Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

દેલવાડા ગામ પાસે ખુંટીયો આડો ઉતરતા અકસ્માત : જીઆરડી જવાન કમલેશ વાઢેરનું મોત : એકને ઇજા

મૃતકના પરિવાર તથા મિત્ર વર્તુળ અને પોલીસ બેડામાં ગમગીની છવાઇ

ઉનાનાં દેલવાડા ગામ પાસે ખુંટીયો આડો ઉતરતા સર્જાયેલા અકસ્માત થયો. ઉનાના જીઆરડી જવાનનું મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક ચાલકને ઇજા પહોંચી હતી. ઉનાથી દેલવાડા જતા રોડ ઉપર દેલવાડા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ સામેથી બુલેટ લઇને જીઆરડીમાં ફરજ બજાવતો યુવાન કમલેશભાઇ લાખાભાઇ વાઢેર (રે. ઉના) પસાર થતો હતો.

આ સમયે એક ખુંટીયો આડો ઉતરતા તેની સાથે ભટકાયેલ અને ત્યારબાદ સામેથી આબાઇક લઈને આવતા નાલીયા -માંડવીના એજાજ અલ્લારખા ચાવડા (ઉ.વ. ૨૮)ની બાઇક સાથે ભટકતો કમલેશભાઇને માથામાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત થયું હતું. બુલેટ સ્પીડમાં હોય રોડ ઉપર ઢસડાતા તેમાં આગ લાગતા બળીને રાખ થઇ ગયું હતું.

બનાવના પગલે લોકો ભેગા થઇ ગયા હતા અને ઇજા પામનાર એજાજને ઉના દવાખાને સારવાર માટે ખસેડયો હતો. ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ જમાદાર કે.એન. બાંકીયાએ તપાસ હાથ ધરી છે. જીઆરડીના જવાનનું અકસ્માતમાં મૃત્યુ થતા તેના પરિવાર તથા મિત્ર વર્તુળ અને પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ હતી

(12:24 pm IST)