Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

૩ લવરમૂછીયાઓએ અપહરણ કરી અલગ અલગ સ્થળે ભાણવડ પંથકની સગીરા પર ગેંગરેપ કરતા ઝેરી દવા પીધીઃ જામનગર આઈસીયુમાં સારવારમાં: પિતાનો વલોપાત

એક રાત સ્મશાનમાં રાખીઃ કોઈ જગ્યાએ પોલીસના લગ્નમાં લઈ ગયાઃ ઢાંક પિછોડા માટે મોટી રકમોની વાતો બહાર આવીઃ સગીરાના મામા સામે ગંભીર આક્ષેપોઃ સગીરાને વેચી દીધી હોવાનો દાવો

રાજકોટ, તા. ૧૪ :. દેવભૂમિ દ્વારા જિલ્લાના ભાણવડ પંથકની એક દલિત સગીરાનું તા.૧૬ ફેબ્રુઆરીના અપહરણ થયેલ. આ અંગે પાછળથી પોલીસમાં બે દિવસ પછી જાહેર પણ થયેલ. ચર્ચાતી અને આ યુવતિના વડીલના કહેવા મુજબ એક મુસ્લ્મિ, એક દલિત અને એક સોની મળી ત્રણ યુવાનોએ લગ્નમાં જવાનું કહી આ સગીરાને ૩ ઇકો કારમાં લઇ ગયા હતા. અને અલગ અલગ જગ્યાએ ફેરવી ગેંગ રેપ કરેલ.

આ યુવતિને એક રાત સ્મશાનમાં રખાયાની અને વાડીનાર બાજુ કોઇ પોલીસ પરિવારના લગ્નમાં પણ લઇ જવાયેલ એ પછી કોઇ મામાને ત્યાં બેક લાખમાં આ બનાવને માંડવાળ કરવાનું નકકી કરી છોકરીને મૂકી ગયાનું આ વડીલો કહી રહ્યા છે, દરમિયાન પોલીસે આ ગંભીર બાબતે કંઇ પગલા નહિં લેતા આ સગીરાએ દવા ગટગટાવી લેતા જામનગર આઇસીયુમાં દાખલ કરાયાનું બહાર આવ્યું છે. પોલીસ વડા પાસે આ વિગતો પહોંચી રહ્યાનું જાણવા મળે છે.

દરમિયાન આ બનાવ અંગે સગીરાના પિતાએ જણાવ્યુ હતુ કે, મારી પુત્રીને તા. ૧૬ના બપોરના ૩ વાગ્યે બે થી ત્રણ શખ્સો જેમાં એક મુસ્લિમ, એક સોની અને એક દલિત ઉઠાવી ગયા હતા અને આ અંગે પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની ફરીયાદ પણ નોંધાવી હતી.

સગીરાના પિતાએ વધુમાં જણાવ્યુ હતુ કે, મારી પાડોશમાં રહેતો એક છોકરો મારી પુત્રી જ્યારે મહેંદીનો કોન લેવા ગઈ હતી ત્યારે ધમકી આપીને ઘરેથી ભાગી જવા જણાવ્યુ હતુ જેથી ધમકી આપતા મારી પુત્રી ગભરાઈ ગઈ હતી અને ઉપરોકત ૩ શખ્સો તેને ભગાડી ગયા હતા. ત્યારબાદ આખી રાત તેને ગોંધી રાખી હતી અને બીજા દિવસે સગીરાએ ઘરે મુકી જવાનું કહેતા ખંભાળીયાના અજીયાસળી ગામે લઈ ગયા હતા. ૩ ગાડીમાં ૧૦થી ૧૨ શખ્સોએ મારી પુત્રીને રાત-દિવસ ફેરવી હતી અને તેના ઉપર દુષ્કર્મ આચરીને અત્યાચારો પણ કર્યા હતા. ત્યાર બાદ એક દિવસ વાડીનાર પણ લઈ ગયા હતા જ્યાં રાત્રીના ૧૨ વાગ્યે પહોંચતા કોઈ પોલીસવાળાના ઘરે લગ્ન હોવાથી આ શખ્સો ગભરાઈ ગયા હતા અને તેને કારમાં જ બાંધી રાખી હતી. ત્યાર બાદ ખંભાળીયામાં કોઈ ભલાભાઈને ઘરે લઈ ગયા હતા. જ્યાંથી મારા સાળા સાથે રૂ. ૨ લાખમાં મારી પુત્રીને વેચી દીધાનું પણ જણાવ્યુ હતું.

સગીરાના પિતાએ વધુમાં જણાવ્યુ કે, મારા સાળાના ઘરે જ્યારે મારી પુત્રીને લાવવામાં આવી ત્યારે રાત્રીના મારો પુત્ર પણ ત્યાં હતો. જેમણે આ અપહરણકારો અને મારા સાળા સાથેની વાતચીત સાંભળી લીધી હતી પરંતુ તે ગભરાઈ ગયો હતો અને તેમની બહેન પણ સાથે હોવાથી કંઈ બોલ્યો ન હતો.

ત્યાર બાદ મારા સાળાએ મને ફોન કરીને જણાવ્યુ કે, તમારી પુત્રી મારી પાસે છે. જેથી મેં તેમને ઠપકો આપીને 'તમે શું કામ મારી દીકરીને સંભાળી' તેમ પણ જણાવ્યુ હતું. અંતે મારા પત્નિને ત્યાં મોકલીને દીકરીનો કબ્જો લઈ લીધો હતો અને ત્યાર બાદ હું પણ ત્યાં પહોંચ્યો હતો. જ્યાં મારો પુત્ર હાજર હતો તેમણે રાત્રે બનેલી સઘળી હકીકત મને જણાવતા મારા સાળાએ મારા પુત્રને ૩ લાફા પણ માર્યા હતા. મારા પુત્રએ જણાવ્યુ કે, આ કંસ મામો છે.

આ બનાવ અંગે અનેક જગ્યાએ પોલીસ અધિકારીઓ તથા ડીએસપી સહિતના સમક્ષ રજૂઆત કરવા છતાં ન્યાય મળ્યો નથી. આ બનાવ અંગે જામનગર કે ભાણવડ પોલીસ તપાસ માટે આવી ન હતી. ખંભાળીયા પોલીસ રાત્રીના બે વાગ્યે આવીને નિવેદન નોંધ્યુ હતું. મારી પુત્રીએ કોર્ટમાં પણ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યુ છે. ૪ વખત ડીએસપીને મળવા ગયા હતા પરંતુ કોઈ મળવા દેતુ નથી.

સગીરાના પિતાએ વધુમાં જણાવ્યુ કે, વારંવાર રજુઆત ફરીયાદ કરવા છતાં ન્યાય ન મળતા અંતે મારી પુત્રીએ ઝેરી દવા પી લેતા હાલમાં જામનગરની જી.જી. હોસ્પીટલમાં ગંભીર હાલતમાં સારવારમાં ખસેડેલ છે ત્યાં પણ હોસ્પીટલમાં મારી પુત્રીને સારવાર માટે કોઈ સંભાળવા તૈયાર ન હતુ પરંતુ ધારાસભ્ય વિક્રમભાઈ માડમની ભલામણથી જામનગર જી.જી. હોસ્પીટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.

ત્યારે સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર આ શખ્સો સામે પગલા લઈને સગીરાને ન્યાય મળે તેવી માંગણી સાથે સગીરાના પિતાએ યોગ્ય કરવા માંગણી કરી છે.

(4:23 pm IST)