Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

પોલીસની હપ્તાખોરીથી કંટાળેલા સુવઇ (રાપર)ના બુટલેગરે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ

કોન્સ્ટેબલોએ હપ્તા માટે માર માર્યો-બુટલેગરની પત્નીએ કરેલી ફરીયાદ પોલીસે ન નોંધી-ગભરાઇ ગયેલા બુટલેગરે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર!!: ભુજ સારવારમાં

ભુજ, તા. ૧૪ : રાજય સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવાની જવાબદારી જેના શિરે છે એ જ કાયદાના રક્ષકો જો બુટલેગરને હપ્તો આપવા માટે માર મારે એ ઘટના ગાધી ગુજરાત માટે શરમજનક છે.

રાપરના સુવઇ ગામના બુટલેગર જીતુભા રાઠોડે રાપરના બે પોલીસ કોન્સ્ટેબલો વિષ્ણદાન ગઢવી અને ખીમજી આહીરની સામે હપ્તા માંગવાનો અને હપ્તા ન આપ્યા તો માર મારીને તેને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હોવાનું જણાવીને ઝેરી દવા પી લીધી હતી.

આ બુટલેગરે સ્યુસાઇડ નોટ લખ્યા ઉરાંત મામલતદારને પણ આ અંગે નિવેદન આપતા ચકચાર મચી ગઇ છે. આપઘાતનો પ્રયાસ કરનારા બુટલેગરની તબિયત લથડાતા તેને વધુ સારવાર માટે ભુજ ખસેડાયો છે.

રાપર પીએસઆઇ ચૌધરીએ આ શખ્સ લીસ્ટેડ બુટલેગર હોવાનું જણાવીને આપઘાત અને બે પોલીસ કોન્સ્ટેબલો વિરૂદ્ધ બુટલેગરની ફરીયાદ સંદર્ભે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું.

(12:47 pm IST)