Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

શ્રી કૃષ્ણ ભગવાનનાં સ્વધામ ગમન સ્થાને ભવ્ય ગોલોકધામ તિર્થ બનાવાશે

પ્રભાસપાટણમાં મંદિર નિર્માણ શુભારંભ પ્રસંગે 'હરથી હરિ' સુધી શોભાયાત્રા યોજાઈઃ કેશુભાઈ પટેલ, દાતાઓ અને ભાવિકોની ઉપસ્થિતિ

ગોલોકધામ તિર્થ નિર્માણ માટે આયોજીત શોભાયાત્રાની તસ્વીરી ઝલક

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧૪ :. શ્રી સોમનાથ એ હરિહરનું તીર્થધામ છે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સાથે શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ પોતાની નિજધામ પ્રસ્થાન લીલા જે ક્ષેત્રમાં રચી એવું પવિત્ર તીર્થસ્થાન એટલે ગોલોકધામ તીર્થ.

શ્રી સોમનાથ મંદિરથી દોઢ કિ.મી. દૂર આગળ જતા હિરણ નદીના કાંઠે આ મહાપાવન તીર્થ બિરાજમાન છે. શ્રી પ્રભાસ ક્ષેત્રના આ સ્થળેથી ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય નિજધામ-પ્રસ્થાન લીલાનું અદભૂત વર્ણન મહાભારત, શ્રીમદ્દ ભાગવત, વિષ્ણુ પુરાણ વિગેરે પ્રાચીન ધર્મગ્રંથોમાં અદભૂત રીતે વર્ણવવામાં આવેલ છે.

સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીજીએ પ્રભાસની દેહોત્સર્ગની પવિત્ર ભૂમિ પર ચાતુર્માસ કરેલ. ઉપર્યુકત શાસ્ત્રોના અભ્યાસ પરથી ભગવાન શ્રી કૃષ્ણના નિજધામ પ્રસ્થાનની કાલગણના કરી છે. કાલગણના મુજબ ઈ.સ. પૂર્વે ૩૧૦૨ વર્ષ પહેલા, ચૈત્ર શુકલ એકમના દિવસે, શુક્રવારે મધ્યાહન બાદ ૨ કલાક ૨૭ મીનીટ અને ૩૦ સેકન્ડ વેળાએ અંગ્રેજી કેલેન્ડર મુજબ ૧૮ ફેબ્રુઆરીના હિરણના આ પવિત્ર તટથી શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ સ્થુળ શરીરને અગ્નિથી બાળ્યા વિના યોગધારણા વડે, નિજધામ પ્રસ્થાન કર્યુ હતું. આ સ્થળ હાલ દેહોત્સર્ગ તીર્થના સંક્ષિપ્ત નામથી લોકપ્રિય છે. હિરણના શાંત અને પાવન તટે, યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની આ દિવ્ય લીલાના દર્શન કરાવતી ચરણપાદુકા અત્રે બિરાજમાન છે.

ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ શ્રી બલરામજીએ પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે અહીંથી જ પોતાનું મૂળ શેષનાગરૂપ ધારણ કરી નિજધામ પ્રસ્થાન કર્યુ હતું. આ સ્થાન દાઉજીની ગુફાના નામથી દ્રશ્યમાન છે, અહીં પ્રાચીન ગુફા અને શેષજીનું પ્રતિક બિરાજમાન છે.

શ્રીમદ્દ ભાગવતના સ્કંધ ૧૧-અધ્યાય ૩૧-શ્લોક ૫ અને ૬ ના વર્ણન પ્રમાણે આ ક્ષેત્રનો ઉલ્લેખ છે જેમાં કહેવામાં આવેલુ છે કે...

'પિતામહ બ્રહ્મા અને અન્ય દેવ વિભૂતિઓને જોઈ, ભગવાન શ્રી કૃષ્ણ કમળ સમાન નેત્રો મીંચીને સમાધિસ્થ થયા. જેમનું ધ્યાન અને ધારણા મંગલકારી છે, તેવા સૌના પ્રિય એવા ભગવાન શ્રી કૃષ્ણ, પાર્થિવ શરીરને યોગ અગ્નિથી અદગ્ધ રાખીને પોતાના સ્વધામમાં પધાર્યા'.

વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી (શ્રી મહાપ્રભુજી) એ પ્રભાસના આ સ્થાન પર સાત દિવસ સુધી શ્રી મદ્દ ભાગવતનું પારાયણ કર્યુ હતુ. ભારતમાં આવેલ વૈષ્ણવોની ૮૪ બેઠકો પૈકી ૬૫'મી પુષ્ટિમાર્ગીય બેઠક અત્રે આવેલ છે.

શ્રી ગોલોકધામના વિકાસનો સંકલ્પ સોમનાથ વિશ્વસ્ત મંડલ દ્વારા કરવામાં આવેલ છે. દાતાશ્રી શારડા પરિવાર તરફથી તીર્થ નિર્માણ કાર્ય શરૂ થનાર છે. શુભારંભ પ્રસંગે બ્રહ્મચોર્યાસી, સાધુ ભોજન અને નિર્માણ માટે વિધિવત પૂજાથી શુભ શરૂઆત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત દાતા પરિવારનું સન્માન શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઈ દ્વારા કરવામાં આવેલ છે.

મંદિર નિર્માણ શુભારંભ પ્રસંગે શોભાયાત્રા 'હરથી હરિ' સુધી યોજાઈ હતી. જેમાં શ્રી સોમનાથ મંદિરથી સ્થાનિકો, વિવિધ સમાજો, યાત્રીઓ, દાતા પરિવાર સાથે પારંપરીક વસ્ત્રોમાં સુંદર ફલોટસ સાથે યાત્રા શ્રી સોમનાથથી શ્રી ગોલોકધામ તીર્થ પહોંચેલ. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(1:00 pm IST)