Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ભુજની મહિલા કોલેજનાં 'પીરિયડ્સ' પ્રકરણમાં યુનિવર્સીટી બાદ પોલીસ અને મહિલા આયોગ પણ સક્રિય

(ભુજ) ભુજની સહજાનંદ મહિલા કોલેજમાં વિદ્યાર્થીનીઓની 'પિરિયડ્સ' એટલે કે માસિક ધર્મને લઈને કરવામાં આવેલી તપાસ બાદ અલગ અલગ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પોતાના અધિકાર ક્ષેત્રની બહારનો વિષય હોવા છતાં તપાસ કરવા આવેલી કચ્છ યુનિવર્સીટીની ટીમથી પણ લોકોની આંખો પહોળી થઇ ગઇ હતી. કોઈપણ જાતની રજુઆત કે ફરિયાદ ન હોવા છતા પોલીસ પણ જાતે તપાસ કરવા મંડી છે. છેક ગાંધીનગરમાં બેઠેલા મહિલા આયોગે પણ પશ્ચિમ કચ્છ પોલીસ પાસે સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ માંગ્યો છે. તપાસનાં નામે આટલો ધમધમાટ કદાચ કચ્છનાં ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નહીં હોય. જો કે આટલી બધી દેખાતી સક્રિયતા વચ્ચે પણ કચ્છ યુનિવર્સીટી, પોલીસ કે અન્ય કોઈ માત્ર કાર્યવાહી જ કરી રહ્યા છે પણ કોઈ નિષ્કર્ષ કે પરિણામ સુધી પહોંચ્યા નથી.

                 માંડવીમાં બીચ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા કચ્છમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી આવેલા હતા ત્યારે જ ઘટના બહાર આવતા તંત્ર અને યુનિવર્સીટીથી માંડીને પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી. ઝડપભેર તપાસ ટીમ રચાઈ ગયી. ઘટના સ્થળથી માંડીને છાત્રાઓ, કોલેજ-હોસ્ટેલના સત્તાવાળાનાં નિવેદનો પણ નોંધી લેવામાં આવ્યા હતા. પરંતુ છેવટે જોવા જઈએ તો ૬૮ વિદ્યાર્થીનીઓને માનસિક રીતે પ્રતાડીત કરવાનાં આ કેસમાં કોઈ પરિણામ હજુ સુધી જોવા મળ્યું નથી.

(5:26 pm IST)