Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

કોરોના ઇફેકટ

સોમનાથ આવતા યાત્રાળુઓની સંખ્યા ઘટી

ગુજરાત બહારના બુકિંગ કેન્સલઃ હોટલ માલિકો ચિંતામાં

અમદાવાદ,તા.૧૪: બાર જયોતિર્લિંગમાંથી પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે દેશ-વિદેશથી શ્રદ્ઘાળુઓ ઉમટી પડતા હોય છે. સામાન્ય દિવસોમાં તો અહીં ભીડ જોવા મળે જ છે પરંતુ ખાસ તો વેકેશન અને તહેવારમાં આ યાત્રાધામમાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. જોકે, આ હોળી અને ધૂળેટી દરમિયાન સોમનાથમાં ગત વર્ષની સરખામણીમાં ખૂબ જ ઓછી ભીડ જોવા મળી હતી. ટૂર્સ ટ્રાવેલ્સ તેમજ હોટલ સંચાલકો આ સ્થિતિ હોવા પાછળ કોરોના વાયરસના ડર તેમજ પરીક્ષાને પણ જવાબદાર ઠેરવી રહ્યાં છે.

પ્રવાસન સ્થળ પર પડી કોરોનાની અસર!

સામાન્ય રીતે વેકેશન હોય ત્યારે મહાદેવના દર્શન માટે ભારી ભીડ ઉમટી પડે છે. આ દરમિયાન હોટલ તેમજ ખાણીપીણીના સ્થળે પણ ભીડ જોવા મળે છે. જોકે, આ વખતે હોળીના સમય પર સોમનાથમાં જોઈએ તેટલી શ્રદ્ઘાળુઓની સંખ્યા જોવા મળી નથી. સોમનાથમાં આવેલી શ્રીરામ ગેસ્ટહાઉસના સંચાલક મયુરભાઈના જણાવ્યાનુસાર, 'આ વર્ષે હોળી જેવા તહેવારના સમયે પણ શ્રદ્ઘાળુઓની ખાસ ભીડ જોવા મળી નથી. લોકોએ ધાર્મિક સ્થળે આવવાના બદલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું વધુ પસંદ કર્યું છે. આ ઉપરાંત કોરોના વાયરસના ડરના કારણે તેમજ શ્રદ્ઘાળુઓની પાંખી હાજરી પર પરીક્ષાની અસર પણ જોવા મળી છે.'

ગુજરાત બહારના બુકિંગ થયા કેન્સલ

આ ઉપરાંત રાધિકા હોટલના સંચાલક કલ્પેશભાઈ ત્રિવેદીના જણાવ્યાનુસાર, 'સામાન્ય દિવસો કરતા તહેવાર અને વેકેશનમાં વધુ ભીડ જોવા મળે છે પરંતુ હાલ તો જોઈએ તેટલો યાત્રાળુઓનો પ્રવાહ નથી. કોરોના વાયરસનો ડર અહીં તો નથી પરંતુ યાત્રાધામ હોવાના કારણે દેશ-વિદેશના શ્રદ્ઘાળુઓનો પ્રવાહ રહે છે. અમારી હોટલમાં મહારાષ્ટ્ર તરફથી આવતા પ્રવાસીઓએ તાત્કાલીક ધોરણે બુકિંગ કેન્સલ કરાવ્યા હતાં. હવે જોઈએ છે કે આગળ શું થાય છે.'

શ્રદ્ઘાળુઓની પાંખી હાજરી

માધવ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલક કાનાબાર પિનાકભાઈએ જણાવ્યુ હતું કે,'સામાન્ય રીતે હોળી અને ધૂળેટી જેવા તહેવારોમાં ટ્રાવેલ્સ ફુલ રહેતી હોય છે પરંતુ આ વખતનું દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળ્યુ હતું. આ વખતે બહારથી આવતા શ્રદ્ઘાળુઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી હતી. હોટલ તેમજ ટ્રાવેલ્સના બુકિંગ પણ કેન્સલ થયા છે. જેથી હોટલ સંચાલકો તેમજ ટ્રાવેલ્સના ધંધાર્થીઓ માટે પણ થોડી મુશ્કેલી ઉભી થઈ છે. જે ભીડ જોવા મળે છે તે સ્થાનિકોની જ છે. પરંતુ બહારના શ્રદ્ઘાળુઓ ઘટ્યા છે.'

ઉનાળુ વેકેશનની જોઈ રહ્યા છે રાહ

દશનામ ભવનના મેનેજર ગજેન્દ્ર મહેતાએ જણાવ્યુ હતું કે, 'ભારત સહિત ગુજરાતમાં પણ કોરોનાના કારણે ભય તો જોવા મળી જ રહ્યો છે. હાલ તો સોમનાથમાં કશી જ ભીડ નથી. હોળી અને ધૂળેટી દરમિયાન હોટલ તેમજ અન્ય ધર્મશાળાઓ પણ ખાલી રહી છે. આમ પણ પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. તો હવે હોટેલ માલિકો વેકેશનની રાહ જોવી રહી. તહેવારોની વાત કરીએ તો આ વર્ષ થોડું નબળું ગયું છે. હવે એવી આશા છે કે ઉનાળુ વેકેશનમાં થોડી ભીડ જોવા મળે.'

આરોગ્ય વિભાગ પણ સતર્ક

નોંધનીય છે કે કોરોના વાયરસના પગલે તંત્ર પણ સતર્ક થયું છે. સાસણ, સોમનાથ, જૂનાગઢ, તુલસીશ્યામ સહિતના યાત્રાધામોની મુલાકાતે આવતા પ્રવાસીઓની તપાસ માટે પણ આરોગ્ય વિભાગ સજ્જ છે. પ્રવાસીઓની તપાસ માટે ડોકટર્સની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે અને હોટલ માલિકોને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.

(11:56 am IST)