Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

થાનગઢમાં એક વર્ષથી બનતા ઓવરબ્રિજથી પારાવાર પરેશાની

વઢવાણ તા. ૧૪ : એક વર્ષથી થાનગઢની મધ્યમથી પસાર થતા ઓવર બ્રિજ નું કામ ચાલુ છે ત્યારે સ્થાનિક પ્રજા ત્રાહિમામ્ પોકારી ઉઠી છે. દરરોજ અંદાજે પચાસથી વધુ ટ્રેનો અહીંથી પસાર થાય છે. ત્યારે દરેક સમયે પંદર મિનિટ સુધી બંને ફાટક બંધ રહે છે. મુખ્ય રસ્તાઓ ઉપર પેસેન્જર વાહનો તથા લારીઓવાળા અડીંગો જમાવીનેઅડચણ કરી રહ્યા છે. થાનગઢ શહેરમાં અંદાજે ચારસોથી વધારે વેપારી દુકાન ધારકો ઓવરબ્રિજની કામગીરીથી બેકાર બનેલ છે. જેના આધારીત હજારથી વધુ કુટુંબો બેરોજગાર બની ગયેલ છે.

ઓવરબ્રિજની કામગીરી માટે કોઈપણ પ્રકારે વ્યસ્થિત ડાયવર્જન નહીં હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઇંધનનો વ્યય તથા વાહનોમાં મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. મુખ્ય રસ્તાઓ ઉપર અમુક ધંધાર્થીઓ ગંદુ પાણી ઢોળીને રાહદારીઓ માટે મુશ્કેલી સર્જે છે. આ માટે થાનગઢ નગરપાલિકા કોઈપણ વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નિવડેલ છે. ઓવરબ્રિજની કામગીરી બાબતે શરૂઆતથી થાનગઢની પ્રજાને કોઈ પણ માહિતી મળેલ નહીં હોવાથી બેરોજગારીની સાથે થાનગઢના હૃદય સમાન વાસુકી મંદિરનું તળાવ પણ ખાલી થઈ ગયેલ છે.

(11:38 am IST)