નજીક નજીક હોય છતા કોઇ અસર થતી નથી. કેરીતો જમીનથી એક ફુટ નીચેથી આવવા માંડે છે. ફુલ આવે પછી દવાનો છંટકાવ બંધ કરવામાં આવે છે અને દાણા પડે પછી જ કેરી ઉપરવામાં આવે છે એટલે કેરી પકવવા માટે કાર્બનની પણ જરૂર પડતી નથી. કાપણી સીઝન પુરી થયા પછી કરવામાં આવે છે.એટલે ત્યાં નવો ગ્રોથ આવે છે. ચિમનભાઇએ કહયું કે અત્યારે પાંચમું વર્ષ બેસતા ઉત્પાદન વધ્યું છે. ત્રીજા વર્ષે કેરી આવવા લાગે છે.

જૂનાગઢના નાયબ બાગાયત નિયામક શ્રી ગઢીયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં ખેડુતો કે જેમણે ઓછા ઉત્પાદનને કારણે આંબા કાઢી નાંખ્યા હોય તેઓ આ પધ્ધતિથી વાવેતર કરે તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે. બાગાયતી પાક માટે સરકારશ્રી દ્વારા વિવિધ સહાય પણ આપવામાં આવે છે. માંગરોળ-માળીયાના બાગાયત અધિકારી શ્રી મનદીપ પરસાણીયાએ સતત પાંચ વર્ષ સુધી પીપળવાના પ્રયોગશીલ ખેડુતના ફાર્મની મુલકાત લઇ માર્ગદર્શન આપ્યું હતુ. તાજેતારમાં બાગાયત ખાતાના અધિકારીઓએ કેરીના પ્રથમ ઉતારા વખતે હાજર રહીને ઉત્પાદન અંગેની માહિતી લઇ અન્ય ખેડૂતો ગીર કેસરકેરીની આ નવી ખેતી તરફ આગળ વધે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે.

ખેડૂતની આવક બમણી કરવા માટે કેરીના વધું ઉત્પાદનની સાથે ખેડૂતને સીધા ગ્રાહકો સાથે જોડી દેવામાં આવે તો ગ્રાહકોને કાર્બન વગરની કેરી મળે છે. ખેડૂતને તો ગ્રાહકો માર્કેટમાં જે ભાવ આપે છે તે જ જોઇએ છે તેથી ચિમનભાઇ અને પીપળવાના ખેડૂતોએ ગ્રાહકોને સીધું  વેંચાણ કરવા ઝુંબેશ હાથ ધરી છે. ગામના મહિલા સરપંચ શ્રી રાજીબેન સોલંકી અને અગ્રણી શ્રી ભીખાભાઇ કહયુ કે ખેડૂતનું ગ્રુપ બનાવી  ગ્રાહકો સાથે સીધું જોડાણ થાય તે માટે સોશ્યલ મીડીયાનો પણ ઉપયોગ કરાશે.

(૧) પરંપરાગત આંબાના ઝાડનું વાવેતર ઝાડના ફેલાવાને ધ્યાનમાં રાખી  દુર અંદાજે ૧૫થી ૨૦ ફુટના અંતરે થતું હતું. ઈઝરાયેલની પધ્ધતિના આ નવા પ્લાન્ટેશનમાં માત્ર ૮*૧૦ ફુટના અંતરે વાવેતર થાય છે.

(૨) ઝાડને મોટું થાય ત્યારે ક્રોપીંગ કરીને માવજત કરવામાં આવે છે. એટલે ઝાડ મોટું થતું નથી, પરંતુ નવો વિકાસ ફુલ બેસતા જ થઇ જાય છે.

(૩) માત્ર એક ફુટ નીચેથી કેરીનો ઉતારો આવે છે.ફુલ આવે એટલે પેસ્ટીસાઇડ દવા બંધ કરી દેવામાં આવે છે. એટલે ફળ ઉપર દવાનીઅસર રહેતી નથી.

(૪) પીપળવાના ખેડૂતે એક વીધા જમીનમાં જમીનનો વધુંને વધું ઉપયોગ કરીને ૨૦૦ છોડનું વાવેતર કરેલ છે. ત્રણ વર્ષે ઉત્પાદન શરૂ થઇ જાય છે. ખેડૂત શ્રી ચિમનભાઇ મો.૯૯૨૫૯૪૦૭૯૯એ કહયું કે ખેડુતો આ પધ્ધતિથી આંબા વાવશે તો ઉત્પાદન વધારે મળવાની સાથે ગુણવતા લક્ષી કેરી પકવવા માટેનો માર્ગ પણ ખુલશે. 

આલેખન : નરેશ મહેતા, માહિતી ખાતુ, જૂનાગઢ

કેસર કેરીના નવા હાઇડેન્સીટી પ્લાન્ટેશનની વિશેષતા

(10:19 am IST)
  • ટેબલટેનિસ મહિલા સિંગલ્સનો પણ ભારતને ગોલ્ડ : મોનીકા બત્રાએ ફાઈનલમાં સીંગાપુરની મેગ્યુ યુને હરાવી : ભારતને આજે કુલ ૭ ગોલ્ડ મળ્યા access_time 3:47 pm IST

  • મોદી શાસનમાં દલિતો પર હુમલા વધ્યા: નેશનલ ક્રાઇમ રિકોર્ડ બ્યુરોનો અહેવાલઃ UPAની તુલનામાં NDA સરકારમાં દલિતો સામેના અપરાધો વધ્યા : ભાજપની ઉંઘ હરામ કરે તેવો અહેવાલ access_time 3:47 pm IST

  • આઈપીએલ સીઝન 11ની 10મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે નિર્ધારીત 20 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને 138 રન કર્યાં અને સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં હૈદરાબાદ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 139 રન કર્યાં. હૈદરાબાદે કોલકાતાને 5 વિકેટથી હરાવ્યું. હૈદરાબાદની આ સતત ત્રીજી જીત છે અને પોઈન્ટ ટેબલમાં તે 6 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. access_time 12:51 am IST